Ahmedabad

AMCના અધિકારીઓ નિયમો ઘોળીને પી ગયા! સાઇટ ક્લિયર ન હતી તો વર્ક ઓર્ડર કેમ અપાયો? રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને સ્પષ્ટતા માગી

By GS Team
28 Aug 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધીના ફ્લાયઓવર બ્રિજનું કામ જુલાઈ 2026માં પૂર્ણ થવાનું હતું, પરંતુ જમીન સંપાદન અને યુટિલિટી મેપિંગના અભાવે 1 વર્ષ લંબાવાયું છે. AMCના નિયમ વિરુદ્ધ ફાઇનલ ડ્રોઇંગ પહેલાં વર્ક ઓર્ડર કેવી રીતે અપાયો તે અંગે રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી લેખિત ખુલાસો માંગ્યો છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી છતાં 50 લાખની પેનલ્ટી પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCના અધિકારીઓ નિયમો ઘોળીને પી ગયા! સાઇટ ક્લિયર ન હતી તો વર્ક ઓર્ડર કેમ અપાયો? રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ચેરમેને સ્પષ્ટતા માગી

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધી બનાવાઈ રહેલા ફ્લાયઓવર બ્રિજનું કામ જુલાઈ 2026માં પૂર્ણ થવાનું હતું, પરંતુ જમીન સંપાદન, ડ્રેનેજ-વોટર લાઇન જેવી યુટિલિટીના યોગ્ય મેપિંગના અભાવ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સહિતના કારણોસર પ્રોજેક્ટને એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. બીજી તરફ, AMCના પોતાના નિયમ મુજબ સંપૂર્ણ સાઇટ ક્લિયરન્સ, અડચણમુક્ત વર્ક ફ્રન્ટ, યુટિલિટી મેપિંગ અને સ્પષ્ટ ફાઇનલ ડ્રોઇંગ ઉપલબ્ધ ન હોય ત્યાં સુધી વર્ક ઓર્ડર આપવાનો નથી. આમ છતાં આ તમામ બાબતો પૂર્ણ થયા પહેલાં વર્ક ઓર્ડર કેવી રીતે અપાયો તે અંગે હવે સવાલો ઊભા થયા છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન ડૉ. જૈનિક વકીલે આ મુદ્દે બ્રિજ પ્રોજેક્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી વર્ક ઓર્ડર આપવાની પ્રક્રિયા, 556 દિવસના વિલંબ, કોન્ટ્રાક્ટરની 185 દિવસની જવાબદારી અને રૂ. 50 લાખની પેનલ્ટી નક્કી કરવાની જોગવાઈ સહિતના મુદ્દે લેખિત સ્પષ્ટતા માગી છે.

AMCના નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધીના ફ્લાયઓવરનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. જો કે, કામગીરી દરમિયાન જમીન સંપાદન અને વિવિધ યુટિલિટી લાઇનો અંગેની સમસ્યાઓ ઊભી થતાં કામની ગતિ પર અસર પડી હતી. ડ્રેનેજ લાઇન અને વોટર લાઇન સહિતની યુટિલિટીની સ્થિતિ અંગે પૂરતું અને યોગ્ય મેપિંગ ન હોવાના કારણે પણ કામગીરીમાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું છે.

નિયમ હોવા છતાં ફાઇનલ ડ્રોઇંગ પહેલાં વર્ક ઓર્ડર કેમ?

AMCની નીતિ મુજબ, કોઈપણ કામ માટે વર્ક ઓર્ડર આપતા પહેલાં સંપૂર્ણ સાઇટ ક્લિયરન્સ, અડચણમુક્ત વર્ક ફ્રન્ટ, જરૂરી યુટિલિટીનું મેપિંગ તથા સ્પષ્ટ ડ્રોઇંગ ઉપલબ્ધ હોવું જરૂરી છે. નરોડા બ્રિજના કિસ્સામાં આ પ્રક્રિયાનું પાલન થયું હતું કે કેમ તે અંગે ચેરમેન ડૉ. જૈનિક વકીલે સવાલ ઉઠાવ્યો છે. ખાસ કરીને ફાઇનલ ડ્રોઇંગ તૈયાર થયા પહેલાં વર્ક ઓર્ડર કયા આધારે આપવામાં આવ્યો તેની સ્પષ્ટતા માગવામાં આવી છે.

GFC અને આર. એન્ડ. બી. મંજૂરીમાં 556 દિવસનો વિલંબ

બ્રિજ પ્રોજેક્ટમાં GFC ડ્રોઇંગ અને આર. એન્ડ. બી. એપ્રુવલ મેળવવામાં કુલ 556 દિવસનો વિલંબ દર્શાવવામાં આવ્યો છે. આટલા લાંબા વિલંબ અંગે જવાબદારી નક્કી કરવામાં આવી છે કે નહીં અને આ વિલંબને સમર્થન આપતું લેખિત પ્રમાણપત્ર લેવામાં આવ્યું છે કે કેમ તે અંગે પણ કમિટીના ચેરમેને જવાબ માગ્યો છે. આ ઉપરાંત ડિઝાઇન કન્સલ્ટન્ટની ભૂમિકા હોય તો તેની સામે ટેન્ડરની શરતો મુજબ કોઈ પેનલ્ટી અથવા જવાબદારી નક્કી કરવામાં આવી છે કે કેમ તે પણ પૂછવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટરની 185 દિવસની બેદરકારી, છતાં રૂ. 50 લાખની પેનલ્ટી

પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરના કારણે 185 દિવસનો વિલંબ થયો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે ટેન્ડરની શરતો મુજબ વિલંબ બદલ લાગુ પડતી LD પેનલ્ટી વસૂલવાને બદલે માત્ર 50 લાખ રૂપિયાની પેનલ્ટી કયા નિયમ અથવા શરતના આધારે નક્કી કરવામાં આવી તે અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે. કોન્ટ્રાક્ટરની ભૂલને કારણે થયેલા વિલંબના સમયગાળા દરમિયાન કોન્ટ્રાક્ટરને ભાવ વધારો ચૂકવવાનો થાય કે નહીં, તે અંગેની ટેન્ડરની જોગવાઈ પણ રજૂ કરવા જણાવાયું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ખાંડના ભાવ નિયંત્રણમાં લાવવા પુરવઠા વિભાગની સ્ટોક લિમિટની તપાસ, સંગ્રહખોરી અને કાળાબજારી કરનારા વેપારીઓમાં ફફડાટ

જમીન ક્લિયરન્સથી ટ્રાફિકની સમસ્યા વકરતી

નરોડા વિસ્તારમાં બ્રિજની કામગીરી લાંબી ખેંચાતા દૈનિક ટ્રાફિક પર તેની સીધી અસર પડી રહી છે. જમીન સંબંધિત ક્લિયરન્સ, ઈજનેર વિભાગની કામગીરી અને કોન્ટ્રાક્ટરની બેદરકારી જેવા વિવિધ કારણોસર પ્રોજેક્ટમાં વિલંબ થતાં નરોડા પાટિયા અને આસપાસના વિસ્તારમાં વાહનચાલકોને ટ્રાફિકની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે કમિટીના ચેરમેન દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતા બાદ બ્રિજના વિલંબ માટે ખરેખર જવાબદાર કોણ અને AMCના નિયમોનું પાલન કર્યા વિના વર્ક ઓર્ડર કેમ આપવામાં આવ્યો તે મુદ્દે સ્થિતિ સ્પષ્ટ થવાની શક્યતા છે.