ચાર વર્ષ બાદ પુનઃઆકારણી પર રોક, માત્ર અભિપ્રાય બદલાવના આધારે કાર્યવાહી અમાન્ય: ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: ગુજરાત હાઈકોર્ટે આવકવેરા વિભાગને મહત્ત્વપૂર્ણ ઝટકો આપતાં સ્પષ્ટ કર્યું છે કે, જો કરદાતાએ મૂળ આકારણી દરમિયાન તમામ જરૂરી માહિતી અને દસ્તાવેજો રજૂ કર્યા હોય તો સંબંધિત આકારણી વર્ષ પૂર્ણ થયાના ચાર વર્ષ બાદ માત્ર વિભાગના બદલાયેલા અભિપ્રાયના આધારે ફરી આકારણી શરૂ કરી શકાય નહીં. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે ઇન્કમટેક્સ એક્ટની કલમ 148 હેઠળ જારી કરાયેલી નોટિસને ગેરકાયદેસર ઠેરવી રદ કરી હતી.
ચાર વર્ષ બાદ પુનઃઆકારણી પર રોક
મામલાની વિગતો મુજબ, કરદાતાએ આકારણી વર્ષ 2012-13 માટે 30 સપ્ટેમ્બર, 2012ના રોજ આવકવેરા રિટર્ન દાખલ કર્યું હતું. મૂળ આકારણી પ્રક્રિયા દરમિયાન આવકવેરા અધિકારીએ રૂ.18.09 લાખની કરમુક્ત ડિવિડન્ડ આવક તેમજ રૂ.1.74 કરોડના લાંબા ગાળાના મૂડીલાભ અંગે વિગતવાર માહિતી માંગી હતી. કરદાતાએ તમામ જરૂરી ખુલાસા અને દસ્તાવેજો રજૂ કર્યા બાદ 19 માર્ચ, 2015ના રોજ કલમ 143(3) હેઠળ આકારણી પૂર્ણ કરવામાં આવી હતી.
ત્યારબાદ વિભાગે 30 માર્ચ, 2019ના રોજ કલમ 148 હેઠળ નોટિસ જારી કરીને આકારણી ફરીથી ખોલવાનો પ્રયાસ કર્યો હતો. વિભાગનું કહેવું હતું કે, કરમુક્ત આવક સંબંધિત ખર્ચની કપાત કલમ 14A અને નિયમ 8D મુજબ કરવામાં આવી નહોતી.
હાઈકોર્ટે નોંધ્યું હતું કે, મૂળ આકારણી દરમિયાન તમામ જરૂરી વિગતો રેકોર્ડ પર ઉપલબ્ધ હતી અને વિભાગ કોઈ નવી હકીકત કે પુરાવો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, નવી સામગ્રી વિના હાથ ધરાયેલી કાર્યવાહી માત્ર “ચેન્જ ઓફ ઓપિનિયન” સમાન ગણાય છે, જે કાયદેસર નથી.
ખંડપીઠે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, ઇન્કમટેક્સ એક્ટની કલમ 147 હેઠળ ચાર વર્ષ બાદ પુનઃઆકારણી માત્ર ત્યારે જ થઈ શકે, જ્યારે કરદાતાએ કોઈ મહત્ત્વપૂર્ણ હકીકત છુપાવી હોય અથવા ખોટી માહિતી આપી હોય. સુપ્રીમ કોર્ટના ‘CIT v. Kelvinator of India Ltd.’ સહિતના ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં કોર્ટે કહ્યું હતું કે, પુનઃઆકારણીની સત્તાનો ઉપયોગ પૂર્ણ થયેલી આકારણીની સમીક્ષા કરવા માટે કરી શકાય નહીં. આ નિષ્કર્ષ સાથે કોર્ટે વિવાદિત નોટિસ રદ કરીને અરજી મંજૂર કરી હતી.









