Ahmedabad

બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, અમદાવાદમાં કેન્દ્ર સરકાર સામે ઉગ્ર નારેબાજી, રાજ્યની 54 બેન્કોનું કામકાજ પ્રભાવિત

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
આજે, 11મી સપ્ટેમ્બરે, ગુજરાતના 75,000 બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ 5 દિવસીય કામકાજ, સમાન PLI અને IDBI બેન્કના ખાનગીકરણ અટકાવવા સહિતની માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા. અમદાવાદમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા. આ હડતાળથી રાજ્યમાં આશરે 15,000 કરોડના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા. યુનિયનોએ 28 થી 30 સપ્ટેમ્બરની ત્રણ દિવસીય હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, અમદાવાદમાં કેન્દ્ર સરકાર સામે ઉગ્ર નારેબાજી, રાજ્યની 54 બેન્કોનું કામકાજ પ્રભાવિત

Gujarat Bank Strike: દેશ અને રાજ્યમાં બેન્કકર્મી દ્વારા આજે (11મી સપ્ટેમ્બર) હડતાળ અને દેખાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં પણ બેન્કકર્મી દ્વારા 'મોદી તેરી તાનાશાહી નહીં ચાલે, બોલ મજુરા હાય હાય, પહેલે ભી હમ જીતે થે, હમ જો બેન્કના ખોલંગે સહિતના સૂત્રોચ્ચાર કેન્દ્ર સરકાર સામે કરવામાં આવ્યા છે. અઠવાડિયામાં 5 દિવસનું કામકાજ, સમાન પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) ની ફાળવણી અને IDBI બેન્કનું ખાનગીકરણ અટકાવવા જેવી મુખ્ય માંગણીઓ સાથે ગુજરાતના આશરે 75,000 કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે રાજ્યમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો પ્રભાવિત થયા છે.

બેન્ક યુનિયનોએ ચીમકી આપી

યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU)ના નેજા હેઠળ દેશભરના આશરે 7.5 લાખથી વધુ બેન્ક કર્મચારીઓ અને અધિકારીઓ આ આંદોલનમાં જોડાતા કામકાજ ઠપ થઈ ગયું છે. બેન્ક યુનિયનોએ ચીમકી આપી છે કે જો સરકાર દ્વારા માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી 28 થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય હડતાળ પાડવામાં આવશે અને ત્યારબાદ ઓક્ટોબર મહિનાથી અચોક્કસ મુદતની હડતાળ યોજાશે.

સપ્તાહમાં 5 દિવસનું કામકાજ અમલી બનાવવામાં આવે

મહાગુજરાત બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરીના જણાવ્યા મુજબ, યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ હેઠળ સંગઠિત વિવિધ બેન્ક સંગઠનોના કર્મચારીઓ બેન્કિંગ ક્ષેત્રના પડતર પ્રશ્નોને લઈને દેખાવો કરી રહ્યા છે. તેની મુખ્ય માંગ એ છે કે એલઆઈસી અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોની જેમ બેન્કોમાં પણ સપ્તાહમાં 5 દિવસનું કામકાજ અમલી બનાવવામાં આવે. આ બદલાવ સામે કર્મચારીઓ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા માટે પણ તૈયાર છે. સરકાર સાથે સમજૂતી કરાર (MoU)ને લાંબો સમય વિતી ગયો હોવા છતાં તેનો યોગ્ય અમલ કરવામાં આવ્યો નથી.

આ ઉપરાંત, પ્રોફિટ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ હેઠળ નીચલા સ્તરના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે થતો અન્યાય દૂર કરવા, IDBI બેન્કનું ખાનગીકરણ અટકાવવા તેમજ અન્ય સેવાકીય પ્રશ્નોના નિકાલ માટે આ હડતાળ યોજવામાં આવી છે.

ગુજરાતમાં 54 જેટલી બેન્કોની શાખાઓના કર્મચારીઓ કામકાજથી અળગા રહેતા વહીવટી પ્રક્રિયાઓ અને ક્લિયરિંગ હાઉસના કામકાજને ભારે અસર પહોંચી છે. યુનિયનના પદાધિકારીઓએ ઉમેર્યું હતું કે કેન્દ્રીય નાણા મંત્રાલય અને સેન્ટ્રલ લેબર કમિશનર સાથે બેઠકો યોજાઈ હોવા છતાં હજુ સુધી કોઈ સાનુકૂળ ઉકેલ આવ્યો નથી. જો સરકાર વહેલી તકે સકારાત્મક નિર્ણય નહીં લે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.