Ahmedabad

સરખેજ-ધોળકા રોડ પર લોડેડ ટ્રક અને આઈસર વચ્ચે ભયંકર ટક્કર, એકનું મોત, માર્ગ અને મકાન વિભાગની બેદરકારી છતી

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આજે સવારે 7:30 વાગ્યે બાકરોલ નજીક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં આઇસરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. વન-વે માર્ગ અને સાઇન બોર્ડના અભાવે આ અકસ્માત સર્જાયો હતો. તંત્રની બેદરકારી સામે સરપંચે ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સરખેજ-ધોળકા રોડ પર લોડેડ ટ્રક અને આઈસર વચ્ચે ભયંકર ટક્કર, એકનું મોત, માર્ગ અને મકાન વિભાગની બેદરકારી છતી

Ahmedabad Road Accident: અમદાવાદના સરખેજ-ધોળકા રોડ પર આજે વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ બાકરોલથી થોડેક દૂર ધોળકા તરફ એક લોડેડ ટ્રક અને ઈંટો ભરેલા આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બંને વાહનો વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે આઇસરના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ફાયર વિભાગ અને પોલીસની મદદથી આઇસરની કેબિનનો આગળનો ભાગ કાપીને ચાલકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકને પણ પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

વન-વે અને સાઇન બોર્ડના અભાવે સર્જાયો અકસ્માત

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી મંજૂર થયેલા આ રોડનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, જેમાં બાકરોલ સર્કલથી ધોળકા તરફ જતો શરૂઆતનો બાકી રહેલો 50 થી 100 મીટરનો રોડ અત્યારે બનાવવામાં આવી રહ્યો છે. આ કામગીરીને કારણે અંદાજે એક કિલોમીટર સુધીનો માર્ગ વન-વે કરવામાં આવ્યો છે, જે આજના ગમખ્વાર અકસ્માતનું મુખ્ય કારણ બન્યો છે. નવા બનાવેલા 8 કિલોમીટરથી વધુ લાંબા આ રોડ પર તંત્ર દ્વારા ક્યાંય પણ સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત, બાકરોલથી ભાત ગામ સુધીના વિસ્તારમાં માત્ર વિસલપુર ગામ પાસે જ બમ્પ (સ્પીડ બ્રેકર) બનાવવામાં આવ્યા છે.

image.png

તંત્રની બેદરકારી સામે સરપંચે આપી ચીમકી

કાસીન્દ્રા ગામના સરપંચના જણાવ્યા મુજબ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા બાકરોલથી ધોળકા સુધી ફોર-લેન આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે. જો કે, કાસીન્દ્રા પાસે, હજારો વિદ્યાર્થીઓની અવરજવર ધરાવતી સ્કૂલ પાસે કે આગળ નાના છાપરા જૈન દેરાસર પાસે કોઈ જ સાઇન બોર્ડ કે બમ્પ લગાવાયા નથી. સાઇન બોર્ડ કે સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનચાલકો આ નવા રોડ પર બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેથી અહીં પણ મોટો અકસ્માત થવાનો ભય રહે છે. આ બાબતે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર વહેલી તકે કાર્યવાહી નહીં કરે, તો લોકોની સુરક્ષા માટે પંચાયતના બજેટમાંથી તેઓ જાતે જ પ્લાસ્ટિકના બમ્પ લગાવશે.

image.png

માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે વેધક સવાલો

  • કામગીરીને કારણે એક કિલોમીટર સુધીનો માર્ગ વન-વે કરવામાં આવ્યો હતો, તો વાહનચાલકોને સચેત કરવા માટે ત્યાં પૂરતા સાઇન બોર્ડ કેમ મૂકવામાં ન આવ્યા?
  • વિદ્યાર્થીઓની અવરજવર ધરાવતી સ્કૂલ અને જૈન દેરાસર જેવા વ્યસ્ત સ્થળો હોવા છતાં, ત્યાં સ્પીડ બ્રેકર કે ચેતવણી આપતા સાઇન બોર્ડ લગાવવાની તસ્દી માર્ગ અને મકાન વિભાગે કેમ ન લીધી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?
  • સ્થાનિક સરપંચ દ્વારા આ જોખમી રોડ અંગે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કેમ કરવામાં ન આવી? જનપ્રતિનિધિઓની રજૂઆતને કેમ ઘોળીને પી જવામાં આવી?
  • જે કામ કરવાની જવાબદારી કરોડો રૂપિયાનું બજેટ ધરાવતા માર્ગ અને મકાન વિભાગની છે, તે કામ માટે ગામના સરપંચે પોતાના બજેટમાંથી પ્લાસ્ટિકના બમ્પ લગાવવાની ચીમકી આપવી પડે તે શું તંત્રની લાચારી અને ઘોર નિષ્ફળતા નથી દર્શાવતું?