અમદાવાદ: કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં લાલિયાવાડી, નાગરિકોને 2 મહિના સુધી જવાબ નથી મળતો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Property Tax: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડોની આવક કરાવતા પ્રોપર્ટી ટેક્સ વિભાગની કામગીરી સામે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં જ સવાલો ઊઠ્યા છે. નાગરિકો દ્વારા કરવામાં આવતી સામાન્ય અરજીઓનો નિકાલ કરવામાં બે-બે મહિના સુધીનો સમય લાગતો હોવાની ફરિયાદ બાદ હવે ટેક્સ વિભાગને દરેક અરજીનો 7 દિવસમાં જવાબ આપવા અને સમયમર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે.
AMCના ટેક્સ વિભાગમાં લાલિયાવાડી
આ મામલે નામ ટ્રાન્સફર, ટેક્સની રકમમાં વધારો, ટેક્સ ભર્યા બાદ પણ બાકી રકમ દર્શાવવી, મિલકતના માપમાં ફેરફાર અથવા ટેક્સ ફેક્ટરમાં સુધારા જેવી બાબતો માટે અરજદારોને વારંવાર કચેરીના ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સી કે કોન્ટ્રાક્ટરની સાઇટ પર ગંદકી, સીએન્ડડી વેસ્ટ અથવા મચ્છરના પોરા મળી આવે તો તેમને પણ દંડ કરવાની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને સૂચના આપી છે. આ સાથે જ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પરના બૂમ બેરિયરનું ચેકિંગ અને મેઇન્ટેનન્સ કરાવવા પણ તાકીદ કરવામાં આવી છે.
પ્રોપર્ટી ટેક્સ વિભાગને કોર્પોરેશનનો મહત્ત્વનો આવકનો સ્ત્રોત માનવામાં આવે છે. તેમ છતાં નાગરિકોને ટેક્સ સંબંધિત નાની-મોટી સમસ્યાઓના ઉકેલ માટે લાંબો સમય રાહ જોવી પડતી હોવાની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં થઈ હતી. અરજી કર્યા પછી સમયસર જવાબ ન મળતો હોવાથી અરજદારોને એક જ કામ માટે વારંવાર કચેરીમાં જવું પડતું હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી.
કઈ અરજીઓમાં વધુ વિલંબ?
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલના જણાવ્યા મુજબ, મિલકતના નામમાં ફેરફાર કરાવવો હોય, ટેક્સની ગણતરીમાં વધારો થયો હોય, ટેક્સ ચૂકવ્યા પછી પણ બિલમાં બાકી રકમ દેખાતી હોય અથવા મિલકતના માપમાં તફાવત હોય તેવા કિસ્સામાં નાગરિકો અરજી કરે છે. આ ઉપરાંત ટેક્સના ફેક્ટરમાં ફેરફાર સહિતની બાબતો માટેની અરજીઓ પણ ટેક્સ વિભાગમાં કરવામાં આવે છે.
આવી અરજીઓનો જવાબ સમયસર ન મળતો હોવાને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદને પગલે વિભાગને હવે પ્રક્રિયા ઝડપી બનાવવા જણાવાયું છે. અરજી મળ્યા બાદ મહત્તમ સાત દિવસમાં અરજદારને યોગ્ય જવાબ મળી જાય અને શક્ય હોય ત્યાં સુધી અરજીનો નિકાલ પણ થઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.
કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરોની સાઇટ પણ તપાસાશે
અમદાવાદને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન ઉપરાંત બાંધકામ અને ડિમોલિશનમાંથી નીકળતા સીએન્ડડી વેસ્ટનો ગેરકાયદે નિકાલ કરનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવે છે. બાંધકામ સાઇટ પર ગંદકી હોય અથવા મચ્છરના પોરા જોવા મળે તો સંબંધિત કોન્ટ્રાક્ટર કે ડેવલપર સામે દંડાત્મક કાર્યવાહી કરવાની જોગવાઈ છે.
હવે કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ પ્રોજેક્ટનું કામ કરતી એજન્સીઓ અને કોન્ટ્રાક્ટરોની સાઇટ પર પણ આ જ પ્રકારના નિયમો લાગુ કરવાની સૂચના આપવામાં આવી છે. તેમની સાઇટ પર ગંદકી જોવા મળે, સીએન્ડડી વેસ્ટ ગમે ત્યાં નાખવામાં આવ્યો હોય અથવા મચ્છરના પોરા મળી આવે તો સંબંધિત એજન્સી કે કોન્ટ્રાક્ટર સામે દંડ સહિતના શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
બીઆરટીએસના બૂમ બેરિયરનું મેઇન્ટેનન્સ થશે
બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર મુસાફરોની સલામતી અને વ્યવસ્થા માટે અગાઉ લગાવવામાં આવેલા બૂમ બેરિયર યોગ્ય રીતે કાર્ય કરતા ન હોવાની ફરિયાદ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવી હતી. કેટલીક જગ્યાએ બસ આવતી વખતે બૂમ બેરિયરના દરવાજા સમયસર ન ખુલતા હોવાની રજૂઆત થઈ હતી.
ફરિયાદને ધ્યાનમાં લઈને શહેરના તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર લગાવવામાં આવેલા બૂમ બેરિયરની કામગીરી તપાસવા અને જ્યાં ખામી હોય ત્યાં જરૂરી મેઇન્ટેનન્સ કરાવવા સંબંધિત વિભાગને સૂચના આપવામાં આવી છે.




