Ahmedabad

અમદાવાદમાં આવશે દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન: ગરબા અને ઉત્તરાયણની થીમ સાથે નવા વર્ષથી દોડશે નવી ટ્રેનો

By GS Team
21 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં મેટ્રો સેવા વધુ ઝડપી અને આધુનિક બનશે. 'ગરબા-ઉત્તરાયણ' થીમ પર તૈયાર થયેલી 10 નવી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનો અમદાવાદ લાવવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પશ્ચિમ બંગાળની ટીટાગઢ રેલ સિસ્ટમ્સ દ્વારા 350 કરોડના ખર્ચે બનેલી આ ટ્રેનો 80-90 કિમીની ઝડપે દોડવા સક્ષમ છે. AC, ડિજિટલ ડિસ્પ્લે, CCTV, ફાયર ડિટેક્શન જેવી સુવિધાઓ સાથે ગ્યાસપુર ડેપોમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. નવા વર્ષથી મુસાફરો માટે ઉપલબ્ધ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં આવશે દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન: ગરબા અને ઉત્તરાયણની થીમ સાથે નવા વર્ષથી દોડશે નવી ટ્રેનો

Ahmedabad News : અમદાવાદમાં મેટ્રો સેવા વધુ ઝડપી, સુરક્ષિત અને અદ્યતન બનવા જઈ રહી છે. ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરતી 'ગરબા અને ઉત્તરાયણ'ની વિશેષ થીમ પર તૈયાર થયેલી 10 નવી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનો તૈયાર થઈ ગઈ છે જે 10 ટ્રેનો તબક્કાવાર અમદાવાદ લાવવામાં આવશે. હાલમાં ગ્યાસપુર ડેપો ખાતે આવી પહોંચેલા ટ્રેન સેટ્સનું મેન્ટેનન્સ અને ટેસ્ટિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

સંપૂર્ણ સ્વદેશી બનાવટ અને આકર્ષક વિશેષતાઓ

આ નવી મેટ્રો ટ્રેનો પશ્ચિમ બંગાળની 'ટીટાગઢ રેલ સિસ્ટમ્સ' દ્વારા 'મેક ઇન ઇન્ડિયા' અંતર્ગત ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે, જ્યારે અગાઉની 32 ટ્રેનો દક્ષિણ કોરિયાથી લાવવામાં આવી હતી. આ ટ્રેનો 750 V ડીસી સિસ્ટમવાળી દેશની પ્રથમ સ્વદેશી ડ્રાઇવરલેસ (ઓટોમેશન ગ્રેડ-4) મેટ્રો ટ્રેનો છે. આકર્ષક સ્ટેનલેસ સ્ટીલ બોડી સાથે બનેલી આ ટ્રેન ટ્રેક પર પ્રતિ કલાક 80થી 90 કિમીની ઝડપે દોડવા સક્ષમ છે. આ ઉપરાંત ટ્રેનમાં સંપૂર્ણ એરકંડિશનિંગ(AC), ઓટોમેટિક ઓપરેશન, ડિજિટલ ડિસ્પ્લે અને સ્માર્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ જેવી હાઇટેક સુવિધાઓ આપવામાં આવી છે.

સુરક્ષાના ઉચ્ચ માપદંડ અને પ્રોજેક્ટ ખર્ચ

મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ કોચમાં સીસીટીવી(CCTV) કેમેરા તેમજ અદ્યતન ફાયર ડિટેક્શન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 3 કોચ ધરાવતી એક ટ્રેનની કિંમત 35 કરોડ રૂપિયા છે, એટલે કે કુલ 10 ટ્રેનો પાછળ 350 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

ટેસ્ટિંગ અને સંચાલન પ્રક્રિયા

હાલ ગ્યાસપુર ડેપોમાં પહોંચેલી ટ્રેનનું પ્રાથમિક મેન્ટેનન્સ કાર્ય શરૂ કરી દેવાયું છે. આ ટ્રેનો ટેસ્ટિંગના વિવિધ આકરા તબક્કાઓમાંથી પસાર થશે. રિસર્ચ ડિઝાઇન્સ ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑર્ગેનાઇઝેશન (RDSO) અને છેલ્લે કમિશનર ઑફ મેટ્રો રેલ સેફ્ટી(CMRS) દ્વારા સઘન નિરીક્ષણ અને સેફ્ટી સર્ટિફિકેટ મંજૂર થયા બાદ, આગામી નવા વર્ષમાં આ તમામ ટ્રેનોને તબક્કાવાર સામાન્ય મુસાફરોની સેવા માટે ટ્રેક પર દોડાવવામાં આવશે.