Ahmedabad

ચોમાસામાં AMCનું મેગા એક્શન ! અસુરક્ષિત બાંધકામ સાઇટ્સ પર તવાઈ, 11 સાઇટ્સનું કામ અટકાવ્યું

By GS Team
25 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ચોમાસા પૂર્વે AMC દ્વારા નાગરિકોની સલામતી માટે મેગા ચેકિંગ હાથ ધરાયું છે. શહેરભરની 166 ચાલુ બાંધકામ સાઇટ્સની સઘન તપાસ કરાઈ, જેમાં બેઝમેન્ટ બાંધકામો પર વિશેષ ધ્યાન અપાયું. સલામતી નિયમોનું પાલન ન કરતી 11 સાઇટ્સને રજાચિઠ્ઠી આપી કામ બંધ કરાવાયું છે. ભવિષ્યમાં પણ આવા અભિયાન ચાલુ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચોમાસામાં AMCનું મેગા એક્શન ! અસુરક્ષિત બાંધકામ સાઇટ્સ પર તવાઈ, 11 સાઇટ્સનું કામ અટકાવ્યું

AMC Monsoon Action : અમદાવાદમાં ચોમાસા દરમિયાન નાગરિકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરભરની ચાલુ બાંધકામ સાઇટ્સ પર વિશેષ મેગા ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને બેઝમેન્ટ લેવલે ચાલી રહેલા બાંધકામોમાં વરસાદી પરિસ્થિતિ વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાય નહીં તે માટે સઘન નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુલ 166 બાંધકામ સાઇટ્સની તપાસ દરમિયાન નિયમોનું પાલન ન કરતી 11 સાઇટ્સ સામે કડક કાર્યવાહી કરીને રજાચિઠ્ઠી (સ્ટોપ વર્ક) આપવામાં આવી છે.

166 સાઇટ્સ પર સઘન ચકાસણી, સલામતી વ્યવસ્થાની ઝીણવટભરી તપાસ

AMC દ્વારા હાથ ધરાયેલા અભિયાન અંતર્ગત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 45, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 30, પશ્ચિમ ઝોનમાં 27, મધ્ય ઝોનમાં 2, ઉત્તર ઝોનમાં 18, પૂર્વ ઝોનમાં 35 અને દક્ષિણ ઝોનમાં 9 સહિત કુલ 166 ચાલુ બાંધકામ સાઇટ્સનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બેરિકેડિંગ, સ્ટ્રટિંગ (Strutting), ડી-વોટરિંગ પંપિંગ સિસ્ટમ, લેબર કોલોનીની સુરક્ષા, બેઝમેન્ટની સલામતી તેમજ સ્થળ પર એન્જિનિયર અને સુપરવાઇઝર દ્વારા કરવામાં આવતી દેખરેખ સહિત તમામ જરૂરી વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.

નિયમોનું ઉલ્લંઘન કરનાર 11 સાઇટ્સ સામે કડક કાર્યવાહી

ચકાસણી દરમિયાન સલામતીના નિયમોનું પાલન ન કરતી કુલ 11 બાંધકામ સાઇટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સંબંધિત ડેવલપર, એન્જિનિયર અને ક્લાર્ક ઓફ વર્ક્સને શો-કોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે તેમજ પૂરતી સલામતી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કામ સ્થગિત રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. પશ્ચિમ ઝોનની 5, દક્ષિણ-પશ્ચિમ ઝોનની 3, ઉત્તર-પશ્ચિમ ઝોનની 2 અને ઉત્તર ઝોનની 1 સાઇટ સહિત કુલ 11 સાઇટ્સ સામે રજાચિઠ્ઠી આપવામાં આવી છે.

ચોમાસામાં બેઝમેન્ટ બાંધકામ પર AMCની વિશેષ નજર

AMCના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન ખાસ કરીને બેઝમેન્ટ લેવલે ચાલી રહેલા બાંધકામો સૌથી વધુ જોખમી બની શકે છે. તેથી આવી સાઇટ્સ પર સલામતીના તમામ માપદંડોનું કડક પાલન થાય તે માટે નિયમિત નિરીક્ષણ ચાલુ રાખવામાં આવશે. જાહેર આરોગ્ય અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં પણ આવા સઘન ચેકિંગ અભિયાન વધુ કડક રીતે ચાલુ રહેશે.