દોશીવાડાની પોળમાં જૈન વિદ્યાશાળામાં 14મી સદીના હજારો હસ્તપ્રતોમાં સંગ્રહિત જ્ઞાન વારસાને ફરી વિકસાવવાનો પ્રયાસ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jain Literature: ભાવિ પેઢી માટે અમૂલ્ય જ્ઞાન વારસાનું સંરક્ષણ અને સંવર્ધન કરવું જરૂરી બની ગયું છે ત્યારે માણેક ચોક પાસે દોશીવાડાની પોળમાં આવેલી સુબાજી રવચંદ જયચંદ જૈન વિદ્યાશાળામાં સદીઓ જૂની હસ્તપ્રતોનો સંગ્રહ છે. વિક્રમ સંવત 1934માં 23 વર્ષની ઉંમરે દીક્ષાગ્રહણ કરનારા વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી મહારાજ)એ 82 વર્ષ સુધીના દીક્ષાકાળ દરમિયાન હસ્તપ્રત સ્વરૂપે સર્જન કરેલા અને જૂના જ્ઞાન વારસાને સંરક્ષિત કરેલા 400થી 500 ગ્રંથો આજ સુધી પ્રકાશમાં આવ્યા નથી.
જૈન મુનિવરોની એક ટીમ હસ્તપ્રતોની કાળજીપૂર્વક ચકાસણી કરી રહી છે
બાપજી મહારાજ 25 ઓક્ટોબર 1959માં કાળધર્મ પામ્યા ત્યારથી વિદ્યાશાળામાં સચવાયેલી હજારો હસ્તપ્રતોની ભાષાઓ ઉકેલીને તેનું કોડિંગ કરીને આવનારી પેઢી માટે ડિજિટલાઈઝેશન કરવાનું કાર્ય ચાલે છે. જેમાં લિપિ, ક્રમાંક, ભંડારનો કોડ નંબર, પ્રત નંબર, પેટા નંબર, ગ્રંથના કર્તા, સર્જનનું વર્ષ, ક્યાં સ્થળે લખાઈ, કૃતિની ભાષા, ગ્રંથની પ્રથમ પંક્તિ અને છેલ્લી પંક્તિ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કોઈ લખાણનું પાનું છૂટી ગયું હોય કે ગૂમ હોયતો તેની પણ કાળજીપૂર્વક નોંધ કરવામાં આવે છે. વર્ષો પછી જ્યારે પણ આ હસ્તપ્રતો પર રિસર્ચ થશે ત્યારે સુલભ રીતે વાંચી શકે તે માટે હાઈ રિઝોલ્યુશન પીડીએફ તૈયાર કરવામાં આવે છે. આ અંગેનું 50થી 60 ટકા જેટલું કાર્ય પૂર્ણ થયું છે.
હસ્તપ્રતોનું લખાણ સંસ્કૃત, પ્રાકૃત અને દેવનાગરી લિપિમાં છે
બાપજી મહારાજની સાધુ પરંપરાના ગચ્છાધિપતિ નરરત્નસૂરિશ્વરજી મહારાજની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ મુનિવરોની એક ટીમ તથા શ્રાવકોની એક ટીમ સાથે મળીને 25થી વધુ વિષયો પરની હસ્તપ્રતોની કાળજીપૂર્વક ચકાસણી કરી રહી છે. આ અંગે વાત કરતા નરરત્નસૂરિશ્વરજી મહારાજ કહે છે, આ હસ્તપ્રતોમાં ભગવાન મહાવીરે આપેલા ઉપદેશ અને તત્વદર્શનથી માંડીને ભારતીય સંસ્કૃતિ અને ઘણાં ધર્મ અને ગ્રંથોનો સમાવેશ થાય છે. હસ્તપ્રતોનું લખાણ સંસ્કૃત, પ્રાકૃત અને દેવનાગરી લિપિમાં છે. હકીકતમાં તો માત્ર જૈન ધર્મ જ નહીં ભારતીય પરંપરાના ભવ્ય વારસાના રિડેવલપમેન્ટનું કાર્ય છે. શુદ્ધ સ્વરૂપની અ પ્રકાશિત હસ્તપ્રતોમાં અવતરિત જ્ઞાન ભાવિ પેઢીને દિશા દર્શન આપે તે માટેનો આ પ્રયાસ છે.
કાગળની આવરદા વધારવા કોપરેલ તેલ અને અકીક પથ્થરનો ઉપયોગ થતો
પ્રાચીન સમયમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી ન હતી ત્યારે જ્ઞાનને અક્ષર સ્વરૂપે તાડપત્રો પર ઉતારવામાં આવતું હતું. આધુનિક યુગમાં પુંઠાવાળા કાગળની શોધ થઈ તેના પણ પાના વળી ને તૂટી જતા હતા. જ્યારે આ હસ્તપ્રતોનો સાંગાનેરી કાગળ બાપજી મહારાજે દીર્ઘ દ્રષ્ટિ રાખીને લાંબા સમય સુધી ટકી શકે તેવી કાળજી રાખી હતી. ખાસ કાગળ કોપરેલ તેલ લગાડીને, અકીકના પથ્થરથી ઘસીને લીસો કરવામાં આવતો જેથી કરીને કાગળની આવરદા લાંબો સમય સુધી રહેતી હતી. આ ખાસ કાગળ પર લહિયાઓ અક્ષર લખતા હતા. 14મી સદી સુધીની હસ્તપ્રતોની લિપિનું લિપિઅંતર કરીને વર્તમાન ભાષાને અનુરૂપ તૈયાર કરવામાં આવે તો એક સમૃદ્ધ જ્ઞાન વારસો પ્રાપ્ત થઈ શકે તેમ છે.
હસ્તપ્રતોને પોથીમાંથી ખોલવી અને બંધ કરવી એ પણ એક કળા
હસ્તપ્રતો લાંબી, ટૂંકી, લાંબા રોલથી માંડીને વિવિધ પ્રકારની જોવા મળે છે. પહેલાના સમયમાં ઉધઈ કે જીવજંતુ તેને ખોતરીને બગાડે નહીં તે માટે ખાસ પ્રકારના લાકડાના બોક્સ (ડાબડા)માં રાખવામાં આવતી હતી. ઘોડા વજ, તમાકુના પાન, તજ, લવિંગમાંથી ઔષધ પડીકી તૈયાર કરવામાં આવી હોવાથી હસ્તપ્રતો સુરક્ષિત રહી શકી છે. આ હસ્તપ્રતોને તો પોથીમાંથી કાળજીપૂર્વક ખોલવી અને બંધ કરવી એ પણ એક કળા છે. હસ્તપ્રતોનું ડિજિટલાઈઝેશન થયા પછી વર્ષો સુધી સુરક્ષિત રહી શકે તેવી રીતે બાંધવામાં આવે છે. વિદ્યાશાળાના ટ્રસ્ટીશ્રી દેવલભાઈએ હસ્તપ્રતોના ભગીરથ કાર્ય માટે સહકાર અને સહયોગ આપ્યો છે.









