અમદાવાદમાં બોસ સ્કેમ: એકાઉન્ટન્ટનો ફોન હેક કરી માલિકના નામે 80 લાખ રૂપિયા પડાવી લીધા, સાયબર ક્રાઈમમાં ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Boss Scam: અમદાવાદના સાણંદ વિસ્તારમાં 'બોસ સ્કેમ'નો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાયબર ઠગોએ એક રાઈસ મિલના એકાઉન્ટન્ટનો ફોન હેક કરીને 80 લાખ રૂપિયાની ઠગાઈ આચરી છે. ઠગબાજોએ એકાઉન્ટન્ટના ફોનમાંથી તેના માલિકનો અસલી નંબર ડિલીટ કરી, પોતાના નંબર પર વેપારીનું નામ અને ડિસ્પ્લે પિક્ચર (DP) સેટ કરીને વ્હોટ્સએપ મારફતે નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.
હેકરે મોબાઈલ પર એક ફાઈલ મોકલીને ફોન હેક કર્યો
મળતી માહિતી અનુસાર, સાણંદ ખાતે રાઈસ મિલ ચલાવતા અને અમદાવાદમાં મુખ્ય ઓફિસ ધરાવતા 40 વર્ષીય વેપારી પ્રદીપ રામવાણી સાથે આ સાયબર ફ્રોડ થયો છે. ગત 31મી ઓગસ્ટના રોજ અજાણ્યા ઠગે તેની ફેક્ટરીના એકાઉન્ટન્ટ જયેશના મોબાઈલ પર એક ફાઈલ મોકલીને ફોન હેક કરી લીધો હતો. ત્યારબાદ હેકરે એકાઉન્ટન્ટના ફોનમાંથી વેપારી પ્રદીપનો સાચો કોન્ટેક્ટ નંબર ડિલીટ કરી નાખ્યો હતો અને પોતાના નંબર પર પ્રદીપનું નામ તથા વોટ્સએપ ડીપી લગાવી દીધું હતું. ત્યારબાદ હેકરે પ્રદીપ બનીને જયેશને વોટ્સએપ પર તાત્કાલિક 80 લાખ રૂપિયા બેન્ક ટ્રાન્સફર કરવા માટે મેસેજ કર્યા હતા. માલિકનો જ આદેશ સમજીને એકાઉન્ટન્ટે પ્રદીપની જાણ બહાર 80,00,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.
ત્યારપછી હેકરે વધુ 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી. સતત નાણાંની માંગણી થતાં શંકા જતાં એકાઉન્ટન્ટ જયેશે રૂબરૂ જઈને પ્રદીપ સાથે નાણાંની સગવડ અંગે ચર્ચા કરી હતી. તે સમયે પ્રદીપે કોઈ પણ મેસેજ કે નાણાં માંગ્યા ન હોવાનું જણાવતાં આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. પોતાની સાથે કરોડોની ઠગાઈ થઈ હોવાનું માલૂમ પડતાં વેપારીએ આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હેકર સામે ફરિયાદ નોંધાવી છે.




