ગુજરાતમાં એકસાથે 3 સિસ્ટમ સક્રિય: આગામી દિવસોમાં ક્યાં પડશે છૂટોછવાયો વરસાદ? જાણો હવામાન વિભાગની આગાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IMD Forecast: ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ભલે ધીમી હોય, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદી માહોલ જામશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એકસાથે 3 મજબૂત સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યના વિવિધ ભાગોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં હાલ ચોમાસું સ્થિર છે પરંતુ તે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. આ દરમિયાન દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે તેમ હોવાથી 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં પવનની ગતિ પણ વધશે. આમ, 40થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રવિવારે(28 જૂન) રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળશે. ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, પાટણ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદી માહોલ રહેશે. કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવાયું છે.

2 થી 4 જુલાઈ આ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
આગામી 2 થી 4 જુલાઈ દરિમયાન દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આ જીલ્લાઓમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ
રાજ્યમાં એકતરફ વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે, તો બીજીતરફ નાગરિકોને અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ભેજનું પ્રમાણ સતત વધી રહ્યું હોવાથી ગરમીની તીવ્રતા વધુ અનુભવાશે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ તાપમાન 38થી 40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે, જ્યારે અમદાવાદમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. આમ, વાતાવરણમાં ડબલ ઋતુનો અહેસાસ થશે. એકતરફ પવન અને વરસાદી ઝાપટાં પડશે તો બીજીતરફ ભેજયુક્ત ગરમીનો ઉકળાટ લોકોને અકળાવશે.

IMD અનુસાર, અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મધ્યપ્રદેશ આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને પંજાબથી બિહાર સુધીનો સિઝનલ ટ્રફ સક્રિય છે. આ સિસ્ટમોના પ્રભાવથી આગામી સાત દિવસમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ તાપમાન
28 જૂને અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન તથા ભેજને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ગરમી અને બફારો રહેશે. જ્યારે બનાસકાંઠા, ભરૂચ સહિતના વિસ્તારોમાં હળવો છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.









