Ahmedabad

પતિ પોતાની પત્ની અને પુત્રીને ભારતમાં શોધતો રહ્યો પોલીસે બન્નેને બાંગ્લાદેશ મોકલી દીધા, હાઈકોર્ટમાં ખુલાસો

By GS Team
14 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલી હેબિયસ કોર્પસ અરજીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હાફિઝુર રહામાન મલિકે પત્ની અને 7 વર્ષની પુત્રીને ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદે રાખ્યાનો આક્ષેપ કર્યો હતો. જોકે, રાજ્ય સરકારે જણાવ્યું કે, તેઓ ભારતીય નાગરિક ન હોવાથી કાયદેસર પ્રક્રિયા બાદ 11 જુલાઈ, 2026ના રોજ તેમને બાંગ્લાદેશ પરત મોકલી દેવાયા છે. આ સત્ય સામે આવતા અરજદારે અરજી પરત ખેંચી લીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

પતિ પોતાની પત્ની અને પુત્રીને ભારતમાં શોધતો રહ્યો પોલીસે બન્નેને બાંગ્લાદેશ મોકલી દીધા, હાઈકોર્ટમાં ખુલાસો

Gujarat High Court Habeas Corpus: ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી એક હેબિયસ કોર્પસ(શરીરને હાજર કરો) અરજીની સુનાવણી દરમિયાન મોટો ખુલાસો થયો છે. અરજદારની પત્ની અને પુત્રીને કોઈ ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદે રાખવામાં આવ્યા નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેમને બાંગ્લાદેશ પરત મોકલી દેવાયા છે. આ સત્ય સામે આવતા અરજદારે પોતાની અરજી પરત ખેંચી લીધી હતી.

પરિવારને ડિટેન્શન સેન્ટરમાં રાખ્યાનો આક્ષેપ

જસ્ટિસ સંગીતા કે. વિશેન અને જસ્ટિસ ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈની ડિવિઝન બેન્ચ સમક્ષ હાફિઝુર રહામાન મલિક દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી. અરજદારના વકીલે દલીલ કરી હતી કે પોલીસ અધિકારીઓ અરજદારના પરિવારને લઈ ગયા હતા, જેમાંથી અરજદારને છોડી મુકાયો હતો પરંતુ તેની પત્ની અને સાત વર્ષની પુત્રીને ડિટેન્શન સેન્ટરમાં રખાયા હોવાની શંકા હતી.

પુરાવા રજૂ કરી મુક્તિની માંગ કરાઈ

અરજદારના વકીલે કોર્ટ સમક્ષ જન્મ પ્રમાણપત્રો રજૂ કરીને જણાવ્યું હતું કે, પત્નીનો જન્મ 1 ઓગસ્ટ, 1985ના રોજ અને પુત્રીનો જન્મ 12 જુલાઈ, 2019ના રોજ થયો હતો. બંનેને ગેરકાયદે રીતે અટકાયતમાં રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેમને તાત્કાલિક કોર્ટ સમક્ષ હાજર કરવા માંગ કરવામાં આવી હતી.

બંને બાંગ્લાદેશી નાગરિક હોવાથી ડિપોર્ટ કરાયા

બીજી તરફ, રાજ્ય સરકાર વતી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરે સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસરની યાદી રજૂ કરી હતી. આ રિપોર્ટ અનુસાર, અરજદારની પત્ની અને પુત્રી ભારતીય નાગરિક ન હોવાનું સાબિત થતાં, કાયદેસરની કાર્યવાહી કરીને 11 જુલાઈ, 2026ના રોજ તેમને બાંગ્લાદેશ પરત મોકલી દેવાયા હતા.