અમદાવાદના સાણંદમાં દીપડો દેખાયાની ચર્ચા, કૂતરાનો શિકાર કર્યાનો દાવો, ફરી પાંજરા ગોઠવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Sanand Leopard news : થોડાક સમય પહેલા શૈલા અને વૈષ્ણોદેવી વિસ્તારની આસપાસ દીપડો દેખાયો હોવાની ચર્ચા હતી એ પછી હવે સાણંદ પંથકમાં ફરી એકવાર દીપડો દેખાયાની વાતની ફફડાટ ફેલાયો છે. મોટી દેવતી ગામ તરફ જતા રસ્તા પર દીપડાના પગલાં જોવા મળતા ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કર્યો હતો. એક ઈંટના ભઠ્ઠા નજીક કૂતરાનો શિકાર થયો હોવાના નિશાન પણ મળી આવ્યા છે. આ ઘટનાને પગલે વન વિભાગની ટીમે તપાસ શરૂ કરી દીધી છે અને દીપડાને કેદ કરવા માટે પાંજરું ગોઠવવા કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, છેલ્લા કેટલાક સમયથી સાણંદ તાલુકા અને તેના આસપાસના વિસ્તારોમાં દીપડાની હિલચાલ સતત નોંધાઈ રહી છે. અગાઉ શેલા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હતો, ત્યારબાદ બે-ત્રણ વાર અન્ય જગ્યાઓએ તેની હાજરીની આશંકા સેવાઈ રહી હતી. હવે મોટી દેવતી ગામની સીમમાં તેના આંટાફેરા હોવાની વાત સામે આવી છે.
મળતી માહિતી મુજબ, જંગલ જેવી ઝાડીઓ અને ઈંટના ભઠ્ઠાની આજુબાજુ દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા છે અને ત્યાં જ શ્વાનના શિકાર થયો છે. આ માહિતી મળતા જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં દીપડો આ જ વિસ્તારમાં છુપાયેલો હોવાની શક્યતાને ધ્યાનમાં રાખીને તેને પકડી પાડવા માટે પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે.
આ અંગે RFO હરેશભાઈ દેસાઈએ જણાવ્યું કે, મોટી દેવડી ખાતે દીપડો હોવાની વાત સાચી છે, પરંતુ દીપડો હજુ ચોક્કસ લોકેટ થયો નથી. ગામના લોકો કૂતરા ઓછા થવાની વાત કરે છે પરંતુ એવું કંઈ પ્રોપર જાણવા મળ્યું નથી અને કૂતરાના મારણના ફોટા એક-બે દિવસ જૂના છે. અમે ગઈકાલે દીપડાનો રૂટ ફાઇનલ કરીને એક નવું પાંજરું મૂક્યું છે અને અગાઉના જૂના પાંજરા પણ ત્યાં જ છે.
અગાઉ અમે ડ્રોનથી સર્વેલન્સ કર્યું હતું અને આજે ફરીથી રી-સર્વે કરી રહ્યા છીએ જેથી તેના પગના માર્ક્સ કે ચિહ્નો દેખાય તો ટેરેટરી નક્કી કરી શકાય. આ અર્બન વિસ્તાર હોવાથી તથા સતત ટ્રાફિક અને કન્સ્ટ્રક્શન ચાલતું હોવાથી દીપડાની જગ્યા ફિક્સ નથી રહેતી અને તે સતત મુવ કરતો હોવાથી અમને તેને પકડવામાં મુશ્કેલી પડી રહી છે. જંગલ વિસ્તારની જેમ અહીં તેનો રૂટ ફિક્સ નથી રહેતો અને ખોરાક તથા પાણીની શોધમાં આ દીપડો એક દિવસમાં સરેરાશ 40થી 50 કે 60 કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે.




