નેટવર્ક પ્રોબ્લેમ સોલ્વ કરવાના નામે અમદાવાદની મહિલા સાથે ઠગાઈ, EID નંબર મેળવી ફ્રોડ આચર્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Cyber Crime News: અમદાવાદના જોધપુર ગામમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા ૫૫ વર્ષીય મહિલા સાથે ઇ-સીમ (eSIM) એક્ટિવેટ કરવાના બહાને 99,900 રૂપિયાની સાયબર ઠગાઈ થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઠગે કંપનીના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપી મહિલાના ફોનમાં EID નંબર નખાવી સીમકાર્ડ પોતાના મોબાઈલમાં ચાલુ કરી લીધું હતું અને બાદમાં બૅંક એકાઉન્ટમાંથી ઓનલાઈન પેમેન્ટ એપ મારફતે નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા.
ફેમિલી પ્લાન પોર્ટ કરાવ્યા બાદ નેટવર્કની સમસ્યા સર્જાઈ હતી
જોધપુર ગામ ખાતે રહેતાં 55 વર્ષીય પ્રમીલાબહેન જૈન અને તેના પરિવારજનોએ જુલાઈ મહિનામાં પોતાના મોબાઈલ નંબરો અન્ય કંપનીમાં પોર્ટ કરાવવા માટે ઓનલાઈન રિક્વેસ્ટ કરી હતી. ત્યારબાદ વિજયકુમાર જિતીયા નામના વ્યક્તિએ સીમકાર્ડ કંપનીમાંથી બોલતા હોવાનો દાવો કરી પરિવારના સભ્યોના નંબરોની વિગતો મેળવી હતી. 15મી જુલાઈના રોજ પ્રમીલાબહેન, તેની પુત્રી અને પતિના ત્રણ મોબાઈલ નંબર પોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જોકે, સીમકાર્ડ એક્ટિવેટ થયા બાદ નેટવર્કનો પ્રોબ્લેમ ઊભો થતાં પરિવારે કંપનીની એપ અને સંબંધિત વ્યક્તિને ફરિયાદ કરી હતી.
ઇ-સીમ એક્ટિવેશનના નામે EID નંબર મેળવી ફ્રોડ આચર્યું
દરમિયાન 26મી જુલાઈએ પ્રમીલાબહેનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સામેવાળા વ્યક્તિએ કંપનીના કર્મચારી તરીકે ઓળખ આપી નેટવર્કની સમસ્યાના ઉકેલ માટે ઇ-સીમ (eSIM) એક્ટિવેટ કરવાનું સૂચન કર્યું હતું. ઠગે પ્રમીલાબહેનને મોબાઈલ એપમાં પ્રોસેસ કરાવી EID (Embedded Identity Document) નંબર જનરેટ કરાવ્યો હતો અને સિસ્ટમમાં દેખાતો હોવાનું કહી એપમાં લખાવ્યો હતો. ત્યારબાદ OTP મેળવીને આરોપીએ મહિલાનું ઇ-સીમ પોતાના ડિવાઈસમાં એક્ટિવેટ કરી લીધું હતું. પ્રક્રિયા પૂરી થતાં જ પ્રમીલાબહેનનો ફોન બંધ થઈ ગયો હતો.
બૅંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા
મોબાઈલ સીમકાર્ડ ચાલુ ન થતાં પરિવારે સ્ટોર પર જઈને નવું ફિઝિકલ સીમકાર્ડ મેળવ્યું હતું. ત્યારબાદ ચોથી ઓગસ્ટના રોજ પ્રમીલાબહેન બૅંક ટ્રાન્ઝેક્શન માટે સ્ટેટમેન્ટ કઢાવતાં તેમના એકાઉન્ટમાંથી ફોનપે (PhonePe) મારફતે 99,900 રૂપિયા અન્ય બૅંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું. સાયબર ફ્રોડનો ભોગ બન્યાની જાણ થતાં જ ભોગ બનનારે 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ નોંધાવી છે.




