સંપત્તિઓ વેચી તિજોરી ભરતું AMC, વધુ 11 પ્લોટ 1550 કરોડમાં વેચવા કાઢ્યા, જાણો ક્યાં કેટલો ભાવ?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AMC Plot Auction: અમદાવાદ શહેરમાં એસપી રિંગ રોડ પાસેના નવા ભળી રહેલા વિસ્તારો મ્યુનિસિપલ માટે જેકપોટ સમાન સાબિત થઈ રહ્યા છે. દસ વર્ષ અગાઉ જ્યાં ખેતરો અને ઉજ્જડ જમીન હતી તેવા વિસ્તારોના ખાલી પ્લોટ મ્યુનિસિપલ માટે હાલ સોનાની મરઘી જેવા બની ગયા છે. તેવામાં સોલા-થલતેજ, બોડકદેવ, મોટેરા સહિતના વિસ્તારોમાં 11 પ્લોટ વેચી મ્યુનિસિપલ 1550 કરોડ રૂપિયા પોતાની તિજોરીમાં ભરશે.
આ વિસ્તારમાં પ્રતિ ચોરસ મીટર ત્રણ લાખ સુધીનો ભાવ નક્કી કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા દસેક દિવસ અગાઉ ગોતા, આંબલી, જગતપુર સહિતના વિસ્તારોમાં 9 પ્લોટ વેચી એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરવાનું આયોજન કરાયું હતું. તેવામાં હવે સોલા-થલતેજ, મોટેરા, બોડકદેવ વગેરેના 11 પ્લોટ વેચવા કાઢ્યા છે. જેમાંથી 6 પ્લોટ શોપિંગ કોમ્પ્લેક્સ અને ઓફિસ તેમજ પાંચ પ્લોટ પર ફ્લેટ અને બંગલોઝ ઊભા કરાશે.

જેના માટે પ્રતિ ચોરસ મીટર તગડા ભાવ વસૂલાશે. જેમાં સૌથી વધુ બોડકદેવમાં રહેણાંક બનાવવા પ્રતિ ચોરસ મીટર 3.10 લાખ, જ્યારે સોલા, થલતેજ અને મોટેરા જેવા વિસ્તારોમાં પ્રતિ ચોરસ મીટર પોણા ત્રણ લાખ સુધીનો ભાવ વસૂલાશે. શહેરમાં ભળી રહેલા આ વિસ્તારોમાં ડ્રેનેજ, સ્ટોર્મવોટર લાઈન જેવી પ્રાથમિક સુવિધાઓ ક્યારે પહોંચશે? તે મોટો પ્રશ્ન છે. પરંતુ હાલ તો નવા વિકસતા વિસ્તારોમાં મિલકતો વેચી મ્યુનિસિપલ પોતાની તિજોરી ભરી રહ્યું છે. પંદર જ દિવસમાં કુલ 2550 કરોડ રૂપિયાના પ્લોટ વેચવા કાઢ્યા છે.




