અમદાવાદ: યુવકે પહેલી પત્ની અને 3 બાળકો હોવાની વાત છુપાવી યુવતી બીજા લગ્ન કર્યા, નારોલ પોલીસે ગુનો નોંધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી 26 વર્ષીય યુવતીને પ્રેમજાળમાં ફસાવી પરિણીત યુવકે ત્રણ બાળકો હોવાની વાત છુપાવીને બીજા લગ્ન કર્યા બનાવ સામે આવ્યો છે. વટવા ખાતે રહેતા રવિ સરણિયા નામના પરિણીત શખસે યુવતીને અંધારામાં રાખી લગ્ન કરી લીધા હતા. બાદમાં આરોપીના પરિવારજનોએ યુવતીના ઘરે આવીને હોબાળો મચાવતાં સમગ્ર મામલો સામે આવ્યો હોતો. આ અંગે પીડિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને દગાખોરીથી બીજા લગ્ન કરવા બદલ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક પ્રસંગમાં પરિચય થયા બાદ પ્રેમસંબંધ બંધાયો હતો
મળતી માહિતી અનુસાર, નારોલ જૂની કોર્ટ પાસે રહેતી 26 વર્ષીય યુવતીનો આશરે સાત વર્ષ અગાઉ વટવા ખાતે યોજાયેલા એક ધાર્મિક પ્રસંગ દરમિયાન વટવાના સરણીયાવાસમાં રહેતા રવિ સરણિયા સાથે પરિચય થયો હતો. બંને વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતાં પ્રેમસંબંધ બંધાયો હતો. વર્ષ 2019માં આરોપી રવિ યુવતીને ઓઢવની એક હોટલમાં લઈ ગયો હતો અને લગ્ન કરવાની ખોટી ખાતરી આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.
ત્યારબાદ 25મી એપ્રિલ 2023ના રોજ રવિએ ઘીકાંટા ખાતે ગોરમહારાજની હાજરીમાં યુવતી સાથે લગ્ન કર્યા હતા અને બીજા જ દિવસે,26મી એપ્રિલ 2023ના રોજ દરિયાપુર વોર્ડ ઓફિસમાં તેના મેરેજ પણ રજિસ્ટર્ડ કરાવ્યા હતા. લગ્ન બાદ પણ યુવતી પોતાની માતા સાથે રહેતી હતી, જ્યારે આરોપી રવિ પોતાના ઘરે રહેતો હતો. યુવતી જ્યારે પણ તેને સાસરે લઈ જવાનું કહેતી ત્યારે તે વાયદાઓ કરતો હતો અને હાથીજણ પાસે આવેલા ગેસ્ટ હાઉસમાં લઈ જઈને સંબંધ બાંધતો હતો.
સાસરી પક્ષના લોકો ઘરે આવી ઝઘડો કરતાં ભાંડો ફૂટ્યો
દરમિયાન જુલાઈ 2026માં રવિના પરિવારજનો અચાનક યુવતીના ઘરે પહોંચ્યા હતા અને ઝઘડો કરી ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે રવિના અગાઉ જ ઉમા નામની સ્ત્રી સાથે લગ્ન થઈ ચૂક્યા છે અને તેને ત્રણ બાળકો પણ છે. આ વાત સાંભળીને યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ થતાં અંતે યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આરોપી રવિ સરણિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




