Ahmedabad

અમદાવાદમાં વૃદ્ધા સાથે છેતરપિંડી, સોસાયટી ચેરમેનના ખોટા સહી-સિક્કા કરી પ્લોટ પર લઈ લીધી 1 કરોડની લોન, 4 સામે FIR

By GS Team
9 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ઘુમામાં વૃદ્ધાના પ્લોટના બોગસ દસ્તાવેજો બનાવી 1 કરોડની છેતરપિંડી થઈ છે. ભાનુબહેન પટેલના પ્લોટ પર ખોટા એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ બનાવી, ફાઇનાન્સ કંપનીમાંથી લોન લેવાઈ હતી. બોપલ પોલીસે દિપક આહુજા, કમલેશ ગુરનાણી, નિર્મલ બાલાણી અને ભાવેશ બાલાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં વૃદ્ધા સાથે છેતરપિંડી, સોસાયટી ચેરમેનના ખોટા સહી-સિક્કા કરી પ્લોટ પર લઈ લીધી 1 કરોડની લોન, 4 સામે FIR

Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં જમીન-મિલકત પચાવી પાડવાનું અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવાનું કૌભાંડ સામે આવ્યું છે. ઘુમા ખાતે આવેલી સોસાયટીના પ્લોટના ખોટા અને બનાવટી દસ્તાવેજો (બોગસ એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ) ઊભા કરી, ફાઇનાન્સ કંપનીમાંથી 1 કરોડ રૂપિયાની લોન મેળવી છેતરપિંડી આચરવામાં આવી છે. આ અંગે ભોગ બનનાર વૃદ્ધાએ બોપલ પોલીસ મથકે ચાર શખસો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે.

કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?

મળતી માહિતી અનુસાર, આ અંગે સિંધુભવન રોડ નજીક પરિવાર સાથે રહેતા 72 વર્ષીય વૃદ્ધા ભાનુબહેન પટેલે ફરિયાદ નોંધાવી છે. તેની માલિકીનો એક પ્લોટ ઘુમા ગામના 'શ્રી વ્રજશ્યામ કો.ઓ.હા.સો.લી.' (પ્લોટ નં. 531) માં આવેલો છે, જે તેણે ડિસેમ્બર 2020માં અગાઉના માલિક પાસેથી વેચાણ રાખ્યો હતો. ઉંમરના કારણે ભાનુબહેન નિયમિત પ્લોટ પર જઈ શકતા ન હતા. ગત નવમી માર્ચના રોજ જ્યારે તેનો દીકરો પ્લોટ પર આંટો મારવા ગયો, ત્યારે ત્યાં 'ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડ' ફાઇનાન્સ કંપનીની મારેલી નોટિસ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે ઓનલાઈન ડિજિટલ દસ્તાવેજો કઢાવીને તપાસ કરતા આ આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

સોસાયટીના ચેરમેનની ખોટી સહીઓ અને વર્ષ 1999ના બોગસ કાગળો

પોલીસ ફરિયાદ અનુસાર, આરોપીઓએ વૃદ્ધાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી કાવતરું રચ્યું હતું. આરોપી કમલેશ અને દિપકે સોસાયટીના ચેરમેનની ખોટી સહીઓ અને સિક્કા મારીને વર્ષ 1999નો નકલી એલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટ બનાવી લીધા હતા. આ બોગસ દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરી, આરોપી નિર્મલ બાલાણીએ એપ્લિકન્ટ (અરજદાર) અને ભાવેશ બાલાણીએ કો-એપ્લિકન્ટ તરીકે સહીઓ કરી હતી.

ગત 31/10/2023ના રોજ આ ગેંગે ફાઇનાન્સ કંપનીમાં વૃદ્ધાનો પ્લોટ ગેરકાયદે ગીરો મૂકી દીધો હતો અને તેના પર એક કરોડ રૂપિયાની લોન પાસ કરાવી લીધી હતી. આ તમામ રૂપિયા આરોપીઓ ઓળવી ગયા હતા.

આ 4 શખસો સામે ગુનો દાખલ

વૃદ્ધાની મિલકત પર ગેરકાયદે બોજો ઊભો કરી છેતરપિંડી આચરનાર દિપક આહુજા, કમલેશ ગુરનાણી, નિર્મલ બાલાણી અને ભાવેશ બાલાણી સામે બોપલ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલ પોલીસે આ બોગસ દસ્તાવેજો ક્યાં અને કેવી રીતે બનાવવામાં આવ્યા તે દિશામાં અને ફાઇનાન્સ કંપનીના કોઈ અધિકારીની આમાં મિલીભગત છે કે નહીં, તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.