અમદાવાદની 11,123 રેસ્ટોરન્ટ્સને કડક સૂચના: ગ્રાહકો જોઈ શકે તે રીતે રિસેપ્શન પર લાઈવ કિચન CCTV રાખવા ફરજિયાત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Food Safety Restaurant CCTV Mandate: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના 11,123 રેસ્ટોરન્ટ તથા ફૂડ બિઝનેસ ઓપરેટર્સને ઈ-મેઈલ મારફતે મહત્વપૂર્ણ સૂચના પાઠવવામાં આવી છે. ગ્રાહકોને સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની કામગીરીમાં વધુ પારદર્શિતા મળે તથા રેસ્ટોરન્ટમાં સતત હાઈજીન જળવાઈ રહે તે હેતુથી કિચન વિસ્તારને આવરી લેતા CCTV કેમેરા લગાવી તેનો લાઈવ ફીડ રિસેપ્શન અથવા ગ્રાહકોને દેખાય તેવી બેઠક વ્યવસ્થા પાસે દર્શાવવા અંગે સૂચના આપવામાં આવી છે.
FSSAI દ્વારા નિર્ધારિત સ્વચ્છતા અને સેનિટેશનનું પાલન જરૂરી
ફૂડ બિઝનેસ ઓપરેટર્સે Food Safety and Standards Act, 2006 તથા FSSAI દ્વારા નિર્ધારિત સ્વચ્છતા અને સેનિટેશનની આવશ્યકતાઓનું પાલન કરવાનું રહે છે. ખાસ કરીને Schedule 4 મુજબ કિચનની સફાઈ, ફૂડ હેન્ડલર્સની વ્યક્તિગત સ્વચ્છતા, કાચા અને તૈયાર ખોરાકને અલગ રાખવો, યોગ્ય સ્ટોરેજ, પીવાનું તથા ફૂડ પ્રિપેરેશન માટે સલામત પાણી, પેસ્ટ કંટ્રોલ, કચરાનો યોગ્ય નિકાલ અને સાધનો-વાસણોની નિયમિત સફાઈ જેવી બાબતોનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત ખાદ્ય પદાર્થોને ધૂળ, જીવાત તથા અન્ય દૂષણથી સુરક્ષિત રાખવા, માત્ર FSSAI દ્વારા નિર્ધારિત ફૂડ કલર અને ઘટકોનો ઉપયોગ કરવા તથા રસોઈમાં ખાધ્ય તેલનો યોગ્ય ઉપયોગ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.

બેદરકારી રાખી તો કાયદેસરની કાર્યવાહી થશે
AMC ફૂડ વિભાગ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફૂડ સેફ્ટી અને હાઈજીનમાં બેદરકારી અથવા નિયમોના ઉલ્લંઘન સામે લાગુ કાયદા અને નિયમો મુજબ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગંભીર અથવા વારંવારના ઉલ્લંઘન ના કિસ્સામાં લાયસન્સ રદ કરવા સહિત એકમ સીલ સુધીની કાર્યવાહી થઈ શકે છે. “સ્વચ્છ કિચન - સુરક્ષિત ખોરાક – જાગૃત ગ્રાહક” ના સંદેશ સાથે AMC દ્વારા શહેરમાં ફૂડ સેફ્ટીના ધોરણોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આ મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.









