વસ્ત્રાલના શિક્ષક સાથે સાયબર ફ્રોડ: અદાણી ગેસનું બિલ ભરવાના બહાને એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી 3.48 લાખ રૂપિયા સેરવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News : અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા અને માધ્યમિક શાળાના શિક્ષકને અદાણી ગેસનું બિલ બાકી હોવાનું કહીને સાયબર ઠગાઈનો ભોગ બનાવવામાં આવ્યા છે. ગઠિયાઓએ ગેસ કનેક્શન કાપી નાખવાની ધમકી આપી મોબાઇલમાં એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને ક્રેડિટ કાર્ડમાંથી 3.48 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અદાણી ગેસના લોગોવાળો વોટ્સએપ મેસેજ અને ધમકી
વસ્ત્રાલના એસ.પી. રીંગ રોડ પાસે રહેતા 43 વર્ષીય યુવક અમરાઈવાડીની એક વિદ્યાલયમાં માધ્યમિક શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગત 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેના પ્રોફાઇલ પિક્ચર પર અદાણી ગેસનો ફોટો હતો. મેસેજમાં જણાવવામાં આવ્યું હતું કે જો રાત સુધીમાં બિલ નહીં ભરો તો ગેસ કનેક્શન કાપી નાખવામાં આવશે. શિક્ષકે અગાઉ બિલ ભરી દીધું હોવાનો સ્ક્રીનશોટ મોકલ્યો હોવા છતાં ઠગોએ તેમને 'અદાણી ગેસ' નામની એક શંકાસ્પદ એપીકે ફાઇલ મોકલી હતી.
કોલ ફોરવર્ડિંગ એક્ટિવ કરાવી લાખોની રકમ ઉપાડી
ચાલુ કોલ દરમિયાન ગઠિયાએ શિક્ષકને આ એપીકે ફાઇલ ઓપન કરવા કહ્યું હતું. ફાઇલમાં શિક્ષકે પોતાના એક્સિસ બૅંકના ક્રેડિટ કાર્ડની વિગતો ભરી હતી, પરંતુ પ્રક્રિયા સબમિટ ન થતાં ઠગે તેમને મોબાઇલમાં એક ખાસ કોડ ડાયલ કરવાનું જણાવ્યું હતું. જેવો કોડ ડાયલ કર્યો કે તરત જ શિક્ષકનો કોલ ફોરવર્ડ થઈ ગયો હતો. ત્યારબાદ ક્રેડિટ કાર્ડમાંથી ત્રણ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 3.48 લાખ રૂપિયા સેરવી લેવામાં આવ્યા હતા. પોતાની સાથે સાયબર ફ્રોડ થયાની જાણ થતાં જ શિક્ષકે તાત્કાલિક રામોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે વધુ તપાસ હાથ ધરી છે.




