અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટનો વધુ એક શૉકિંગ કિસ્સો, નિવૃત્ત પ્રોફેસરે ગુમાવી જીવનભરની બચત!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Digital Arrest Scam in Ahmedabad: અમદાવાદમાં ફરીએકવાર ડિજિટલ એરેસ્ટ કરી એક 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરને ઠગે લૂંટી લીધા હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. સિંગરવા વિસ્તારમાં રહેતા વૃદ્ધને ઠગે બનારસ પોલીસ અને એટીએસ અધિકારીની ખોટી ઓળખ આપીને ડરાવ્યા હતા અને કહ્યું હતું કે, તેના આધારકાર્ડ સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ બાળકોના અશ્લીલ વીડિયો અને ગેરકાયદે ટ્રાન્ઝેક્શનમાં થયો છે. એટલું જ નહીં ધરપકડનો ડર બતાવીને ઠગે સતત વીડિયો કોલથી તેના પર નજર રાખી હતી અને રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયામાં તપાસ કરવાના બહાને તેની પાસેથી ઓનલાઈન કુલ 16,18,300 રૂપિયા પડાવી લીધા હતા. આ અંગે વૃદ્ધને જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
બાળકોના અશ્લીલ વીડિયો અને કરોડોના મની લોન્ડરિંગનો બતાવ્યો ડર
મળતી માહિતી અનુસાર, સિંગરવામાં રહેતા 73 વર્ષીય નિવૃત્ત પ્રોફેસર સાથે ડિજિટલ અરેસ્ટના નામે 16.18 લાખનો ફ્રોડ થયો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે. નિવૃત્ત પ્રોફેસરને ગત 29મી ઓગસ્ટે તેને અજાણ્યા નંબર પરથી ચિરાગ રાવત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે પોતાની ઓળખ બનારસ પોલીસ હેડ ઓફિસના પોલીસ અધિકારી તરીકે આપી હતી અને ફરિયાદીના આધારકાર્ડથી મોબાઇલ નંબર રજિસ્ટર હોવાનું જણાવ્યું હતું. આ નંબરથી બૅંકમાં ખાતું ખોલાવી કરોડો રૂપિયાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થયા હોવાનું તેજ બાળકોના અશ્લીલ વીડિયો અને ગેરકાયદે ગેમ્બલિંગ જેવી પ્રવૃત્તિમાં તેમનું નામ સંડોવાયેલું હોવાનું કહી તેની સામે ગુનો નોંધાયો હોવાનું કહ્યું હતું.
ATS નામે યુનિફોર્મ પહેરી વીડિયો કોલથી રાખવામાં આવી નજર
ત્યારબાદ વોટ્સએપ પર પ્રેમ ગૌતમ નામના વ્યક્તિનો વીડિયો કોલ આવ્યો હતો. પોલીસના યુનિફોર્મમાં આ વ્યક્તિએ પોતાની ઓળખ ATSના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી. તેણે ફરિયાદીને કહ્યું હતું કે આ કેસમાં તેમની ધરપકડ થઈ શકે છે, પરંતુ તેમની ઉંમર વધારે હોવાથી વીડિયો કોલ મારફતે ઘરે બેસીને ઇન્વેસ્ટિગેશન કરાવી શકાય છે. આરોપીઓએ ફરિયાદીને કોઈને આ અંગે જાણ ના કરવા પણ કહ્યું હતું અને સતત વોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરીને તેના પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. 31મી ઓગસ્ટે ઠગે ફરિયાદી પાસેથી અલગ અલગ બૅંક એકાઉન્ટની વિગતો અને બૅંક સ્ટેટમેન્ટ મંગાવ્યા હતા, જે ફરિયાદીએ વોટ્સએપમાં મોકલ્યા હતા.
RBIમાં તપાસના બહાને 16.18 લાખ ટ્રાન્સફર કરાવ્યા
પહેલી 1 સપ્ટેમ્બરે ઠગે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે ફરિયાદીના બૅંક ખાતામાં રહેલા રૂપિયાનું રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયામાંથી ચેકિંગ કરાવવાનું હોવાનું કહી રૂપિયા પાછા મળી જશે તેવી ખાતરી આપી હતી. ઠગે આપેલા બૅંકના મનીષ ટ્રેડર્સના ખાતામાં RTGSથી કુલ 11,03,000 રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રૂપિયામાં યુનિયન બૅંક ઓફ ઇન્ડિયાના એકાઉન્ટમાંથી 5,00,000 અને બૅંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી 6,03,000 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજી સપ્ટેમ્બરે 5,15,300 રૂપિયા યસ બૅંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આ રીતે કુલ 16,18,300 ટ્રાન્સફર કરાવ્યા બાદ ઠગે રિઝર્વ બૅંક ઓફ ઇન્ડિયાના નામે ફેક રસીદ પણ વોટ્સએપ પર મોકલી હતી.
નકલી NOC મોકલ્યા બાદ સંપર્ક કાપી નાખ્યો, ફરિયાદ નોંધાઈ
એટલું જ નહીં ઠગે ફરિયાદી સાથે સતત વોટ્સએપ કોલથી ઇન્વેસ્ટિગેશન ચાલુ હોવાનું જણાવ્યું હતું. પાંચમી સપ્ટેમ્બરે અન્ય વોટ્સએપ નંબર પરથી પણ પ્રેમ ગૌતમ તરીકે ઓળખ આપી ફરિયાદીને કોલ કરવામાં આવ્યો હતો. અંતે નવમી સપ્ટેમ્બરે ઇન્વેસ્ટિગેશન પૂરું થઈ ગયું હોવાનું કહી ફરિયાદીને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના નામે બનાવટી NOC મોકલવામાં આવી હતી. ત્યારબાદ ઠગના મોબાઇલ નંબરો પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા કોઈ જવાબ મળ્યો ન હતો. જેથી ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયાની જાણ થઈ હતી અને તેમણે પત્ની તથા પુત્રને સમગ્ર ઘટનાની જાણ કરી ફરિયાદ નોંધાવી હતી.




