Ahmedabad

ગુનેગાર ફાલ્ગુન પટેલ: વડોદરા કોર્ટે સંદેશના માલિકની દરેક કાયદાકીય છટકબારી પકડી પાડી સજા ફરમાવી

By GS Team
1 Oct 20264 mins read
TukuTouch Logo
વડોદરામાં 'સંદેશ' અખબારના તંત્રી ફાલ્ગુન પટેલને ફોજદારી બદનક્ષી કેસમાં કોર્ટે દોષિત ઠેરવ્યા છે. 1999ના કેસમાં કોર્ટે સ્પષ્ટ કર્યું કે, અખબારમાં નામ ધરાવતા તંત્રી દરેક શબ્દ માટે જવાબદાર છે. મામલતદાર ગંભીરસિંહ ધાકરે વિરુદ્ધ બદનક્ષીભર્યો અહેવાલ છપાતા આ કેસ થયો હતો. ફાલ્ગુન પટેલે સ્થાનિક કાર્યાલય સાથે લેવાદેવા ન હોવાની દલીલ કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુનેગાર ફાલ્ગુન પટેલ: વડોદરા કોર્ટે સંદેશના માલિકની દરેક કાયદાકીય છટકબારી પકડી પાડી સજા ફરમાવી

Sandesh Editor Falgun Patel Case : ગુજરાતી દૈનિક 'સંદેશ'ના મુખ્ય તંત્રી ફાલ્ગુન ચિમનભાઈ પટેલ સ્થાનિક કાર્યાલય સાથે લેવાદેવા નહીં હોવાનું બહાનું કાઢીને અથવા સ્ટાફના માથે દોષ ઢોળીને ફોજદારી બદનક્ષીની જવાબદારીમાંથી છટકી શકે નહીં, તેવો મહત્ત્વનો ચુકાદો વડોદરાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (કોર્ટ નં. 4) દ્વારા અપાયો છે. વર્ષ 1999ના ક્રિમિનલ કેસ નંબર 50906/1999માં કોર્ટે ફાલ્ગુન પટેલ દ્વારા કાનૂની દાવપેચ અજમાવીને જવાબદારીમાંથી છટકવાના તમામ પ્રયાસોને ફગાવી દીધા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જે તંત્રીનું નામ અખબારના પ્રિન્ટિંગમાં દર્શાવાય છે, તે અખબારમાં છપાયેલા દરેક શબ્દ માટે કાયદાકીય રીતે જવાબદાર છે.

કોર્પોરેટ સ્તરે અંતર દર્શાવીને બચવાનો પ્રયાસ

આ કેસની વિગત મુજબ, 'સંદેશ' અખબારમાં વડોદરાના તત્કાલીન મામલતદાર ગંભીરસિંહ ધાકરે વિરુદ્ધ વલ્લભ વાટિકા સોસાયટી સંદર્ભે એક વિવાદિત અને બદનક્ષીભર્યો અહેવાલ પ્રકાશિત થયો હતો. ધાકરે દ્વારા કરવામાં આવેલા ફોજદારી બદનક્ષીના કેસમાં ફાલ્ગુન પટેલે બચાવ કરતા દલીલ કરી હતી કે તેઓ અમદાવાદની મુખ્ય ઓફિસથી વહીવટી કામગીરી સંભાળે છે અને વડોદરાની સ્થાનિક આવૃત્તિના સમાચાર અંગે તેમને કોઈ સીધી જાણકારી હોતી નથી. બચાવ પક્ષે વડોદરાના રેસિડેન્ટ એડિટરનું સોગંદનામું રજૂ કરીને તમામ જવાબદારી તેમના શિરે નાખવા પ્રયાસ કર્યો હતો, જેથી મુખ્ય તંત્રીને કેસમાંથી ઉગારી શકાય.

પ્રેસ એક્ટ હેઠળ કોર્ટે દલીલો ફગાવી

જો કે, મેજિસ્ટ્રેટે ફાલ્ગુન પટેલની દલીલોને ફગાવતા જણાવ્યું કે અખબારના મુખ્ય તંત્રી વહીવટી માળખાનો આશરો લઈને કાયદામાંથી બચી શકે નહીં. કોર્ટે 'પ્રેસ એન્ડ રજિસ્ટ્રેશન ઓફ બુક્સ એક્ટ, 1867'ની કલમ 7નો ઉલ્લેખ કરતા નોંધ્યું કે, અખબારના મુખપૃષ્ઠ પર તંત્રી તરીકે ફાલ્ગુન પટેલનું નામ છપાય છે. કાયદા મુજબ અંકમાં પ્રકાશિત તમામ સામગ્રી માટે જાહેર કરાયેલા તંત્રી જ પ્રાથમિક રીતે કાયદાકીય રીતે જવાબદાર છે. અમદાવાદથી સંચાલન કરવું કે સ્થાનિક તંત્રીને જવાબદારી સોંપવી એ કાયદાકીય જવાબદારીમાંથી મુક્તિ આપતું નથી. આ તપાસમાં સામે આવ્યું કે બચાવ પક્ષના સાક્ષીઓ ઘટનાના પ્રત્યક્ષદર્શી નહોતા અને અહેવાલ માત્ર અફવા પર આધારિત હતો. અહેવાલ છાપતા પહેલા મામલતદાર ધાકરેનો પક્ષ જાણવાનો કે તથ્યોની ચકાસણી કરવાનો કોઈ પ્રયાસ કરાયો નહોતો.

ટેકનિકલ વાંધા અને અને 'શુભ નિષ્ઠા'ની દલીલ ફગાવાઈ

આ દરમિયાન બચાવ પક્ષે કેસમાંથી છટકવા એક ટેકનિકલ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો કે, અખબારમાં જે અહેવાલ છપાયો છે, તે અખબારની નકલ (એક્ઝિબિટ 95) ફરિયાદીએ કોઈ અધિકૃત વિક્રેતા (Authorized Vendor) પાસેથી ખરીદી હતી તેનો કોઈ પુરાવો રજૂ થયો નથી, તેથી તે નકલને રદ ગણવી જોઈએ. જો કે, કોર્ટે બચાવ પક્ષનો આ વાંધો ફગાવીને નોંધ્યું કે એક તરફ સંદેશના તંત્રી પક્ષે IPC ની કલમ 499 હેઠળ એવો બચાવ કર્યો છે કે, તેમણે આ અહેવાલ Good Faith એટલે કે શુભ નિષ્ઠા તેમજ જાહેર હિત માટે છાપ્યો હતો. જો કે, કાયદા મુજબ કોઈ પક્ષ પોતે જ સ્વીકારે કે અહેવાલ તેમણે સારા હેતુથી છાપ્યો હતો, ત્યારે સમાચાર છપાયા હોવાની વાત આપોઆપ સ્વીકારાઈ જાય છે. આમ, સ્વીકારેલી બાબતોને અલગથી સાબિત કરવાની જરૂર રહેતી નથી. આમ, તેમની દલીલોમાં જ સમાચાર પ્રસિદ્ધ થઈ ગયાનો કાર થઈ ગયો હોવાથી, કોર્ટે અખબારની નકલને પુરાવા તરીકે માન્ય રાખી હતી.

અફવા પર આધારિત અહેવાલ અને 'પોલીસ ડાયરી'નો નિષ્ફળ બચાવ

કોર્ટે 'શુભ નિષ્ઠા' અને જાહેર હિતના બચાવને પણ સખત શબ્દોમાં વખોડ્યો હતો. તપાસમાં સામે આવ્યું કે બચાવ પક્ષના સાક્ષીઓ ઘટનાના પ્રત્યક્ષદર્શી નહોતા અને અહેવાલ માત્ર અફવા અને સાંભળેલી વાતો પર આધારિત હતો. બચાવ પક્ષે પોતાના બચાવમાં એક પોલીસ સ્ટેશન ડાયરી એન્ટ્રી (એક્ઝિબિટ 152) પણ રજૂ કરી હતી, પરંતુ કોર્ટે નોંધ્યું કે આ પોલીસ ડાયરીમાં મામલતદાર ધાકરેનો ઉલ્લેખ જ નથી. અહેવાલ છાપતા પહેલા મામલતદાર ધાકરેનો પક્ષ જાણવાનો કે તથ્યોની ચકાસણી કરવાનો કોઈ પ્રયાસ કરાયો નહોતો. છેવટે કોર્ટે ચુકાદો આપ્યો કે, કોઈ જાહેર સરકારી અધિકારીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા બદલ અને તંત્રી તરીકેની કાયદાકીય જવાબદારીમાંથી છટકવાના અયોગ્ય પ્રયાસો બદલ મુખ્ય તંત્રી ફાલ્ગુનભાઈ ચિમનભાઈ પટેલને ફોજદારી બદનક્ષીના કાયદા હેઠળ દોષિત ઠેરવી સજા કરાય છે.

શું છે મામલો?

આ કેસની વિગત એવી છે કે, તા. 28 સપ્ટેમ્બર 1999 ના દિવસે વડોદરાથી પ્રસિદ્ધ થતાં સંદેશ અખબારમાં વડોદરા તાલુકાના તત્કાલીન વર્ગ-2 અધિકારી અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ગંભીરસિંહ ધાકરેના ચરિત્ર પર ગંભીર આક્ષેપ કરતા ન્યૂઝ પ્રસિદ્ધ થયા હતા અને તેમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રકારના ખોટા સમાચાર સંદેશમાં પ્રસિદ્ધ થતાં અધિકારીની સમાજમાં, સરકારી બેડામાં તેમજ ફરિયાદીના કુટુંબ અને સગા-સંબંધીઓમાં પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ હતી.

ખોટા સમાચાર પ્રસિદ્ધ થતાં અધિકારીએ સંદેશનો સંપર્ક કરતા તેમને ધમકી આપવામાં આવી હતી કે, હજુ અમારી પાસે ઘણું બધું છે, જો અમે કહીએ તેમ નહીં કરો તો વડોદરામાં મામલતદાર તરીકે રહેવા નહીં દઈએ અને આનાથી પણ વધુ ગંદા સમાચારો છાપીને બદનામ કરી નાખીશું. આખરે ગંભીરસિંહ ધાકરેએ 29 સપ્ટેમ્બર 1999 ના રોજ નોટિસ મોકલી હતી. પરંતુ અખબારના સંચાલકો તરફથી કોઈ જ સંતોષકારક જવાબ કે ખુલાસો આપવામાં આવ્યો ન હતો એટલે આઈપીસીની કલમ 500, 501, 502, 506, 507 તથા 114 મુજબ સંદેશના તત્કાલીન એડિટર નવીનભાઈ ચૌહાણ (રેસિડેન્ટ એડિટર) અને મુખ્ય તંત્રી ફાલ્ગુનભાઈ ચિમનભાઈ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.