Ahmedabad

અમદાવાદ: ચાંદલોડિયામાં AMCએ ફ્રૂટની લારી ઉપાડી, પકોડીની છોડી દીધી, હપ્તારાજનો દાવો કરતો વીડિયો વાઈરલ

By GS Team
23 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના ચાંદલોડિયામાં દબાણ હટાવવાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ખોડીયારનગરનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ફ્રૂટની લારી હટાવી, પણ બાજુની પકોડીની લારી છોડી દેવાઈ. જાગૃત નાગરિકે પૈસા લઈને લારી છોડી દેવાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. રણજીતભાઈ નામના એસ્ટેટ કર્મચારીની હાજરીમાં આ બન્યું. અધિકારીએ વીડિયોની તપાસ કરાવવાની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ચાંદલોડિયામાં AMCએ ફ્રૂટની લારી ઉપાડી, પકોડીની છોડી દીધી, હપ્તારાજનો દાવો કરતો વીડિયો વાઈરલ

Ahmedabad News: અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીને લઈને સવાલો ઊભા થયા છે. ખોડીયારનગર વિસ્તારમાં એસ્ટેટ વિભાગની ટીમની કામગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં એક ફ્રૂટની લારી પરથી સામાન હટાવી લારી ઉપાડવામાં આવી રહી છે. જ્યારે તેની નજીક આવેલી પકોડીની લારી સામે કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું જોવા મળે છે. આ બાબતે જાગૃત નાગરિક દ્વારા પૈસા લઈને લારી છોડી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

વાયરલ વીડિયોમાં રોડ પર રહેલી ફ્રૂટની લારીની સામગ્રી ખાલી કરાવવામાં આવ્યા બાદ લારી ઉપાડવામાં આવતી જોવા મળે છે. તેની બાજુમાં જ પકોડીની લારી પણ આવેલી છે, પરંતુ તેની સામે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું વીડિયોમાં દેખાય છે. આ સમગ્ર કામગીરીનો વીડિયો ઉતારનાર વ્યક્તિ દ્વારા બંને લારીઓ સામે અલગ-અલગ કાર્યવાહી કેમ કરવામાં આવી તે અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ પકોડીની લારીને પૈસા લઈને છોડી દેવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

એસ્ટેટ કર્મચારીના નામનો પણ વીડિયોમાં ઉલ્લેખ

વીડિયોમાં રણજીતભાઈ નામના કોર્પોરેશનના એસ્ટેટ કર્મચારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમની હાજરીમાં પકોડીની લારીને અંદર લઈ જવામાં આવી હતી.

વીડિયો બનાવનાર વ્યક્તિએ એવી રજૂઆત કરી છે કે જો રોડ પર દબાણના નામે લારીઓ સામે કાર્યવાહી કરવામાં આવતી હોય તો તમામ લારીઓ સામે સમાન કાર્યવાહી થવી જોઈએ. એક લારી ઉપાડીને તેની નજીક આવેલી બીજી લારીને છોડી દેવામાં આવે તો કામગીરીની પારદર્શિતા અંગે સવાલો ઊભા થાય છે.

શાકભાજી-ફ્રૂટની લારીઓને જ ટાર્ગેટ કરવાનો પણ આક્ષેપ

સ્થાનિક લોકો દ્વારા પણ એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રોડ પરની તમામ લારીઓ સામે એકસરખી કાર્યવાહી કરવાને બદલે શાકભાજી અને ફ્રૂટની લારીઓને જ વધુ ટાર્ગેટ કરવામાં આવે છે. દબાણ દૂર કરવાની કામગીરી હોય તો રોડ પર ઉભી તમામ લારીઓ સામે સમાન ધોરણે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

બીજી તરફ, શહેરમાં કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યા હોવા છતાં લારીધારકો માટે પૂરતી વ્યવસ્થા ન હોવાનો મુદ્દો પણ સ્થાનિકો દ્વારા ઉઠાવવામાં આવે છે. જેના કારણે કેટલાક લારીધારકો રોડ પર વ્યવસાય કરતા હોવાનો દાવો કરવામાં આવે છે.

અધિકારીએ કહ્યું- વીડિયો અંગે તપાસ કરાવીશ

આ સમગ્ર મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે જણાવ્યું હતું કે, 'વીડિયો બાબતે હું તપાસ કરાવી લઉં છું.'