Ahmedabad

મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કર્મચારીઓ માટે આંતરિક બદલીની માગ, રાજ્ય સરકાર હવે વિવિધ પાસાં ચકાસશે

By GS Team
27 Sep 20263 mins read
TukuTouch Logo
અમદાવાદ સહિત રાજ્યની 17 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. વતનથી દૂર નોકરી કરતા કર્મચારીઓને અન્ય મહાનગરપાલિકામાં બદલીનો લાભ મળે તે માટે સરકારે નીતિ વિષયક કાર્યવાહીની ખાતરી આપી છે. શહેરી વિકાસ વિભાગે આંતરિક બદલીને નીતિ વિષયક ગણાવી, જેનાથી 400-500 કિ.મી. દૂર નોકરી કરતા કર્મચારીઓનો આર્થિક અને માનસિક બોજ ઘટશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કર્મચારીઓ માટે આંતરિક બદલીની માગ, રાજ્ય સરકાર હવે વિવિધ પાસાં ચકાસશે

Municipal Employees Seek Inter-Corporation Transfers: અમદાવાદ સહિત રાજ્યની 17 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વતનથી દૂર ફરજ બજાવતા કર્મચારીઓને અન્ય મહાનગરપાલિકામાં બદલીનો લાભ મળે તે માટે કરવામાં આવેલી રજૂઆત અંગે સરકારનો જવાબ સામે આવ્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 17 મહાનગરપાલિકાઓ વચ્ચે કર્મચારીઓની આંતરિક બદલી એટલે કે 'ઇન્ડર-કોર્પોરેશન ટ્રાન્સફર'ની બાબતને નીતિ વિષયક ગણાવી છે. સાથે જ આ મુદ્દે વિવિધ પાસાંઓને વિચારણામાં લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

વતનથી 400-500 કિ.મી. દૂર નોકરી કરતા કર્મચારીઓ પર આર્થિક અને માનસિક બોજ

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ વચ્ચે કર્મચારીઓની આંતરિક બદલી માટે સમાન ધારાધોરણો સાથે કોમન પોલિસી બનાવવાની માગ કરવામાં આવી હતી. ખાસ કરીને પોતાના વતનથી દૂર અન્ય શહેરોમાં ફરજ બજાવતા કર્મચારીઓને ખાલી જગ્યાની ઉપલબ્ધતા અને અન્ય નિયમોને આધારે વતન નજીકની મહાનગરપાલિકામાં બદલીની તક આપવાની રજૂઆત કરાઈ હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે, 'સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને મેરીટના આધારે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી ઉમેદવારોની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભરતી થાય છે. પરિણામે અનેક કર્મચારીઓને પોતાના વતનથી 400થી 500 કિલોમીટર સુધી દૂર નોકરી કરવી પડે છે. પરિવારથી દૂર રહેવા ઉપરાંત મકાન ભાડું, ભોજન અને વતન આવવા-જવાના વધારાના ખર્ચને કારણે કર્મચારીઓ પર આર્થિક અને પારિવારિક બોજ પડે છે.'

પંચાયત, શિક્ષણ અને પોલીસ વિભાગની જેમ મ્યુનિસિપલ કર્મચારીઓને પણ બદલીનો લાભ આપવાની માગ

આવેદનમાં રાજ્ય સરકારના પંચાયત, શિક્ષણ, પોલીસ અને મહેસૂલ વિભાગોમાં આંતર-જિલ્લા તથા આંતરિક બદલીની વ્યવસ્થાનો ઉલ્લેખ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનોના કર્મચારીઓ માટે પણ આવી વ્યવસ્થા ઊભી કરવાની માગ કરાઈ હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હેઠળ આવતી હોવાથી સમાન પ્રકારની બદલી નીતિ હોવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.

ખાસ કરીને પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય તેવા કેસમાં મહિલા કર્મચારીઓ, દિવ્યાંગ કર્મચારીઓ, ગંભીર બીમારીના કેસ તથા વૃદ્ધ માતા-પિતાની જવાબદારી ધરાવતા કર્મચારીઓને બદલીમાં પ્રાથમિકતા આપવાની માગ કરવામાં આવી છે.

બદલીથી કર્મચારી સાથે કોર્પોરેશનને પણ ફાયદાની દલીલ

રજૂઆતમાં વતન નજીક નોકરી મળવાથી કર્મચારીનો રહેવા-જમવાનો અને મુસાફરીનો ખર્ચ ઘટે, પરિવાર સાથે રહી શકાય અને વારંવાર વતન જવા માટે રજા લેવાની જરૂરિયાત ઘટે તેવી દલીલ કરવામાં આવી છે. સાથે જ નવી બનેલી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મોટા કોર્પોરેશનમાં કામ કરી ચૂકેલા અનુભવી કર્મચારીઓ જાય તો ત્યાં તાલીમબદ્ધ અને અનુભવી સ્ટાફનો લાભ મળી શકે તેમ પણ જણાવાયું હતું.

એક મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી બીજી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કર્મચારી જાય ત્યારે સેવાકીય બાબતોમાં સ્પષ્ટતા રહે તે માટે પણ વિગતવાર નિયમો સૂચવવામાં આવ્યા છે. તેમાં ખાલી જગ્યા અને સમાન કેડર હોય ત્યારે જ બદલી, બંને મહાનગરપાલિકાની એનઓસી, બોટમ સિનિયોરીટી, લઘુત્તમ સેવા સમયગાળો, વાર્ષિક ટ્રાન્સફર વિન્ડો અને રોસ્ટર-અનામતના નિયમોનું પાલન સહિતની શરતો સામેલ છે.

સરકારના જવાબથી હવે નીતિ બનવાની ચર્ચાને વેગ

મહત્વનું એ છે કે, સરકારે આ માગને સીધી રીતે નકારી નથી, પરંતુ તેને નીતિ વિષયક બાબત ગણાવી છે. વિભાગે વિવિધ પાસાંઓને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી હોવાથી હવે 17 મ્યુનિસિપલ કોર્પોરેશનો વચ્ચે કોમન 'ઇન્ટર-કોર્પોરેશન ટ્રાન્સફર પોલિસી' બનાવવાની દિશામાં શું નિર્ણય લેવાય છે તેના પર કર્મચારીઓની નજર રહેશે.