Ahmedabad

દિવાળી-છઠ પહેલાં અમદાવાદથી ઉત્તરપ્રદેશ-બિહાર સહિત પૂર્વોત્તર ભારત તરફ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગણી

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
દિવાળી-છઠ પર્વને લઈ અમદાવાદમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર સહિત પૂર્વોત્તર ભારતના પ્રવાસીઓની ઘરવાપસી માટે રેલવે દ્વારા વધુ સ્પેશિયલ ટ્રેનોની માંગ ઉઠી છે. અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી અમદાવાદ જંકશન અને અસારવા ટર્મિનલથી જનસાધારણ એક્સપ્રેસ તથા સ્લીપર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી છે, જેથી મુસાફરોને મોંઘા બસ ભાડામાંથી રાહત મળે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી-છઠ પહેલાં અમદાવાદથી ઉત્તરપ્રદેશ-બિહાર સહિત પૂર્વોત્તર ભારત તરફ વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગણી

Ahmedabad News : દિવાળી અને છઠ મહાપર્વને હવે ગણતરીના અઠવાડિયા બાકી છે ત્યારે ગુજરાતમાં વસતા ઉત્તર પ્રદેશ, બિહાર સહિત પૂર્વોત્તર ભારતના પ્રવાસીઓની ઘરવાપસી માટે રેલવે દ્વારા વધુ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની માગ ઉઠી છે. હાલ અમદાવાદ તરફથી ઉત્તર પ્રદેશ અને બિહાર જતી અનેક ટ્રેનોમાં રિઝર્વેશન મળતું નથી અને લાંબી વેઇટિંગ લિસ્ટ જોવા મળી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ જંકશન તેમજ અસારવા ટર્મિનલથી જનસાધારણ એક્સપ્રેસ અને સ્લીપર સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

જનરલ મેનેજરને લખાયો પત્ર

અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખી જણાવ્યું છે કે, દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન શાળાઓમાં રજાઓ હોવાથી પણ આ સમયગાળામાં ઘરવાપસી કરતા પેસેન્જરોની સંખ્યા વધી જાય છે. ત્યારે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત ઓછામાં ઓછા એક મહિના અગાઉ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. જેથી પેસેન્જરોને મુસાફરીનું આયોજન કરવા પૂરતો સમય મળી રહે.

ટ્રેનોમાં જગ્યા નહીં મળતાં બસો તરફ વળશે

દિવાળીથી છઠ સુધી અમદાવાદ, સાબરમતી અને અન્ય સ્ટેશનો પરથી ઉત્તર પ્રદેશ તથા બિહાર તરફ જતી ટ્રેનોમાં ભારે ભીડ રહેવાની શક્યતા છે. લખનઊ, અયોધ્યા, ગોરખપુર, વારાણસી, મુઝફ્ફરપુર, ગયા, પટના, ભાગલપુર અને રાંચી જેવા શહેરો તરફ જતી ટ્રેનોમાં અત્યારથી જ કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બની રહી છે. રિઝર્વેશન નહીં મળતા પેસેન્જરોને બસનો વિકલ્પ પસંદ કરવો પડે છે. તહેવારો નજીક આવતા બસોમાં પણ ભીડ વધે છે અને ભાડામાં વધારો થવાની ફરિયાદો રહે છે. જેના કારણે પેસેન્જરોને મોંઘા ભાડે મુસાફરી કરવાની ફરજ પડે છે.

અસારવાથી ઉત્તરપ્રદેશ-બિહાર માટે સીધી સ્પેશિયલ ટ્રેનનો વિકલ્પ

રજૂઆતમાં જણાવાયું છે કે અમદાવાદ જંકશનથી આશરે 1 કિમીના અંતરે આવેલા અસારવા ટર્મિનલ પરથી પણ તહેવારો દરમિયાન વધુ ટ્રેનો દોડાવી શકાય છે. અસારવાથી જયપુર-આગ્રા-કાનપુર-લખનઊ-અયોધ્યા-ગોરખપુર થઈને મુઝફ્ફરપુર તથા ગયા તરફ સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવે તો અમદાવાદ જંકશન પરનું ભારણ પણ ઘટાડી શકાય તેમ છે.

જાહેરાત મોડેથી થાય તો ટ્રેન ખાલી જવાની શક્યતા

રજૂઆતમાં રેલવેને સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત સમયસર કરવાની પણ માગ કરાઈ છે. ઘણી વખત ટ્રેનની જાહેરાત મુસાફરીના દિવસે અથવા ગણતરીના દિવસો પહેલાં થવાથી પેસેન્જરોને તેની જાણકારી સમયસર મળતી નથી. પરિણામે સ્પેશિયલ ટ્રેનમાં અપેક્ષા મુજબ બુકિંગ ન થતાં રેલવેને પણ આર્થિક નુકસાન થઈ શકે છે.