અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન, કેસના તત્કાલ નિકાલનો હુકમ છતાં 3 વર્ષ સુધી પેન્ડિંગ રાખ્યાનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat High Court Contempt Petition DRT 1 Ahmedabad: ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ-1(DRT-1), અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલકુમાર ગુપ્તા સામે ગુજરાત હાઈકોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કોર્ટના તિરસ્કાર(Contempt Petition)ની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી અરજદાર રાજેશકુમાર યાદવ દ્વારા તેમના એડવોકેટ મારફતે રજૂ કરવામાં આવી છે.
DRT-1 અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસર સામે હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન
કેસની મળતી વિગતો અનુસાર, ગુજરાત હાઈકોર્ટે સ્પેસિફિક સિવિલ એપ્લિકેશનમાં ગત 4 ઓગસ્ટ 2023ના રોજ આદેશ જાહેર કર્યો હતો. હાઈકોર્ટે DRT-1 અમદાવાદના પ્રિસાઇડિંગ ઓફિસરને અરજદારની સિક્યોરિટાઇઝેશન એપ્લિકેશનનો કેસ ઝડપથી સાંભળીને તેનો તાત્કાલિક નિકાલ કરવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો.
અરજદારના જણાવ્યા મુજબ, હાઈકોર્ટ દ્વારા કેસના ઝડપી નિકાલ માટે સમયમર્યાદા અને દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હોવા છતાં, આ આદેશ બાદ ત્રણ વર્ષ કરતાં પણ વધુ સમય વિતી જવા છતાં DRT-1 સમક્ષ પેન્ડિંગ આ સિક્યોરિટાઇઝેશન અરજી પર કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી અને કાર્યવાહી આજે પણ અટકેલી સ્થિતિમાં છે.
અદાલતી અવમાનના અરજી રજૂ કરવાની ફરજ પડી
અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે આ બાબત માત્ર કેસમાં થતા વિલંબ પુરતી મર્યાદિત નથી, પરંતુ હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટ અને બંધનકર્તા આદેશના અમલીકરણ અને પાલનને લગતી છે. હાઈકોર્ટના આદેશનું સમયસર અને કાયદાકીય પાલન ન થવાને કારણે આ અદાલતી અવમાનના અરજી રજૂ કરવાની ફરજ પડી છે.
આ કન્ટેમ્પ્ટ પિટિશન આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુનાવણી માટે બોર્ડ પર આવશે. અરજદાર પક્ષ દ્વારા હાઈકોર્ટના 4 ઓગસ્ટ 2023ના રોજના મૂળ આદેશ અને કન્ટેમ્પ્ટ અરજીના દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા છે.




