Ahmedabad

VIDEO| અમદાવાદ: ભારે વરસાદનો લાભ લઈ વિલામાં 93 લાખની ચોરી, 23 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદના એપલવુડ વિલામાં 24 જુલાઈએ થયેલી 93 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો છે. ગ્રામ્ય પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી, જેમાં કલ્પેશ પટેલ, નારાયણ પટેલ, રાણુ ભોઈ અને દિનેશ ભોઈનો સમાવેશ થાય છે. પોલીસે 23 લાખથી વધુનો મુદ્દામાલ રાજસ્થાનમાંથી રિકવર કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| અમદાવાદ: ભારે વરસાદનો લાભ લઈ વિલામાં 93 લાખની ચોરી, 23 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

Ahmedabad Applewoods Villa Burglary Case: અમદાવાદના એપલવુડ વિસ્તારમાં ગત 24 જુલાઈના રોજ ભારે વરસાદનો લાભ ઉઠાવીને એક વિલામાંથી લાખો રૂપિયાની રોકડ અને દાગીનાની થયેલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી અમદાવાદ ગ્રામ્ય પોલસે 4 શખસોની ધરપકડ કરી છે. પોલીસે ચોરી કરનાર અને છેક રાજસ્થાન સુધી જઈને મુદ્દામાલ સગેવગે કરનાર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને રૂપિયા 23 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. જ્યારે મુખ્ય સૂત્રધાર સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાલમાં ચાલી રહી છે. ચોર બંગલામાં ચોરી કરવા ઘૂસતા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ભારે વરસાદનો લાભ લઈ વિલામાં 93 લાખની ચોરી

ચોરીના બનાવ અંગે અમદાવાદ ગ્રામ્ય SPએ જણાવ્યું હતું કે, ગત 24 જુલાઈના રોજ જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો ત્યારે એપલવુડના 1 વિલામાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી. ચોરીની ફરિયાદ મુજબ, ઘરમાંથી કુલ 8 લાખ રૂપિયા રોકડા અને આશરે 85 લાખ રૂપિયાની જ્વેલરીનો મુદ્દામાલ ચોરાયો હતો. જેમાં ફરિયાદના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ આદરી હતી. જેમાં અમદાવાદ સિટી અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આ પ્રકારની પદ્ધતિથી ગુનો આચરતા લોકોની યાદી તૈયાર કરી હતી અને તેમાંથી શંકાસ્પદો નક્કી કર્યા હતા. ત્યારબાદ ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું હતું કે ગુનામાં આરોપી કલ્પેશ પટેલ, નારાયણ પટેલ અને હરીશ કટારા સામેલ છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ દ્વારા ટ્રેસ કરીને અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓને પકડ્યા છે.

ઝડપાયેલા આરોપીના નામ

  • કલ્પેશ પટેલ
  • નારાયણ પટેલ
  • રાણુ ભોઈ
  • દિનેશ રત્નાભાઈ ભોઈનો

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી કલ્પેશ, નારાયણ અને હરીશ કટારા ત્રણેયે ચોરીના બનાવના દિવસે એપલવુડના 3 રસ્તા પાસે ભેગા થઈને આખું પ્લાનિંગ કર્યું હતું અને રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ વિલાનો પાછળનો દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા.

અમદાવાદની 11,123 રેસ્ટોરન્ટ્સને કડક સૂચના: ગ્રાહકો જોઈ શકે તે રીતે રિસેપ્શન પર લાઈવ કિચન CCTV રાખવા ફરજિયાત!

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મુદ્દામાલની વહેંચણી કરી હતી. ત્યારબાદ હરીશ કટારા રાજસ્થાન ભાગી ગયો હતો, જ્યારે બાકીના 2 આરોપીઓ કલ્પેશ પટેલ અને નારાયણ પટેલ અમદાવાદ સિટીમાં જ રોકાઈ ગયા હતા. તેઓએ રોકડ, સોના અને ચાંદીના દાગીના અહીં વેચવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ ખરીદનાર ન મળતા તેઓ તમામ મુદ્દામાલ લઈને રાજસ્થાનના ડુંગરપુર પહોંચ્યા હતા. ત્યાં તેઓએ રાણુ ભોઈનો સંપર્ક કર્યો, જેણે તેમને દિનેશ ભોઈ સાથે મેળવ્યા અને દિનેશ ભોઈએ આ તમામ મુદ્દામાલ ખરીદી લીધો હતો.

23 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા

રાજસ્થાનમાં આરોપીએ ચોરી કરેલા મુદ્દામાલનું વેચાણ કુલ 8 લાખ રૂપિયામાં કર્યું હતું, જેમાંથી રાણુ ભોઈએ પોતાના કમિશન તરીકે 2.5 લાખ રૂપિયા રાખ્યા હતા અને બાકીના 6 લાખ રૂપિયા કલ્પેશ અને નારાયણે અંદરોઅંદર વહેંચી લીધા હતા. અત્યાર સુધીમાં ચાંગોદર પોલીસ દ્વારા 22 તોલા સોનું, 1.5 કિલો ચાંદી અને 80,000 રૂપિયા રોકડા રિકવર કરવામાં આવ્યા છે, જેની કુલ કિંમત 23 લાખ અને 17,000 રૂપિયા થાય છે.

આ પણ વાંચો: અમદાવાદના નરોડામાં સગીરા સાથે જબરદસ્તી: બચવા જતાં 10મા માળેથી નીચે પટકાઈ, ચમત્કારિક બચાવના CCTV વાઈરલ

ફરિયાદીના વિશેષ નિવેદનમાં જાણવા મળ્યું હતું કે, તેમને પણ ઘરમાં ચોક્કસ કેટલાં દાગીના હતા તેની સ્પષ્ટ ખબર ન હતી. હાલમાં હરીશ કટારા અને તેને ટીપ આપનાર વ્યક્તિની શોધખોળ ચાલુ છે, જેઓ ઘરઘાટી તરીકે કામ કરે છે. જ્યારે કલ્પેશ અને નારાયણ અમદાવાદમાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા અને રાણુ ભોઈ રાજસ્થાનમાં શાકભાજીની લે-વેચનું કામ કરતો હતો.