Ahmedabad

નરોડામાં ટેક્સ બિલ વહેંચવા ગયેલા એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલો: ચાર સામે ફરિયાદ

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદના નરોડામાં પ્રોપર્ટી ટેક્સ બિલ આપવા ગયેલા AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર ઉજ્જવલ બરંડા પર 03 ઓગસ્ટે 4 લોકોએ હુમલો કર્યો હતો. જલ્પા સોસાયટીમાં બિલનો ફોટો પાડવા બાબતે બોલાચાલી થતા, આરોપીઓએ ગાળાગાળી કરી સરકારી ફરજમાં રૂકાવટ ઉભી કરી. ઇન્સ્પેક્ટરે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નરોડામાં ટેક્સ બિલ વહેંચવા ગયેલા એએમસીના વોર્ડ ઇન્સ્પેક્ટર પર હુમલો: ચાર સામે ફરિયાદ

AMC Ward Inspector Assault Naroda : અમદાવાદના નરોડા વિસ્તારમાં પ્રોપર્ટી ટેક્સ બિલની વહેંચણી કરવા ગયેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વોર્ડ ઇન્સ્પેક્ટર પર બે શખ્સો અને બે મહિલાઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સરકારી ફરજમાં રૂકાવટ અને મારમારી કરવા અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ચાર લોકો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શું હતી સમગ્ર ઘટના?

ગત 03 ઓગસ્ટે નરોડામાં અરીહંતનગરની બાજુમાં આવેલી જલ્પા સોસાયટીમાં AMCના વોર્ડ ઇન્સ્પેક્ટર ઉજ્જવલ દિનેશભાઈ બરંડા પ્રોપર્ટી ટેક્સના બિલ વહેંચવા માટે ગયા હતા. આ દરમિયાન એક શખ્સે પોતાના ઘરનું નવું ટેક્સ બિલ આવ્યું ન હોવાનું કહીને જૂનું બિલ બતાવ્યું હતું. ઉજ્જવલભાઈએ તે બિલનો ફોટો પોતાના મોબાઇલમાં પાડીને નવું બિલ આવશે ત્યારે આપી જવાની વાત કરી હતી અને અન્ય બિલ વહેંચવા આગળ વધ્યા હતા.

બિલનો ફોટો પાડવા બાબતે બોલાચાલી અને હુમલો

થોડીવાર પછી પેલો શખ્સ તેમની પાછળ પાછળ આવ્યો અને તે જ વખતે નવું બિલ આપવાની જીદ કરવા લાગ્યો. ઉજ્જવલભાઈએ બિલ હજુ આવ્યું ન હોવાનું જણાવતા જ આરોપી ઉશ્કેરાઈ ગયો અને "મારા ઘરના ટેક્સ બિલનો મોબાઇલમાં કેમ ફોટો પાડ્યો?" તેમ કહીને તેમનો કોલર પકડીને મારઝૂડ શરૂ કરી દીધી હતી.

ચારેય શખ્સો દ્વારા સરકારી ફરજમાં દખલ

આ દરમિયાન અન્ય બે અજાણી મહિલાઓ અને વધુ એક શખ્સ ત્યાં આવી પહોંચ્યા હતા. તે ચારેયે ભેગા મળીને ઉજ્જવલભાઈ સાથે ગાળાગાળી કરી હતી અને સરકારી કામગીરી કરતા અટકાવીને લાફા અને મુક્કાવાળી કરી હતી. આ હુમલાના કારણે ગભરાઈ ગયેલા ઇન્સ્પેક્ટર ત્યાંથી નીકળી ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોતાના ઉપરી અધિકારીઓને કરી હતી. ત્યારબાદ આસિસ્ટન્ટ મેનેજર સાગર જયંતીભાઈ અસારી સાથે મળીને નરોડા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે.