અમદાવાદ: સાબરમતી નદી કે તળાવોમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન નહીં કરી શકાય, AMC 38 સ્થળોએ 47 કૃત્રિમ કુંડની કરશે વ્યવસ્થા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Ganesh Visarjan Artificial Ponds: અમદાવાદમાં ગણેશ મહોત્સવ દરમિયાન મૂર્તિઓનું વિસર્જન સાબરમતી નદી તથા શહેરના તળાવો-જળાશયોમાં કરવાને બદલે કોર્પોરેશન દ્વારા 38 સ્થળોએ કુલ 47 કૃત્રિમ વિસર્જન કુંડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ઝોન-વોર્ડ કક્ષાએ આ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવશે.
સાબરમતી નદી અને તળાવોમાં વિસર્જન નહીં કરી શકાય
શહેરના 7 ઝોનમાં કુંડની સંખ્યા અલગ અલગ રાખવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 3, પશ્ચિમ ઝોનમાં 12, ઉત્તર ઝોનમાં 8, દક્ષિણ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 11, ઉત્તર પશ્ચિમમાં 5 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 4 કુંડ બનાવાશે. કુંડ માટે વસ્ત્રાલ, નિકોલ, નારણપુરા, સાબરમતી, નવરંગપુરા, રાણીપ, પાલડી, ચાંદખેડા, સૈજપુર, સરદારનગર, વટવા, મણિનગર, લાંભા, શાહીબાગ, જમાલપુર, બોડકદેવ, ચાંદલોડિયા, ગોતા, થલતેજ, જોધપુર અને સરખેજ સહિતના સ્થળો નક્કી કરાયા છે.
પાણી જમીનના સીધા સંપર્કમાં ના આવે તેના માટે ઝડપે વપરાશે
કુંડનું કદ અગાઉના વર્ષોમાં થયેલા મૂર્તિ વિસર્જનના આધારે નક્કી કરવામાં આવશે. કુંડમાં ભરવામાં આવતું પાણી જમીનના સીધા સંપર્કમાં ન આવે તે માટે સારી ગુણવત્તાનો HDPE પ્લાસ્ટિક લાઇનર પાથરવાનો રહેશે. કુંડની ફરતે નાગરિકોની સુરક્ષા માટે બેરિકેડિંગ, યોગ્ય રસ્તા-ફૂટપાથ અને પાણી ભરવા માટે મોટરેબલ એપ્રોચ રોડની વ્યવસ્થા કરવાની રહેશે. વપરાયેલા પાણીનો પણ યોગ્ય સિસ્ટમથી નિયમિત નિકાલ કરવાનો રહેશે.
કુંડની આસપાસ દિવસમાં 2 વખત સફાઈ કરાશે
કુંડ અને પંડાલ-મંડપોની આસપાસ દિવસમાં 2 વખત સફાઈ તથા જંતુનાશક દવાનો છંટકાવ કરાશે. ફૂલ, નાળિયેર સહિતના નિર્માલ્યના યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા કરાશે. કુંડની આસપાસ અલગ-અલગ કચરા માટે ડસ્ટબિન-બેરલ મૂકવામાં આવશે અને વિસર્જન બાદ એકત્ર થયેલી મૂર્તિઓને ઝોનના વાહનો-મશીનરીથી કલેક્શન કરી સૂચવાયેલા સ્થળે નિકાલ કરાશે. નાગરિકોને કુંડ સુધી પહોંચવા માટે રસ્તામાં ડાયરેક્શન બોર્ડ લગાવવામાં આવશે. કચરા નિકાલ અને સ્વચ્છતા અંગે બેનર મારફતે IEC એક્ટિવિટી કરવામાં આવશે.
ફાયર ટીમ અને સિક્યોરિટી તૈનાત રહેશે
વિસર્જન કુંડના સ્થળોએ અકસ્માત કે જાનહાનિ ટાળવા માટે ફાયર વિભાગની ટીમ ડેપ્યુટ કરવામાં આવશે. કુંડના સ્થળો અને ત્યાં જતા રસ્તાઓ પર દબાણ કે અડચણ ન થાય તેની ખાતરી એસ્ટેટ વિભાગે કરવાની રહેશે. જરૂરિયાત મુજબ સિક્યોરિટી પણ ગોઠવાશે. કુંડના સ્થળે જરૂરી લાઇટિંગ અને કુંડ તરફના રસ્તાની સ્ટ્રીટ લાઇટ કાર્યરત રાખવાની રહેશે.
સાબરમતી રિવરફ્રન્ટ પર પરવાનગી વગર વિસર્જન નહીં
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરવાનગી વગર મૂર્તિનું વિસર્જન ન થાય તેની ખાતરી કરવાની રહેશે. પરવાનગી મુજબ મોટી મૂર્તિઓનું નદીમાં વિસર્જન થાય તો તેને યોગ્ય રીતે એકત્ર કરી કોર્પોરેશન દ્વારા સૂચવાયેલા સ્થળે નિકાલ કરવામાં આવશે. નદી-ઘાટ પર નિર્માલ્ય ન ફેંકાય તે માટે વેસ્ટ કલેક્શન સિસ્ટમ તથા નાગરિકોની સલામતી અને ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થા સાથે સ્થાનિક પોલીસ સાથે સંકલન કરાશે.
લિક્વિડ વેસ્ટ CETPમાં મોકલાશે
મૂર્તિ વિસર્જનના કારણે ઉત્પન્ન થતા લિક્વિડ વેસ્ટનો કોમન એફફ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP -Common Effluent Treatment Plant)માં નિકાલ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ કુંડના સ્થળોએ જરૂરિયાત મુજબ લાઇટિંગની વ્યવસ્થા રાખવામાં આવશે. દરેક કુંડ અને સાઇટ માટે હેલ્થ, એન્જિનિયરિંગ, ફાયર, લાઇટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કર્મચારીઓની તારીખવાર-શિફ્ટવાર ફરજ નક્કી કરવામાં આવશે.




