ગુજરાત યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનનું નવીનીકરણ વિવાદમાં: મોરના બ્રીડિંગ ઝોનનો નાશ કરવાનો અને ફંડના દુરુપયોગનો આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat University Botanical Garden Controversy: ગુજરાત યુનિવર્સિટીના વર્ષ 1960થી અસ્તિત્વ ધરાવતા ઐતિહાસિક બોટનિકલ ગાર્ડનના રીસ્ટ્રક્ચરિંગ અને નવીનીકરણની કામગીરી સામે નવો વિવાદ ઊભો થયો છે. NSUI દ્વારા યુનિવર્સિટી પ્રશાસન પર કરોડો રૂપિયાના ફંડનો દુરુપયોગ કરવાના અને રાષ્ટ્રીય પક્ષી મોરના બ્રીડિંગ ઝોન તેમજ વનસ્પતિ પ્રજાતિઓ પર બુલડોઝર ફેરવી દેવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બીજી તરફ, બોટની વિભાગે આ તમામ આક્ષેપો ફગાવતા સ્પષ્ટતા કરી છે કે ગાર્ડનનો નાશ કરાયો નથી પરંતુ 'નક્ષત્ર વન' કોન્સેપ્ટ હેઠળ તેનું આધુનિકરણ થઈ રહ્યું છે.
NSUIના ગંભીર આક્ષેપો: કરોડોના કોન્ટ્રાક્ટ અને ભ્રષ્ટાચારનો દાવો
NSUIના જણાવ્યાનુસાર, બોટની ડિપાર્ટમેન્ટ પાછળ આવેલા ગાર્ડનમાં 150થી વધુ વનસ્પતિઓ અને વૃક્ષોની પ્રજાતિઓ હતી જ્યાં વિદ્યાર્થીઓ રિસર્ચ કરતા હતા. વર્ષ 2021થી શરૂ થયેલી આ પ્રોજેક્ટ કામગીરી હેઠળ પૂર્વ કુલપતિના શાસનમાં આર્બોરેટમના 9 કરોડ રૂપિયા અને બાદમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે ડોમ બનાવવાની કામગીરી કરાઈ હતી. જેપી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓક્ટર્સ નામની એજન્સીઓને માત્ર આઈડિયા અને સલાહ આપવા માટે જ 1.92 કરોડ રૂપિયા ચૂકવાયા હોવાનો આક્ષેપ કરાયો છે. આ સ્થળ રાષ્ટ્રીય પક્ષી મોરનું બ્રીડિંગ ઝોન હતું અને અહીં આવેલું કુદરતી તળાવ પણ ગાયબ કરી દેવાયું હોવાનો દાવો કરાયો છે. કુલપતિઓ બદલાતા જ મળતિયાઓને નવા કોન્ટ્રાક્ટ આપી યુનિવર્સિટીના નાણાં વેડફાઈ રહ્યા છે.
બોટની વિભાગની સ્પષ્ટતા
આ આક્ષેપો સામે બોટની વિભાગના અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ગાર્ડન પર બુલડોઝર નથી ફેરવાયું, માત્ર નડતરરૂપ ઝાડ-પાન દૂર કરાયા છે. યુનિવર્સિટી દ્વારા 3 ડોમમાં 'નક્ષત્ર વન' કોન્સેપ્ટ આધારિત ગાર્ડન વિકસાવાઈ રહ્યો છે. તળાવનો નાશ થયો નથી પણ ડેવલપમેન્ટ પ્લાન મુજબ તેનું રીસ્ટ્રક્ચરિંગ થઈ રહ્યું છે. આ કામગીરીનો હેતુ સામાન્ય જનતા અને શાળાના બાળકોમાં વનસ્પતિ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે, જે આશરે 6 મહિનામાં પૂર્ણ થશે.
વિદ્યાર્થીઓના રિસર્ચની વાત કરીએ તો, બોટનીનું રિસર્ચ ફક્ત બોટનિકલ ગાર્ડન પૂરતું સીમિત નથી હોતું અને લોકો ફિલ્ડમાં પણ કામ કરે છે. જેમ કે હમણાં જ એક વિદ્યાર્થીએ દહેગામ પાસે પોતાના ખેતરમાં ક્રોપ રિલેટેડ થીસીસ પૂર્ણ કરી છે. મારા વિદ્યાર્થીઓ દરિયાઈ આલગી ઉપર પણ કામ કરી રહ્યા છે, એટલે કે દરેક વિદ્યાર્થીના રિસર્ચના વિષયો અલગ હોય છે જેમાં કોઈ લેબમાં બાયોકેમેસ્ટ્રી કે ફિઝિયોલોજીનું કામ કરે છે. બાયોકેમેસ્ટ્રીમાં શોધાયેલા કમ્પોનન્ટ્સ કેન્સર, લીવર કે કિડની સંબંધિત બીમારીઓમાં કેટલા અસરકારક છે તે અંગે મોલીક્યુલર ડોકિંગ સુધીનું કામ પણ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. આમ, વિદ્યાર્થીઓનું રિસર્ચ કાર્ય માત્ર બોટનિકલ ગાર્ડનને કારણે જ સફળ થતું હોય તેવું નથી.









