અમદાવાદના પૂર અસરગ્રસ્ત વેપારી-દુકાનદારો માટે સરકારે રાહત પેકેજનો ઠરાવ કર્યો, અરજી પ્રક્રિયા અને શરતોનો ઉલ્લેખ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Flood Relief Package : જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ જિલ્લામાં ખાબકેલા ભારેથી અતિભારે વરસાદ અને તેના કારણે સર્જાયેલી પૂરની હોનારતે સ્થાનિક વાણિજ્ય, વેપાર અને સેવાકીય પ્રવૃત્તિઓને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો છે. નાના-મોટા વેપારીઓ અને રોજગાર આધારિત ધંધાર્થીઓનું અર્થતંત્ર ખોરવાઈ જતાં, રાજ્ય સરકારે અમદાવાદના આ અસરગ્રસ્ત વેપારીઓના આર્થિક પુનઃવસન અને વેપાર-ધંધા ફરી ધમધમતા કરવા માટે એક વિશેષ 'આર્થિક અને પુનઃવસન સહાય પેકેજ'ની જાહેરાત કરી છે.
બે રીતે રાહત આપવામાં આવશે
ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ઠરાવ અનુસાર, પૂરના કારણે આર્થિક નુકસાન ભોગવનારા લારી-રેકડી ધારકો, નાના-મોટા કેબિન ધારકો તેમજ પાકી દુકાન ધરાવતા વેપારીઓને બે રીતે રાહત આપવામાં આવશે, એક ઉચ્ચક રોકડ સહાય અને બીજી બૅંક લોન પર સબસીડીયુક્ત વ્યાજ સહાય. સરકારે નુકસાનની અને ધંધાના માળખા મુજબ સહાયની રકમ નક્કી કરી છે
કોને કેટલી મળશે રોકડ અને વ્યાજ સહાય?
- લારી / રેકડી ધારકો: પૂરથી અસરગ્રસ્ત લારી-રેકડી ધારકોને રોજગાર પુનઃશરૂ કરવા માટે Rs. 7,500/-ની ઉચ્ચક રોકડ સહાય આપવામાં આવશે.
- નાની અને મોટી કેબિન: 40 ચોરસ ફૂટ સુધીની નાની કેબિન ધરાવનારાઓને Rs. 25,000/- તથા 40 ચોરસ ફૂટથી મોટી કેબિન ધરાવતા ધંધાર્થીઓને 50,000/-ની રોકડ સહાય મળશે.
- પાકી દુકાનો (નાના વેપારીઓ): સ્થાયી બાંધકામ અને GST રિટર્ન ભરતા હોય તેવા પાકી દુકાનના ધારકો માટે Rs. 1,00,000/-ની ઉચ્ચક રોકડ સહાયની જોગવાઈ કરાઈ છે.
વ્યાજ સહાય યોજના (ટર્મ લોન પર)
- 7.5 લાખ સુધીનું માસિક ટર્નઓવર ધરાવતી દુકાનોને 20 લાખ સુધીની ટર્મ લોન પર 3 વર્ષ માટે 7%ના દરે વ્યાજ સહાય(વધુમાં વધુ 5 લાખ સુધી) મળશે.
- 7.5 થી 15 લાખનું માસિક ટર્નઓવર ધરાવતી દુકાનોને 25 લાખ સુધીની લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય(વધુમાં વધુ 8 લાખ સુધી) અપાશે.
- 15 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતા એકમોને 30 લાખ સુધીની લોન પર 3 વર્ષ માટે 7% વ્યાજ સહાય(વધુમાં વધુ 10 લાખ સુધી) મળવાપાત્ર રહેશે.
(નોંધ: પાકી દુકાન ધરાવતા વેપારીઓ રોકડ સહાય અથવા વ્યાજ સહાય બેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરી શકશે.)

અરજી પ્રક્રિયા, શરતો અને અમલીકરણ
સહાય યોજનાનો લાભ અસરગ્રસ્તો સુધી ઝડપથી અને પારદર્શક રીતે પહોંચે તે માટે સરકારે સ્પષ્ટ પ્રક્રિયા નક્કી કરી છે.
- પ્રત્યક્ષ સર્વે અને ચકાસણી: સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા ભૌતિક સર્વે અને ફોટોગ્રાફી/વીડિયોગ્રાફીના આધારે જ પાત્રતા નક્કી કરવામાં આવશે.
- અરજી ક્યાં કરવી?: રોકડ સહાય માટે સંબંધિત મ્યુનિસિપલ કમિશનર, મામલતદાર કે નગરપાલિકાના ચીફ ઑફિસરને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. વ્યાજ સહાય મેળવવા માટે બૅંક લોનના પુરાવા સાથે 'જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), અમદાવાદ' ખાતે અરજી કરવાની રહેશે.
- સમય મર્યાદા: રોકડ સહાય માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2026 છે, જ્યારે વ્યાજ સહાય માટે ઠરાવની તારીખથી 6 મહિના સુધી અરજી કરી શકાશે.
- સીધા ખાતામાં જમા (DBT): વ્યાજ સહાયની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) માધ્યમથી સીધી અરજદારના લોન ખાતામાં જમા કરવામાં આવશે.
- મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ખર્ચ: આ સમગ્ર પુનઃવસન યોજનાનો તમામ ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડ (CMRF) માંથી વહન કરવામાં આવશે, જેથી નાણાકીય ભંડોળની કોઈ અછત ઊભી ન થાય.
ગૃહ અને મહેસૂલ તંત્રના સહયોગથી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અપીલ સમિતિની પણ રચના કરવામાં આવી છે, જેથી સહાય અંગેની કોઈ ફરિયાદ કે વિવાદનો સ્થાનિક સ્તરે જ ઝડપી નિકાલ લાવી શકાય.









