VIDEO: અમદાવાદમાં ફેમસ દાળવડા સેન્ટરનું તેલ ખરાબ, જુહાપુરાની રેસ્ટોરન્ટમાં ગંદુ રસોડું, ફૂડ વિભાગે 4 એકમો સીલ કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad AMC Food Department Seals 4 Units: અમદાવાદમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઘીમાં ભેળસેળની શંકા, રસોડામાં અસ્વચ્છતા, વપરાયેલા તેલમાં નિયત મર્યાદા કરતાં વધુ TPC(ટોટલ પોલર કમ્પાઉન્ડ્સ) અને એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો મળી આવતાં 4 ખાદ્ય એકમોને સીલ કરવામાં આવ્યા છે.
ફૂડ વિભાગે 4 એકમો સીલ કર્યા
શહેરના ચાણપુરના શ્રીજી ડેરી પાર્લરમાં તપાસ દરમિયાન ચોખ્ખા ઘીના નામે વેજીટેબલ ફેટ વેચવામાં આવતી હોવાની શંકા સામે આવી હતી. અગાઉ લેવામાં આવેલા ઘીના નમૂનામાં પણ વેજીટેબલ ફેટ મળી આવી હોવાનું જણાવાયું છે. આ મામલે ડેરી પાર્લરને સીલ કરવામાં આવ્યું હતું.
જુહાપુરાના રેસ્ટોરન્ટનું રસોડું અસ્વચ્છ મળ્યું
જુહાપુરાના મજલિસ રેસ્ટોરન્ટમાં તપાસ દરમિયાન રસોડામાં સ્વચ્છતાની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું હતું. ફૂડ સેફ્ટીના શેડ્યુલ-4 મુજબ હાઇજીન અને સેનિટેશનના નિયમોનું પાલન ન થતું હોવાનું જણાતાં રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યું હતું.
દાળવડા સેન્ટરના તેલમાં TPC 32.1%
ઇસનપુરના રાજસ્થાન દાળવડા સેન્ટરમાં વપરાયેલા રસોઈના તેલની તપાસ કરવામાં આવતા TPCનું પ્રમાણ 32.1% નોંધાયું હતું. નિયમ મુજબ વપરાયેલા રસોઈના તેલમાં TPCનું પ્રમાણ 25%થી વધુ હોય તો તેનો ખાદ્ય પદાર્થો બનાવવા માટે ઉપયોગ કરી શકાતો નથી. આ મામલે એકમને સીલ કરવામાં આવ્યું હતું.
રાણીપમાં એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો મળ્યા
રાણીપના શાંતિનાથ જૈન ગૃહ ઉદ્યોગમાં મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો મળી આવતાં એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાદ્ય એકમોમાં તપાસ ચાલુ રહેશે
ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ખાદ્ય એકમોમાં તપાસ ચાલુ રાખવામાં આવશે. તપાસ દરમિયાન FSSAI લાયસન્સ અથવા રજિસ્ટ્રેશન, સ્વચ્છતા અને સેનિટેશન, ખાદ્ય પદાર્થોના સંગ્રહની વ્યવસ્થા, એક્સપાયર્ડ ખાદ્ય પદાર્થો તથા રસોઈના તેલની ગુણવત્તા સહિતની બાબતો ચકાસવામાં આવશે.
તંત્ર દ્વારા ખાદ્ય એકમોને વપરાયેલા રસોઈના તેલનો યોગ્ય રીતે નિકાલ કરવા અને તેના ઉપયોગ તથા નિકાલનો રૅકોર્ડ જાળવવા પણ સૂચના આપવામાં આવી છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરનાર એકમો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.




