Ahmedabad

કેનેડાની ફ્લાઇટના 4 કલાક પહેલા ટૂર કેન્સલ કરનાર થોમસ કુકને ફટકો: 2.42 લાખની કપાત ગેરકાયદે ઠેરવી વળતરનો આદેશ

By GS Team
11 Jul 20262 mins read
TukuTouch Logo
ગુજરાત રાજ્ય ગ્રાહક કમિશને 'થોમસ કુક ઇન્ડિયા લિમિટેડ'ની અપીલ ફગાવી ગ્રાહકના હિતમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. અમદાવાદના કુમારેશ ત્રિવેદીની કેનેડા ટૂર કંપનીએ 4 કલાક પહેલા રદ કરી હતી. વિઝામાં બેદરકારી અને પુરાવા વિના ₹2.42 લાખ કાપવા બદલ કમિશને કંપનીની સેવા ખામીયુક્ત ઠેરવી, જે ટૂર કંપનીઓ માટે મોટી ચેતવણી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેનેડાની ફ્લાઇટના 4 કલાક પહેલા ટૂર કેન્સલ કરનાર થોમસ કુકને ફટકો: 2.42 લાખની કપાત ગેરકાયદે ઠેરવી વળતરનો આદેશ

Thomas Cook Canada Flight Cancellation Case: ગુજરાત રાજ્ય ગ્રાહક વિવાદ નિવારણ કમિશને પ્રવાસન ક્ષેત્રની જાણીતી કંપની 'થોમસ કુક ઈન્ડિયા લિમિટેડ'ની અપીલને ફગાવી દઈને ગ્રાહકોના હિતમાં એક અત્યંત મહત્ત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કમિશને અમદાવાદ રૂરલ ડિસ્ટ્રિક્ટ કમિશન દ્વારા કંપની વિરુદ્ધ પાસ કરાયેલા અગાઉના હુકમને યથાવત રાખ્યો છે. કાયદાના નિષ્ણાતોના મતે, ગ્રાહકો સાથે મનસ્વી શરતો થોપતી ટૂર એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ માટે આ ચુકાદો એક મોટી ચેતવણી સમાન છે.

પ્રસ્થાનના માત્ર 4 કલાક પહેલા ટૂર કેન્સલ કરાઈ

કેસની વિગતો મુજબ, ફરિયાદી કુમારેશ કેદારનાથ ત્રિવેદીએ ફેબ્રુઆરી 2019માં પોતાના પરિવાર સાથે કેનેડા પ્રવાસ માટે થોમસ કુક કંપની દ્વારા બુકિંગ કરાવ્યું હતું. ગ્રાહકે કંપનીને સંપૂર્ણ રકમ ચૂકવી દીધી હોવા છતાં, કંપનીએ વિઝા પ્રોસેસમાં ઘોર બેદરકારી અને ઢીલ રાખી હતી. પરિણામે, પરિવારની દીકરી શ્રુતિના વિઝા સમયસર ન આવતા, કંપનીએ 23 મે 2019ના રોજ ફ્લાઈટના પ્રસ્થાનના માત્ર 4 કલાક પહેલા જ આખી ટૂર અચાનક રદ કરી દીધી હતી.

બુકિંગ કે હોટલ બિલના પુરાવા વિના મનસ્વી રીતે 2.42 લાખ કાપી લીધા

ટૂર કેન્સલ થયા બાદ થોમસ કુક કંપનીએ ગ્રાહકને રિફંડ આપતી વખતે તેમાંથી 2,42,652 રૂપિયાની તોતિંગ રકમ કાપી લીધી હતી. કંપનીએ એવી દલીલ કરી હતી કે આ રકમ હોટલ અને એરલાઈન્સના નોન-રિફંડેબલ ખર્ચ પેટે કાપવામાં આવી છે. જો કે, કાનૂની લડાઈ દરમિયાન રાજ્ય કમિશન સમક્ષ કંપની એક પણ એર ટિકિટ કેન્સલેશનનો દસ્તાવેજ, હોટલનું બિલ કે એડવાન્સ બુકિંગનો પુરાવો રજૂ કરી શકી નહોતી.

કંપનીની એકતરફી શરતો ગ્રાહકને બંધનકર્તા નથી: રાજ્ય કમિશન

રાજ્ય ગ્રાહક કમિશનના મેમ્બર પી.આર. શાહ અને પ્રિસાઈડિંગ મેમ્બર એ.સી. રાવલની બેન્ચે ચુકાદામાં આકરી ટકોર કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "દસ્તાવેજી પુરાવાના સંપૂર્ણ અભાવે કંપની દ્વારા કરવામાં આવેલી આ કપાત સદ્દંતર મનસ્વી છે. આ કૃત્ય સેવામાં ખામી (Deficiency in Service) અને અયોગ્ય વ્યાપારી રીતરસમ (Unfair Trade Practice) દર્શાવે છે." કમિશને વધુમાં ઉમેર્યું કે કંપની પોતાના બચાવમાં ટર્મ્સ એન્ડ કંડિશનની કોઈ ચોક્કસ કલમ પણ બતાવી શકી નથી, અને આવી એકતરફી શરતો ગ્રાહકો પર થોપી શકાય નહીં.

કમિશનની ગંભીર ટકોર

"150 વર્ષ જૂની આ કંપની ગ્રાહક સેવાના દરેક તબક્કે નિષ્ફળ રહી છે. કોઈ પણ ગ્રાહક માત્ર પૈસા કમાવા માટે કોર્ટના પગથિયાં નથી ચઢતો. તે એક મધ્યમવર્ગીય પરિવારનો માણસ છે, જેણે મહિનાઓની તૂટતી મહેનત બાદ પોતાના પરિવાર માટે રજાઓનું આયોજન કર્યું હતું અને કંપનીની બેદરકારીના કારણે પ્રસ્થાનના દિવસે જ આખો પ્લાન બરબાદ થઈ ગયો."