ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ માટે બેંકોની હડતાળ, 16 બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Bank Strike: ગુજરાતમાં આવતીકાલ (28મી સપ્ટેમ્બર)થી સળંગ 3 દિવસ સુધી સરકારી અને કેટલીક ખાનગી બેંકોની હડતાળ શરૂ થવા જઈ રહી છે. આ હડતાળમાં 11 રાષ્ટ્રીયકૃત બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને 3 પ્રાઇવેટ બેંક (ફેડરલ બેંક, કર્ણાટક બેંક અને કરુર વૈશ્ય બેંક) મળીને કુલ 16 બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે. જેના કારણે રાજ્યની કુલ 5400 બેંક બંધ રહેશે.
રાજ્યમાંથી 1 લાખ અને અમદાવાદમાંથી 30 હજારથી વધુ કર્મચારીઓ હડતાળ પર
આ હડતાળમાં સમગ્ર રાજ્યમાંથી 1 લાખથી વધુ કર્મચારીઓ અને માત્ર અમદાવાદના 30 હજારથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાશે. જોકે, ગ્રાહકોની સુવિધા માટે રવિવારના દિવસે સરકારી બેંક ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી આજે(27મી સપ્ટેમ્બ)ના દિવસે બેંકના સામાન્ય કામકાજ રાબેતા મુજબ થઈ શકશે.
5 દિવસ કામ અને પ્રોફિટ ઇન્સેન્ટિવની મુખ્ય માંગણી
આ હડતાળ પાછળ બેંક કર્મચારીઓની મુખ્ય માંગણી અઠવાડિયામાં 5 દિવસ કામ કરવાની છે. અગાઉ સરકાર સાથે આ મુદ્દે MOU થયા હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં ન આવતા કર્મચારીઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, બેંકના પ્રોફિટ પ્રમાણે કર્મચારીઓને ઇન્સેન્ટિવ આપવાની માંગ પણ કરવામાં આવી રહી છે. પોતાની આ માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં આ બેંકની તમામ શાખાઓના કર્મચારીઓ અને અધિકારીઓ એકજૂટ થઈને હડતાળ પર ઉતરી રહ્યા છે.
રવિવારે બેંક ચાલુ રાખવાનો આદેશ અધકચરો હોવાનો આક્ષેપ
આ અંગે મહા ગુજરાત બેંક એમ્પ્લોયી એસોસિયેશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, 'યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા 3 દિવસની હડતાળની જાહેરાત કરાઈ હતી. અમારી મુખ્ય માંગણી એ છે કે સોમથી શુક્ર સુધી 5 ડેઝ વીક બેંક ચાલુ રહે અને તેના માટે અમે રોજ 42 મિનિટ વધારે કામ કરવા પણ તૈયાર છીએ, પરંતુ 5 ડેઝ વીકની અમારી 3 વર્ષ જૂની ડિમાન્ડ અંગે અમારી સાથે MoU થયા પછી પણ સરકાર તેને અમલમાં મૂકતી નથી. આ ઉપરાંત પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવમાં પણ બેંકો ભેદભાવ કરી રહી છે એનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ અને આ જ કારણે અમે છેવટે હડતાળનું જાહેર કરી હતી.'
જનક રાવલે જણાવ્યું કે, 'આ 3 દિવસની હડતાળમાં ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ ધરણા, ડેમોન્સ્ટ્રેશન અને રેલીનું આયોજન થશે, જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, નડિયાદ, આણંદ, રાજકોટ અને ભાવનગર જેવા સ્થળોએ સૂત્રોચ્ચારના પ્રોગ્રામો થશે તેમજ અમદાવાદમાં પોલીસ પરમિશન આવ્યા પછી ભવ્ય રેલી યોજાશે. સરકારે આની સામે રવિવારે બેંક ચાલુ રાખવાનો જે નિર્ણય લીધો છે તે અધકચરો છે, કારણ કે આમાં સામાન્ય કામકાજો કયા થઈ શકશે તેની સ્પષ્ટતા સરકારે કરી નથી. અમારા મુજબ કદાચ આજના દિવસે માત્ર ATM ફીલ કરી શકાશે, જેથી લોકોને હેરાનગતિ ન પડે અને લોકો મંગળવાર સુધી ATM માંથી પૈસા વિથડ્રો કરી શકે, આ સિવાય બીજા સામાન્ય કામો થવાની શક્યતા બહુ ઓછી છે.'




