અમદાવાદની રીક્ષા ગેંગએ તો ભારે કરી, SRP જવાનના ગળામાંથી જ સોનાની ચેઈન સેરવી લીધી, રામોલમાં મુસાફર લૂંટાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Auto Gang: અમદાવાદમાં મુસાફરોને રિક્ષામાં બેસાડી નજર ચૂકવી ચોરી કરવા તેમજ રસ્તામાં લૂંટી લેતી ગેંગ બેફામ બની છે. શાહીબાગ વિસ્તારમાં ગાંધીનગરથી પરીક્ષા આપી પરત ફરી રહેલા એસઆરપી જવાનનું ધ્યાન ભટકાવી 1 લાખ રૂપિયા કિંમતની સોનાની ચેઇન ચોરી લેવાઈ હતી. જ્યારે રામોલ રીંગ રોડ પર વાહનની રાહ જોતા ઊભેલા મુસાફરને બેસાડી 10,800 રૂપિયા રોકડા અને દસ્તાવેજો ભરેલું પર્સ લૂંટી લેવાયું હતું. શાહીબાગ પોલીસે ચોરી અને રામોલ પોલીસે લૂંટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શાહીબાગમાં એસઆરપી કોન્સ્ટેબરના ગળામાંથી ચેઈન ચોરાઈ
મૂળ ભુજના માધાપરના વતની અને હાલ રાજ્ય અનામત દળ (એસ.આર.પી.) જૂથ-10 વાલિયા (ભરૂચ) ખાતે આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 52 વર્ષીય કાનજી આહીર ભરૂચ જિલ્લા જેલ ખાતે તહેનાત છે. 19મી સપ્ટેમ્બરના રોજ તે હિન્દી વિષયની પરીક્ષા આપવા ગાંધીનગર આવ્યા હતા. પરીક્ષા પૂર્ણ કરી બપોરના સમયે હીબાગ ઘોડા કેમ્પ ખાતે આવેલ એસઆરપી કંપનીમાં જમ્યા બાદ સાંજના સમયે ભરૂચ જવા માટે ઘોડા કેમ્પ રોડ પર કાલુપુર જવા વાહનની રાહ જોઈ ઊભા હતા. આ દરમિયાન આવેલી એક રિક્ષામાં તે સવાર થયા હતા. રિક્ષામાં આગળ ચાલક અને પાછળની સીટ પર અન્ય ત્રણ મુસાફરો પહેલેથી બેઠા હતા.
રિક્ષા સિવિલ હોસ્પિટલ રોડ તરફ આગળ વધતાં જમણી બાજુ બેઠેલા પેસેન્જરો અવારનવાર આગળ-પાછળ થઈ અડચણ ઊભી કરવા લાગ્યા હતા. એક પેસેન્જરે પોતાને બેસવામાં ફાવતું નથી તેમ કહી કાનજીના પેન્ટના ખિસ્સા અને ખભા પર હાથ મૂકી ધ્યાન ભટકાવ્યું હતું. રિક્ષા સિવિલ સામે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક પહોંચતા જ ચાલકે તેને નીચે ઉતારી દીધા હતા. રિક્ષા રવાના થયા બાદ તપાસ કરતાં ગળામાં પહેરેલી આશરે એક તોલાની સોનાની ચેઇન (કિંમત 1 લાખ રૂપિયા) ગાયબ જણાઈ હતી. નોકરી પર હાજર થવાનું હોવાથી તેઓ સીધા ભરૂચ ગયા હતા અને બાદમાં રજા મેળવી શાહીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં આ મામલે તપાસ હાથ ધરી છે.
રામોલ રીંગ રોડ પર આધેડને રિક્ષામાં બેસાડીને લૂંટ
વસ્ત્રાલના રામોલ વિસ્તારમાં આવેલી રાધેક્રિષ્ના હેરીટેઝ-01માં રહેતા અને મૂળ રાજસ્થાનના ડુંગરપુરના વતની 52 વર્ષીય પહાડસિંગ રાઠોડ ડ્રાઇવિંગનો વ્યવસાય કરે છે. નવમી સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે તે ઘરે જવા માટે રામોલ રીંગ રોડ ટોલટેક્સ પાસે ઊભા હતા. આ દરમિયાન એક રિક્ષા આવતાં તેણે પાંજરાપોળ ચાર રસ્તા જવાનું કહેતાં ચાલકે 10 રૂપિયા ભાડું નક્કી કરી તેમને આગળની સીટ પર બેસાડ્યા હતા. રિક્ષાની પાછળ એક મુસાફર બેઠો હતો. રિક્ષા થોડે આગળ વધતાં જ બંને શખ્સોએ 'તમારી પાસે જે કાંઈ હોય તે આપી દો' કહી ધમકી આપી હતી.
પહાડસિંગે કશું ન હોવાનું જણાવતાં પાછળ બેઠેલા શખસે તેમના બંને હાથ પકડી લીધા હતા અને ચાલકે ખિસ્સામાંથી 10,800 રૂપિયા રોકડા અને અસલ દસ્તાવેજો ભરેલું પર્સ કાઢી લીધું હતું. પુરોહિત હોટેલ પહેલાં તેમને નીચે ઉતારી બંને નાસી છૂટ્યા હતા. વતનમાં મરણ પ્રસંગ હોવાથી પહાડસિંગ તે વખતે ફરિયાદ નોંધાવી શક્યા નહોતા. બાદમાં રામોલ પોલીસે પેસેન્જરને બેસાડી લૂંટ ચલાવતી ગેંગના બે આરોપીઓને પકડ્યા હોવાની જાણ થતાં તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓ સોહેબ ઉર્ફે પોપટ મુસ્તાકઅલી સૈયદ તથા જમીલ અહેમદ સિદ્દીકીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.




