VIDEO: BOSSના નામે વોટ્સએપ મેસેજ આવ્યોને 3 કરોડ ગાયબ! અમદાવાદના સુપરવાઈઝર ફ્રોડની નવી ટ્રિકનો શિકાર, 2.88 કરોડ રિકવર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Changodar Boss DP WhatsApp Fraud Case: અમદાવાદના ચાંગોદરમાં આવેલી 'પ્યોર એન્ડ ક્યોર' કંપનીના સુપરવાઈઝર હાર્દિક પટેલ સાથે અજાણ્યા નંબર પરથી બોસનો ડીપી લગાવીને વાતચીતની સમાન શૈલી દ્વારા વિશ્વાસ કેળવી ગત 18 ઓગસ્ટના રોજ 3 કરોડ ટ્રાન્સફર કરાવી લેવાયા હતા. ટ્રાન્ઝેક્શન બાદ મેઈન બોસ સાથે વાત થતાં જ છેતરપિંડીની જાણ થઈ હતી. સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં સામે આવ્યું કે, ફ્રોડનું કનેક્શન આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર અને મધ્યપ્રદેશ સુધી હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનામાં સાયબર ક્રાઈમ પોલીસે 2.94 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા, જેમાંથી રૂ.2.88 કરોડ રિકવર કરવામાં આવ્યા છે.
બોસનો DP રાખી 3 કરોડની છેતરપિંડીમાં 2.88 કરોડ રિકવર
પોલીસ તપાસ અનુસાર, ચાંગોદરમાં બોસનો DP રાખીને 3 કરોડ પડાવવા મામલે પોલીસે ફરિયાદના આધારે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં ફ્રોડના નાણાં આંધ્રપ્રદેશના ગુંટુર સ્થિત ગોકુલ ગુરુવર્ધનના પ્રાયમરી એકાઉન્ટમાં અને ત્યાંથી મધ્યપ્રદેશના અપદેશ યાદવ તેમજ જમ્મુ-કાશ્મીરના અન્ય એક ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 2.88 કરોડ રિકવર કરી લીધા છે, જ્યારે બાકીના 6 લાખ પણ ટૂંક સમયમાં મેળવી લેવાશે. હાલ બેંક વિગતોના આધારે અન્ય રાજ્યોમાં તપાસ ટીમો મોકલી ખાતાધારકોની સંડોવણી અને મુખ્ય સૂત્રધારો સુધી તપાસ ચાલી રહી છે.
ગત 18 ઓગસ્ટના રોજ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પ્યોર એન્ડ ક્યોર નામની કંપનીમાં હાર્દિક પટેલ સુપરવાઇઝર તરીકે કામ કરે છે. એક દિવસે સવારે તેમના ફોન પર અચાનક તેમના બોસના નામથી એક અજાણ્યા વોટ્સએપ નંબર પરથી મેસેજ આવે છે. તે અજાણ્યા નંબર હોવા છતાં તેનો ડીપી અને પ્રોફાઇલની વિગત બિલકુલ તેમના બોસ જેવી જ મળતી આવતી હતી. તે મેસેજમાં વાત કરવાની સ્ટાઇલ, પદ્ધતિ અને ભાષા પણ બેઠી તેમના બોસ જેવી જ હોવાથી હાર્દિકને વિશ્વાસ થઈ ગયો કે તેમના બોસ જ તેમની સાથે વાત કરી રહ્યા છે.
ત્યારબાદ હાર્દિકને વિશ્વાસમાં લઈને 3 કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહેવામાં આવ્યું હતું. હાર્દિકે વિશ્વાસ રાખીને કંપનીના એકાઉન્ટમાંથી આ ટ્રાન્જેક્શન કરી દીધું અને તરત જ બોસને ફોન કરીને જાણ કરી કે વ્યવહાર થઈ ગયો છે. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ પૈસા મુખ્યત્ત્વે આંધ્રપ્રદેશના ગુંટુર જિલ્લાના ગોકુલ ગુરુવર્ધન નામના વ્યક્તિના પ્રાયમરી એકાઉન્ટમાં ગયા હતા. ત્યાંથી પૈસા બીજા 2 એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. જેમાં એક મધ્યપ્રદેશના અપદેશ યાદવ અને બીજું જમ્મુ-કાશ્મીરના વ્યક્તિનું એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે.
પોલીસે શું કહ્યું?
પોલીસે જણાવ્યું કે, 'સમગ્ર કેસમાં 2.88 કરોડ રૂપિયા રિકવર કરી લીધા છે. હવે માત્ર 6 લાખ રૂપિયા જ બાકી રહ્યા છે, જે અમે ટૂંક સમયમાં રિકવર કરીને ફરિયાદીને પરત આપી દઈશું. આ કેસના આરોપીઓને પકડવા માટે બહારના રાજ્યમાં અમારી ટીમ બેંક પાસેથી તમામ વિગતો મેળવશે. આ એકાઉન્ટ ધરાવતા લોકોની આમાં કોઈ સંડવણી છે કે કેમ અને આગળની તમામ લિંક્સ બહારની તપાસ દરમિયાન ખોલવામાં આવશે.'
શું હતી સમગ્ર ઘટના?
અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને ચાંગોદર ખાતે આવેલી પ્યોર એન્ડ ક્યોર ટેકનોલોજી કંપનીમાં છેલ્લા 20 વર્ષથી સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા 44 વર્ષીય હાર્દિક ગાંડાભાઈ પટેલ સાથે 3 કરોડ રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. ગત 18 ઓગસ્ટના રોજ સવારે હાર્દિકભાઈ ઓફિસમાં કામ કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં કંપનીના ડિરેક્ટર હેમંતનો ફોટો ડીપીમાં હતો અને તેમના નામથી વાતચીત શરૂ કરવામાં આવી હતી. ઠગે કંપનીના બેંક એકાઉન્ટનું બેલેન્સ પૂછતાં હાર્દિકે 13 કરોડ પ્લસ CC 6 કરોડ હોવાનું જણાવ્યું હતું, જે બાદ ઠગે એગ્રોઝેલા પ્રાઇવેટ લિમિટેડના બેંક ખાતાની વિગતો આપી તાત્કાલિક 3 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ડિરેક્ટરનો જ મેસેજ હોવાનું માનીને સુપરવાઈઝરે પેમેન્ટ માટે એક્સેલ ફાઈલ તૈયાર કરી અન્ય ભાગીદાર નયન પાસેથી ફોન પર મંજૂરી મેળવી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. સવારે 11.46 વાગ્યે પેમેન્ટ સફળ થયાનો ઈમેલ આવ્યા બાદ, 11.47 વાગ્યે નયન અને અસલી ડિરેક્ટર હેમંત સાથે કોન્ફરન્સ કોલ પર વાત થતાં ખુલાસો થયો હતો કે હેમંતે આવો કોઈ મેસેજ મોકલ્યો જ નહોતો, જેના પગલે છેતરપિંડીનો ભાંડો ફૂટતાં આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.




