Ahmedabad

અમદાવાદમાં 'ગરીબ કલ્યાણ પાર્ટી' નો પણ ભાંડો ફૂટ્યો, 204 કરોડથી વધુની હેરાફેરીનો આરોપ

By GS Team
26 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ‘ગરીબ કલ્યાણ પાર્ટી’ દ્વારા ₹204.76 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ ઝડપાયું છે. આવકવેરા વિભાગે પાર્ટીના હોદ્દેદારો, શેલ કંપનીઓ અને CA વિરુદ્ધ સકંજો કસ્યો છે. આરોપીઓએ 80GGC કલમનો દુરુપયોગ કરી, મોટા કરદાતાઓને ટેક્સ મુક્તિ અપાવી, ₹62 કરોડનું નુકસાન પહોંચાડ્યું. પાર્ટીના પ્રમુખ નીરજકુમાર ક્ષત્રિય સહિતના મુખ્ય સૂત્રધારોની સંડોવણી બહાર આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં 'ગરીબ કલ્યાણ પાર્ટી' નો પણ ભાંડો ફૂટ્યો, 204 કરોડથી વધુની હેરાફેરીનો આરોપ

Ahmedabad Garib Kalyan Party Scam | અમદાવાદમાં કાગળ પર ચાલતા રજિસ્ટર્ડ અપ્રમાણિત રાજકીય પક્ષો (RUPP) દ્વારા કરોડો રૂપિયાની હેરાફેરીનો વધુ એક મોટો મામલો સામે આવ્યો છે. અગાઉ નરોડા સ્થિત ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ દ્વારા આચરાયેલા કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં આવકવેરા વિભાગે 'ગરીબ કલ્યાણ પાર્ટી' (Garib Kalyan Party) ના હોદ્દેદારો, શેલ કંપનીઓ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ વિરુદ્ધ સકંજો કસ્યો છે.

આવકવેરા વિભાગના યુનિટ-1(1)ના આસિસ્ટન્ટ ડિરેક્ટર યતીશ શશીકાંત કાલે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આ આરોપીઓએ નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 દરમિયાન સુવ્યવસ્થિત ષડયંત્ર રચીને આશરે ₹204.76 કરોડ ના બોગસ રાજકીય ડોનેશન, એકમો અને કેશબેકનું રેકેટ ચલાવ્યું હતું. આ પક્ષ માર્ચ 2022માં ચૂંટણી પંચમાં નોંધાયો હતો.

image.png

મોડસ ઓપરેન્ડી: કેવી રીતે આચરવામાં આવતું હતું કૌભાંડ?

તપાસમાં ખુલાસો થયો છે કે આ પક્ષના બેંક ખાતનો ઉપયોગ મોટા કરદાતાઓ પાસેથી દાન સ્વીકારવા માટે થતો હતો. દાન આપનાર વ્યક્તિઓને આવકવેરા અધિનિયમની કલમ 80GGC હેઠળ 100% ટેક્સ મુક્તિનો લાભ અપાવવામાં આવતો હતો.

ત્યારબાદ આ રકમ બે શેલ કંપનીઓ - કૃષ્ણા એન્ટરપ્રાઇઝ અને જલારામ એન્ટરપ્રાઇઝના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ નાણાકીય વ્યવહારોને અનાજ અને કઠોળની ખરીદીના ખોટા બિલ બનાવીને અસલી દેખાડવામાં આવતા હતા. કંપનીઓ આ નાણાં બેંકમાંથી ઉપાડીને, 5 થી 7 ટકા જેટલું કમિશન કાપીને બાકીની રોકડ રકમ મૂળ દાતાઓને પરત કરી દેતી હતી. આ સમગ્ર ગોલમાલ દ્વારા સરકારી તિજોરીને આશરે ₹62 કરોડ (અંદાજે 30% ટેક્સ) નું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

સંડોવાયેલા મુખ્ય સૂત્રધારો

આ કૌભાંડમાં ગરીબ કલ્યાણ પાર્ટીના પ્રમુખ નીરજકુમાર ક્ષત્રિય, સચિવ ધનંજય સિંહ રાજપૂત, કોષાધ્યક્ષ ધીરજકુમાર ક્ષત્રિય ઉપરાંત મુખ્ય મધ્યસ્થી અભિષેક ચંદ્રપ્રકાશ તિવારી, પ્રદીપ સિંહ પરિહાર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) કુલદીપદાન પરવતસિંહ તપારીયા, અશોકકુમાર રાધેશ્યામ શાહ તથા પંકજ અગ્રવાલની સંડોવણી બહાર આવી છે. પક્ષના કોષાધ્યક્ષે પ્રાથમિક પૂછપરછમાં સ્વીકાર્યું હતું કે પક્ષનો ઉપયોગ માત્ર બોગસ એન્ટ્રીઓ આપીને કમિશન કમાવવા માટે જ થતો હતો.

ઉલ્લેખનીય છે કે, અગાઉ અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ નામે આવું જ રૂ. 155 કરોડનું બોગસ ડોનેશન અને હવાલા કૌભાંડ ઝડપાયું હતું, જેમાં પણ કાગળ પર જ ઓફિસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું હતું. હાલ આવકવેરા વિભાગ અને તપાસ એજન્સીઓ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય બેંક ખાતાઓ અને દાન આપનારાઓની સઘન તપાસ કરી રહી છે.