માટી મૂર્તિ મેળો-2026: રાજ્યમાં 23 હજારથી વધુ ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ, 5 કરોડની આવક નોંધાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Mati Murti Mela 2026 : ગુજરાતમાં કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળ કાર્યરત ‘ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન’ દ્વારા ગત 08 થી 14 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અમદાવાદ, વડોદરા અને સુરત ખાતે ‘માટી મૂર્તિ મેળો-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાત દિવસીય આયોજન દરમિયાન રાજ્યના 361 નોંધાયેલા કારીગરો દ્વારા નિર્મિત 23,542 ઇકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું વેચાણ થયું હતું. જેનાથી અંદાજે રૂ. 5 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત સંસ્થાન દ્વારા સહભાગી મૂર્તિકારોને 186 ટન 'રેડી-ટુ-યુઝ' માટીનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલ ફાળવવામાં આવ્યા હતા.
વિવિધ શહેરોમાં વેચાણના આંકડા
આ મેળાનું આયોજન અમદાવાદ, વડોદરા અને સુરતના વિવિધ પાંચ સ્થળોએ કરવામાં આવ્યું હતું. ઉપલબ્ધ આંકડા મુજબ, અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત અમદાવાદ હાટ ખાતે સૌથી વધુ રૂ. 1.91 કરોડથી વધુનું વેચાણ નોંધાયું હતું. જ્યારે સુરતના અડાજણ ખાતે 7920 મૂર્તિઓનું વેચાણ થઈને રૂ. 1.11 કરોડથી વધુની આવક થઈ હતી. આ ઉપરાંત વડોદરાના પારસી અગિયારી મેદાન ખાતે રૂ. 85.77 લાખ, સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રૂ.77.99 લાખ અને બોપલ હસ્તકલા હાટ ખાતે રૂ. 32.55 લાખનું વેચાણ નોંધાયું હતું.
શૈક્ષણિક સહભાગિતા અને મહિલા રોજગારી
આ આયોજન દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓની ભાગીદારી પણ જોવા મળી હતી. નવી શિક્ષણ નીતિ અંતર્ગત 10 જિલ્લાની 302 શાળાઓના 84,500 થી વધુ વિદ્યાર્થીઓ માટે માટીની મૂર્તિ બનાવવાની પદ્ધતિનું લાઈવ પ્રદર્શન અને DIY પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જેનો હેતુ પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો હતો. ઉપરાંત, આ વ્યવસાય સાથે જોડાયેલા કારીગર પરિવારોની મહિલાઓને પણ મૂર્તિ નિર્માણ અને સુશોભન કાર્યમાં રોજગારીની તકો મળી હોવાનું નોંધવામાં આવ્યું છે.
પીએઓપી (POP) મુક્ત પર્યાવરણ તરફના પ્રયાસો
અગાઉના વર્ષોમાં બજારમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) ની મૂર્તિઓનું ચલણ હતું, જે જળસ્રોતો અને પર્યાવરણ માટે હાનિકારક સાબિત થાય છે. આ સ્થિતિમાં પરિવર્તન લાવવા માટે 2015-16થી માટીના મૂર્તિકારો માટે પ્રોત્સાહન યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત કારીગરોને સબસિડી યુક્ત માટી, મફત સ્ટોલ અને દૈનિક સહાય આપવામાં આવે છે, જેના પરિણામે છેલ્લા કેટલાક વર્ષોમાં માટીની મૂર્તિઓના ઉત્પાદન અને વપરાશમાં સતત વધારો થયો છે અને પીએઓપીનો ઉપયોગ ઘટ્યો છે.




