Ahmedabad

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર, 20 જ દિવસમાં ડેન્ગ્યુના 496 કેસો નોંધાયા: ઓગસ્ટ મહિનાની સરખામણીએ 37 ટકાનો ઉછાળો

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. AMCના આંકડા મુજબ, 2026માં 20 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 1,084 કેસ નોંધાયા છે, જેમાંથી સપ્ટેમ્બરમાં 496 કેસ થયા છે. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં 37% વધુ કેસ નોંધાયા છે. મેલેરિયાના 386 અને ઝેરી મેલેરિયાના 69 કેસ પણ જોવા મળ્યા છે. પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર, 20 જ દિવસમાં ડેન્ગ્યુના 496 કેસો નોંધાયા: ઓગસ્ટ મહિનાની સરખામણીએ 37 ટકાનો ઉછાળો

Ahmedabad Dengue-Malaria Cases: અમદાવાદમાં ચોમાસા બાદ મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)ના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, ખાસ કરીને ડેન્ગ્યુના કેસોમાં સપ્ટેમ્બર મહિનામાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2026માં 20 સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1,084 કેસ નોંધાયા છે. તેમાંથી ઓગસ્ટમાં 361 જ્યારે સપ્ટેમ્બરના માત્ર 20 દિવસમાં જ 496 કેસ નોંધાયા છે. એટલે કે આખો મહિનો પૂર્ણ થાય તે પહેલાં જ સપ્ટેમ્બરમાં ઓગસ્ટ કરતાં 135 વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. એટલે કે ગત મહિનાની સરખામણીએ 20 દિવસમાં જ 37 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર

આ જ સમયગાળામાં મેલેરિયાના ઓગસ્ટમાં 141 અને સપ્ટેમ્બર 20 સુધીમાં 70 કેસ નોંધાયા છે. ચિકનગુનિયાના ઓગસ્ટમાં 4 અને સપ્ટેમ્બર 20 સુધીમાં 7 કેસ નોંધાયા છે. જ્યારે ઝેરી મલેરિયાના છેલ્લા 20 દિવસમાં 22 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં 28 કેસ નોંધાયા હતા.

2026માં અત્યાર સુધી ડેન્ગ્યુના 1,084 કેસ

જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર 2026 સુધીમાં શહેરમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 1,084, સાદા મેલેરિયાના 386, ચિકનગુનિયાના 14 અને ઝેરી મલેરિયાના 69 કેસ નોંધાયા છે. 2025માં જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં ડેન્ગ્યુના 1,591, મેલેરિયાના 915, ચિકનગુનિયાના 19 અને ઝેરી મલેરિયાના 206 કેસ નોંધાયા હતા.

ડેન્ગ્યુ માટે ટેસ્ટિંગ ઓછી

જેવી રીતે ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે તેવી રીતે ડેન્ગ્યુ માટે કરવામાં આવતી ટેસ્ટિંગ ખૂબ જ ઓછી છે. 2026ના ઓગસ્ટમાં 13,820 ડેન્ગ્યુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે સપ્ટેમ્બરના 20 દિવસમાં ફક્ત 7,762 ટેસ્ટ કરાયા છે. જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર સુધીમાં કુલ 54,260 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

પાણી ભરાવાના સ્થળોની તપાસ અને પોરાનાશક કામગીરી

આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા માટે વિવિધ સ્થળોએ પોરાનાશક કામગીરી પણ કરવામાં આવી રહી છે. 2026માં 20 સપ્ટેમ્બર સુધીમાં 64,854 પાણીના નમૂના તપાસવામાં આવ્યા હતા અને 294 સ્થળે મચ્છરના પોરા મળી આવ્યા હતા.

આ ઉપરાંત, ક્લોરીન ટેસ્ટ અને ક્લોરીનની દવા સહિત પાણીની ગુણવત્તાની તપાસ પણ કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા 2026માં 20 સપ્ટેમ્બર સુધીમાં 4,51,351 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું આંકડામાં દર્શાવવામાં આવ્યું છે.

પાણીજન્ય રોગચાળાના કેસોમાં પણ ચિંતાજનક વધારોશહેરમાં મચ્છરજન્ય રોગચાળાની સાથે પાણીજન્ય રોગોના કેસોમાં પણ ચિંતાજનક વધારો નોંધાયો છે. 20 દિવસ દરમિયાન ઝાડા-ઊલટીના 140, કમળાના 48 અને ટાઈફોઈડના 172 કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે સપ્ટેમ્બર માસમાં પાણીના 4873 નમૂના લેવાયા હતા. જેમાંથી 13 સેમ્પલ અનફિટ જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષમાં અત્યાર સુધી લેવાયેલા પાણીના 64 હજારથી વધુ નમૂનાઓમાંથી કુલ 294 સેમ્પલ અનફિટ જાહેર થઈ ચૂક્યા છે.