Ahmedabad

VIDEO| અમદાવાદ: બાવળા ચોકડી પાસે 4.35 કરોડના 'એમ્બરગ્રીસ' સાથે 2ની ધરપકડ, ખંભાતથી વેચવા આવ્યા હતા

By GS Team
1 Oct 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ ગ્રામ્યના બાવળા ચોકડી નજીક SMCએ દરોડો પાડી ₹4.35 કરોડનું 4.354 કિલો એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) ઝડપી પાડ્યું છે. આકૃતિ આર્કેડના પાર્કિંગમાંથી અજય ચાવડા અને હિતેશ ચૌહાણ નામના બે શખસોની ધરપકડ કરાઈ છે. વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધી, વધુ તપાસ બાવળા પોલીસે હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: બાવળા ચોકડી પાસે 4.35 કરોડના 'એમ્બરગ્રીસ' સાથે 2ની ધરપકડ, ખંભાતથી વેચવા આવ્યા હતા

Ahmedabad Bavla SMC Raid 4.35 Crore Ambergris Seized: ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમે અમદાવાદ ગ્રામ્યના બાવળા ચોકડી નજીક આવેલી એક આર્કેડના પાર્કિંગમાં દરોડો પાડીને ₹4.35 કરોડની કિંમતનું 4.354 કિલો એમ્બરગ્રીસ (વ્હેલની ઉલટી) ઝડપી પાડ્યું છે. પોલીસે ગેરકાયદે કિંમતી પદાર્થ સાથે બે શખસોની અટકાયત કરી છે અને વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાવળા ચોકડી પાસે ₹4.35 કરોડના 'એમ્બરગ્રીસ' સાથે 2ની ધરપકડ

મળતી વિગતો મુજબ, SMCની ટીમને મળેલી બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર બાવળા ચોકડી પાસે આવેલા આકૃતિ આર્કેડ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે અજય અશોકભાઇ ચાવડા(રહે. તારાપુર, જી. આણંદ) અને હિતેશ દશરથભાઇ ચૌહાણ(રહે. ભેટાવાડા, ધોળકા, અમદાવાદ) નામના બે શખસોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી જુદા-જુદા આકાર અને સાઇઝના એમ્બરગ્રીસના ટુકડાઓ મળી આવ્યા હતા.

ઘટના બાદ વન વિભાગ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ની ટીમને બોલાવી પદાર્થની તપાસ કરાવવામાં આવી હતી. પોલીસે જપ્ત કરેલા 4.354 કિલોગ્રામ એમ્બરગ્રીસની કિંમત ₹4.35 કરોડ અંકાઇ છે, જ્યારે અન્ય સામગ્રી સાથે કુલ ₹4.38 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. SMCએ બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાવળા પોલીસને સોંપી દીધા છે.

પ્રાથમિક પૂછપરછ દરમિયાન અજય ચાવડાએ ખુલાસો કર્યો હતો કે, તારાપુરના મેહુલ મનીષભાઇ ડાભીએ તેને એમ્બરગ્રીસના વેચાણનું સેટિંગ કરવા માટે બાવળા બોલાવ્યો હતો. જેથી અજય ચાવડા તેના સાથી કિશનભાઇ ટીકમભાઇ ગોહેલ અને અન્ય એક વ્યક્તિ સાથે બાવળાની ગોવાળિયા હોટલ ખાતે પહોંચ્યો હતો. આ દરમિયાન હિતેશ ચૌહાણ ખંભાત વિસ્તારમાંથી એમ્બરગ્રીસ લઇને આવ્યો હતો અને આકૃતિ આર્કેડના પાર્કિંગમાં તેને ગ્રાહકને બતાવી વેચવાની પેરવી ચાલતી હતી ત્યારે જ SMCની ટીમ તેમને ઝડપી લીધા હતા.

હાલ બાવળા પોલીસે આ ગેરકાયદે સપ્લાય ચેઇન પાછળ કોણ છે, આ એમ્બરગ્રીસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો ખરીદદાર કોણ હતો તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.