રેલવે પાસે ઇલેક્ટ્રિક એન્જિન પૂરતા ન હોવાથી ઈલેક્ટ્રિક લાઈનમાં 350 ડીઝલ એન્જિન દોડે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Western Railway Diesel Engines: એક તરફ વડાપ્રધાન લોકોને ઈંધણ બચાવવાની સલાહ આપી રહ્યા છે. બીજી તરફ ગુજરાતમાં 100 ટકા રેલવે ટ્રેક ઈલેક્ટ્રિક હોવા છતાં તેના પર પશ્ચિમ રેલવે 350થી વધારે ડીઝલ એન્જિન દોડાવી રહ્યું છે! આ ડીઝલ એન્જિનોના કારણે પર્યાવરણને તો ગંભીર નુકસાની થઈ જ રહી છે, સાથે સાથે કરોડો લિટર કિંમતી ઈંધણનો પણ વપરાશ થઈ રહ્યો છે. રાજ્યના તમામ ડિવિઝનમાં હાલમાં ડીઝલ એન્જિન દોડી રહ્યા છે. જેમાં અમદાવાદ વિભાગમાં સૌથી વધારે 313 એન્જિન કાર્યરત છે! નોંધનીય છે કે, પશ્ચિમ રેલવેમાં હાલમાં માત્ર 788 ઈલેક્ટ્રિક એન્જિન છે. રેલવે મંત્રાલય પૂરતા ઈલેક્ટ્રિક એન્જિન પૂરા ન પાડી શકતું હોવાથી જ્યાં ઈલેક્ટ્રિક લાઈન છે, તેવા ટ્રેક પર પણ ડીઝલ એન્જિન ચલાવવા પડે છે.
ઈલેક્ટ્રિક રેલવે લાઈન તો 100 નંખાઈ પરંતુ એન્જિનનું શું?
રાજ્યમાં તમામ રેલવે લાઈનનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ગયું હોવાનો રેલવે દ્વારા એક તરફ દાવો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ RTIમાં મળેલી માહિતીએ રેલવેના દાવા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાતમાં હાલ 788 ઈલેક્ટ્રિક એન્જિન અને 350 જેટલા ડીઝલ એન્જિન કાર્યરત છે. જેમાં ડીઝલ એન્જિનની વાત કરીએ તો આ 350 એન્જિનમાંથી 313 જેટલા એન્જિન તો માત્ર અમદાવાદ ડિવિઝન હેઠળ છે. 220 ગાંધીધામ શેડમાં જ્યારે 93 જેટલાં એન્જિન સાબરમતી શેડમાં આવેલા છે.
આ ઉપરાંત મુંબઈ ડિવિઝન હેઠળ વલસાડ-બીલીમોરા વિસ્તારમાં 17 અને ભાવનગર ડિવિઝનમાં 12 ડીઝલ એન્જિન કાર્યરત છે. રેલવે લાઈનનું વીજળીકરણ કરવાનો મુખ્ય હેતુ ડીઝલ આધારિત ટ્રેક્શન ઘટાડીને વીજળી આધારિત કરી પર્યાવરણ સાથે ઈંધણનો બચાવ કરવાનો છે. તેમ છતાં રાજ્યમાં ઈલેક્ટ્રિક એન્જિનની સામે 44 ટકા એન્જિન ડીઝલ પર આધારિત દોડી રહ્યાં છે. એટલું જ નહીં, આ ડીઝલ એન્જિનોમાંથી મોટા ભાગના એન્જિનો તો સંપૂર્ણ ઈલેક્ટ્રિફાઈડ થયેલી રેલલાઈન પર દોડી રહ્યાં છે. નોંધનીય છે કે, સરકાર લોકોને ઈંધણ બચાવવાની અપીલ કરે છે. તો બીજી તરફ રેલવે પાસે ઈલેક્ટ્રિક લાઈન છે પરંતુ પૂરતા ઈલેક્ટ્રિક એન્જિન ન હોવાથી તેના પર ડીઝલ લોકોમોટિવ દોડાવવા મજબૂર બન્યું છે.
ગુજરાતમાં 4 શેડમાં 788 ઈલેક્ટ્રિક એન્જિન
પશ્ચિમ રેલવેના ગુજરાતમાં આવેલા વલસાડ, વડોદરા, સાબરમતી અને વટવા એમ ચાર શેડમાં કુલ 788 ઈલેક્ટ્રિક એન્જિન કાર્યરત છે. જેમાં વલસાડમાં 141, વડોદરામાં 316, સાબરમતીમાં 43 અને વટવામાં 188 એન્જિન છે. આ શેડમાં WAP-4, WAP-5, WAP-7 અને WAG-9H સહિતના એન્જિન છે. સહિતના વિવિધ પ્રકારના એન્જિન કાર્યરત છે.
સાબરમતી શેડમાં 12 હજાર HP ક્ષમતાના 154 ઈલેક્ટ્રિક એન્જિન
12 હજાર હોર્સપાવરની ક્ષમતાવાળા WAG-12 એન્જિન દેશમાં 652 કાર્યરત છે. જેમાં યુપી, મહારાષ્ટ્ર બાદ માત્ર ગુજરાત પાસે જ આ પ્રકારના એન્જિન છે. આ હાઈપાવર ઈલેક્ટ્રિક એન્જિન મુખ્યત્ત્વે ભારે માલગાડીઓના સંચાલન માટે ઉપયોગમાં લેવાતા હોય છે. ત્યારે આ પ્રકારના 154 જેટલા એન્જિન સાબરમતી શેડમાં આવેલા છે.
અમદાવાદ ડિવિઝનમાં વર્ષે 8.27 કરોડ લિટર ડીઝલનો વપરાશ
અમદાવાદ ડિવિઝન હેઠળ આવતાં વટવા, કાંકરિયા, સાબરમતી, મહેસાણા, ગાંધીધામ, મુંદ્રા પોર્ટ, ભીલડી લોકો શેડ પરથી વિવિધ પ્રકારના ડીઝલ એન્જિનના વપરાશનું પણ સર્વેક્ષણ RTI હેઠળ સામે આવ્યું છે. જેમાં અમદાવાદ ડિવિઝન હેઠળ છેલ્લા વર્ષમાં કુલ 8.27 કરોડ લિટર ડીઝલનો વપરાશ થયો હતો.
ડીઝલ એન્જિન અંગે અધિકારી પાસે સ્પષ્ટ જવાબ નહીં
રાજ્યમાં રેલવેની મોટા ભાગની લાઈનનું ઈલેક્ટ્રિફિકેશન થઈ ગયું હોવા છતાં આ ઈલેક્ટ્રિક લાઈન પર હજુ ડીઝલ એન્જિન દોડાવવામાં આવી રહ્યા છે. આ બાબતે રેલવે અધિકારીનો સંપર્ક કરીને હકીકત જાણવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, અધિકારી તરફથી આ બાબતે કોઈ સ્પષ્ટ કે સંતોષકારક જવાબ મળ્યો ન હતો.
ગુજરાતમાં ક્યાં કેટલા ડીઝલ એન્જિન કાર્યરત
•ગાંધીધામ: 220
•સાબરમતી: 93
•ભાવનગર: 12
•વલસાડ: 17




