અમદાવાદમાં અલગ અલગ ત્રણ સાયબર ફ્રોડના કિસ્સામાં લાખોની છેતરપિંડી, રિસોર્ટ બુકિંગવાળી ઘટના ચેતવતી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Online Fraud Case: અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં રહેતા સિનિયર સિટીઝન, યુવક અને એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીના 3 અલગ-અલગ કિસ્સા સામે આવ્યા છે. આ અંગે સાયબર ક્રાઈમ સેલ અને બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આણંદના રિસોર્ટના બનાવટી બુકિંગના નામે પણ છેતરપિંડી
આંબાવાડી સ્થિત 'સત્ય ક્રિસ્ટલ' એપાર્ટમેન્ટમાં રહેતા અમિત ભરોડિયાને પરિવાર સાથે આણંદના મધુબન રિસોર્ટમાં જવાનું હોવાથી તેમણે ગૂગલ પર સર્ચ કરીને એક વેબસાઈટ પરથી વોટ્સએપ નંબર મેળવ્યો હતો. સામેની વ્યક્તિએ રિસોર્ટના મેનેજર તરીકે ઓળખ આપીને ક્યૂઆર કોડ (QR Code) મોકલી, બુકિંગના નામે 30,000 રૂ. મેળવી લીધા હતા. ત્યારબાદ ફોન સ્વિચ ઓફ થઈ જતાં અમિતભાઈએ રિસોર્ટનો સાચો ફોન નંબર મેળવી તપાસ કરી, ત્યારે તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું. આ અંગે બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
20 વર્ષના યુવકે બિટકોઈનમાં રોકાણ કરવા જતાં 11 લાખ ગુમાવ્યા
બીજા બનાવમાં, ચાંદખેડાના રવિ પાર્ક ટેનામેન્ટમાં રહેતા સિનિયર સિટીઝન કિશોરભાઈ યાદવે થોડા દિવસ પહેલા યુટ્યુબ પર 'બેંક ઓફ બરોડા'ની એક જાહેરાત જોઈ હતી, જેમાં 'ઘરે બેઠા બેંકિંગ સેવા' આપવાની ઓફર હતી. તેમાં આપેલા નંબર પર કોલ કરતાં, બેંક અધિકારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ વોટ્સએપ પર બે લિંક મોકલી હતી. તેના પર પ્રોસેસ કરાવડાવીને મોબાઈલ ફોન હેક કરી લીધો હતો અને એકાઉન્ટમાંથી 15.34 લાખની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી. ત્યારબાદ ત્રીજી ફરિયાદમાં, ગોતામાં રહેતા 20 વર્ષીય મયૂર પટેલ નામના યુવકે બિટકોઈનમાં રોકાણ સામે ઊંચા વળતરની લાલચમાં આવીને 11 લાખ રૂ. ગુમાવ્યા હતા.
શું સાવચેતી રાખી શકાય?
આ પ્રકારની ઓનલાઈન ઠગાઈથી બચવા માટે નાગરિકોએ ડિજિટલ વ્યવહારો કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી જરૂરી છે. ગૂગલ કે સોશિયલ મીડિયા પર મળતા અજાણ્યા કસ્ટમર કેર નંબરો કે વેબસાઈટ પર આંધળો વિશ્વાસ ન કરતા હંમેશાં સત્તાવાર પોર્ટલ પરથી જ સંપર્ક નંબર મેળવવો અને કોઈને પણ અગાઉથી ક્યૂઆર કોડ સ્કેન કરીને કે અજાણ્યા ખાતામાં પૈસા ટ્રાન્સફર ન કરવા. આ ઉપરાંત, બેંક ક્યારેય વોટ્સએપ પર કોઈ લિંક મોકલીને સેવાઓ આપતી નથી, તેથી અજાણી લિંક પર ક્લિક કરવાનું કે કોઈ એપ ડાઉનલોડ કરવાનું ટાળવું. તેમજ વોટ્સએપ કે ટેલિગ્રામ પર બિટકોઈન કે ક્રિપ્ટોકરન્સીમાં રાતોરાત ઊંચા વળતરની લાલચ આપતી લોભામણી સ્કીમોથી દૂર રહેવું. જો તમારી સાથે કોઈ પણ પ્રકારની સાયબર છેતરપિંડી થાય, તો તુરંત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કરવો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવી.









