VIDEO: અમદાવાદના અસરવામાં માતાથી વિખૂટા પડેલા મોરના ચાર બચ્ચાંનું રેસ્ક્યૂ, પ્રાથમિક સારસંભાળ બાદ વન વિભાગને સોંપ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Four Peachicks Rescued In Ahmedabad: અમદાવાદના અસરવા વિસ્તાર નજીક શનિવારે(19 સપ્ટેમ્બર) રસ્તા પર રઝળતી હાલતમાં મળી આવેલા મોરના ચાર બચ્ચાંનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. માતાથી વિખૂટા પડી ગયા બાદ આ બચ્ચાં અસરવા વિસ્તાર નજીક જોવા મળ્યા હોવાનું જણાય છે. પછી એનિમલ હેલ્પલાઇન પર આ અંગે જાણ કરવામાં આવી હતી, જેના પગલે 'એનિમલ લાઈફ કેર'ના વાઇલ્ડલાઇફ એક્સપર્ટ ઘટનાસ્થળે પહોંચીને ચારેય બચ્ચાંનું રેસ્ક્યૂ કર્યું હતું.
અસરવામાં માતાથી વિખૂટા પડેલા મોરના ચાર બચ્ચાંનું રેસ્ક્યૂ
'એનિમલ લાઈફ કેર'ના વાઇલ્ડલાઇફ એક્સપર્ટના જણાવ્યા અનુસાર, અસરવા વિસ્તારના અન્ય પ્રાણીઓ કે પક્ષીઓ તેમના પર હુમલો કરે તે પહેલાં જ ચારેય બચ્ચાંને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ બાદ બચ્ચાંને ચણ અને પ્રાથમિક સારસંભાળ પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ ચારેય બચ્ચાંને આગળની સંભાળ, સુરક્ષા અને પુનર્વસન માટે વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.
એનિમલ લાઈફ કેરે જણાવ્યું હતું કે, ચોમાસાની ઋતુ દરમિયાન મોરના નાના બચ્ચાં જોવા મળવા એ સામાન્ય બાબત છે. સંસ્થાએ નાગરિકોને અપીલ કરી છે કે, જો કોઈ મોરનું બચ્ચું રસ્તા પર રઝળતું મળે કે માતાથી વિખૂટું પડેલું જણાય, તો તેને જાતે પકડવાનો કે અડવાનો પ્રયાસ ન કરવો. તેના બદલે, નાગરિકોએ તાત્કાલિક એનિમલ હેલ્પલાઇન અથવા વન વિભાગને જાણ કરવી. જેથી બચ્ચાંની સ્થિતિ તપાસીને જરૂર પડે તો તેને સુરક્ષિત રીતે બચાવી શકાય.




