Ahmedabad

AMCની પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી, ડ્રેનેજનું કામ કરતી વખતે પણ સાઇન બોર્ડ ના મૂકતા વાહન ચાલકો અટવાયા

By GS Team
30 Jun 20263 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ચોમાસા પૂર્વે AMCના પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખુલી છે. શ્યામલ પાસે બિલેશ્વર મહાદેવથી 100 ફૂટ રોડ પર ગટર ચેમ્બરના રિપેરિંગ માટે મોટો ખાડો ખોદાયો છે. 6 મહિનાથી સ્થાનિકોની ફરિયાદ છતાં, તંત્રએ છેલ્લી ઘડીએ કામ શરૂ કર્યું. ડાયવર્ઝન કે સાઇનબોર્ડ ન હોવાથી વાહનચાલકોને હાલાકી અને ટ્રાફિક જામ સર્જાય છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તપાસ અને તાત્કાલિક વ્યવસ્થા સુધારવાની ખાતરી આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AMCની પ્રિ-મોન્સૂન કામગીરીમાં બેદરકારી, ડ્રેનેજનું કામ કરતી વખતે પણ સાઇન બોર્ડ ના મૂકતા વાહન ચાલકો અટવાયા

AMC Pre Monsoon Work Negligence: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાની પોલ ખૂલી ગઈ છે. તંત્ર દ્વારા છેલ્લી ઘડીએ જાગીને શ્યામલ પાસે બિલેશ્વર મહાદેવથી 100 ફૂટ રોડ તરફ જતા રસ્તા પર ગટરની ચેમ્બરના રિપેરિંગ માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. આટલી મોટી કામગીરી ચાલતી હોવા છતાં તંત્ર દ્વારા ડાયવર્ઝન કે સાઇનબોર્ડ મૂકવાની તસ્દી લેવાઈ નથી, જેના કારણે વાહન ચાલકો અડધે રસ્તેથી યુ-ટર્ન લેવા મજબૂર બન્યા છે, જેના કારણે ટ્રાફિક જામના દૃશ્યો સર્જાય છે. જો કે, આ મુદ્દે સ્થાનિકોનો દાવો છે કે તેઓ છેલ્લા છ મહિનાથી ફરિયાદ કરતા હતા. બીજી તરફ, અધિકારીઓ ત્રણ દિવસ પહેલાં જ જાણ થઈ હોવાનું કહી રહ્યા છે.

કોર્પોરેટરને જાણ પણ કરી હોવાનો સ્થાનિકોનો દાવો
ગુજરાત સમાચાર ડિજિટલે આ સ્થળની મુલાકાત લઈને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. લોકોના જણાવ્યા અનુસાર, છેલ્લા છ મહિનાથી અહીં રોડની નીચે ચેમ્બર બેસી જવાથી બ્રેકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી, જે અંગે તેમણે સ્થાનિક કોર્પોરેટરને પણ જાણ કરી હતી. જો કે, કોર્પોરેશન દ્વારા હવે ખાડો ખોદીને આ ચેમ્બર બનાવવાની કામગીરી ત્રણ દિવસથી શરૂ કરાઈ છે. બીજી તરફ, આ કામગીરી અંગે કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે, રૂટિન વિઝિટ દરમિયાન તેમને અહીં બ્રેકડાઉન હોવાનું જાણવા મળ્યું હતું, જેને પગલે તાત્કાલિક ખાડો ખોદીને ચેમ્બર બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. હવે રસ્તાની બંને બાજુ સાઇનબોર્ડ મૂકાશે, જેથી લોકોને અધવચ્ચેથી પાછા વળવું ન પડે. હજુ આ કામગીરી આગામી ચારેક દિવસ ચાલશે.

‘ડ્રેનેજના કામમાં વધુ સમય લાગવો ગંભીર બાબત’
આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલને સવાલ કરાયો હતો. જેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ડ્રેનેજનો પ્રશ્ન આટલો મોટો હોય અને કામગીરીમાં આટલો લાંબો સમય લાગ્યો હોય તો તે ગંભીર બાબત કહેવાય. હું આ વિષયે 100 ટકા તપાસ કરાવીશ. વાહન ચાલકોની સુવિધા માટે ડાયવર્ઝન અને સાઇનબોર્ડ મૂકવા અંગે મેં સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી દીધી છે. આવતીકાલ સુધીમાં બધી વ્યવસ્થા થઈ જશે.’

સાઈન બોર્ડ મૂક્યા વિના કામ શરૂ દેવાયું હતું
આ અંગે દક્ષિણ-પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી એન્જિનિયર સંજય સુથારે કહ્યું હતું કે-


બિલેશ્વર મહાદેવથી 100 ફૂટ રોડ પર અંબિકા સ્ટોર પાસે ચેમ્બરનું જે બ્રેકડાઉન થયું છે, તેનું રિપેરિંગ કામ હાલ ચાલુ છે. સ્થાનિકોની છ મહિના પહેલાંથી જાણ હોવાની વાત સાચી નથી; અમને આ અંગે માત્ર ત્રણ-ચાર દિવસ પહેલાં જ ખબર પડી હતી અને તરત જ બેરિકેડ મૂકીને કામ શરૂ કરાવી દીધું છે. રસ્તો બ્લોક થવાથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને બંને બાજુ સાઇનબોર્ડ મુકાવી દઉં છું. આ એક મોટું મેન હૉલ હોવાથી કામ પૂરું થવામાં હજુ ચાર-પાંચ દિવસ જેટલો સમય લાગશે, પરંતુ અમે બને તેટલું ઝડપથી આ કામ પૂરું કરાવી દઈશું.

સ્થાનિકોનો આક્રોશ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને એટલી સમજ કેમ નથી કે, આટલા બધા ટ્રાફિક ધરાવતા વિસ્તારોમાં ડ્રેનેજ સહિતના કામ શરૂ કરતી વખતે વાહન ચાલકોની સુરક્ષા, ટ્રાફિક વગેરે ધ્યાનમાં રાખીને સાઈનબોર્ડ પહેલેથી મૂકવું જરૂરી જ છે, એમાં માંગ ના કરવાની હોય. એટલું જ નહીં, આ પ્રકારના કામ ઝડપથી પૂરા કરવા પણ જરૂરી છે. છેલ્લે રાહતની વાત એ છે કે રહી રહીને જાગેલા અમદાવાદ મનપાના તંત્રને આ ભોપાળાની જાણકારી મળતા હવે સાઈન બોર્ડ અને બેરીકેટ મૂકવાની તસ્દી લેવાની તૈયારી કરી છે.