અમદાવાદમાં મેઘમહેર: કઠવાડામાં પોણા બે ઈંચ વરસાદ, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા; જુઓ ક્યાં કેવા હાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Weather Update: અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં સોમવારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની ઘેરાબંધી વચ્ચે ધીમી અને મધ્યમ ધારે વરસાદ શરૂ થયો હતો. પશ્ચિમ વિસ્તારના સોલા, પ્રહલાદ નગર, જોધપુર અને આનંદ નગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી નોંધપાત્ર રીતે ઘટી જતાં વાહનચાલકોને સવારના સમયે હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી.
જ્યારે જશોદાનગર, સીટીએમ, નરોડા, મેમ્કો, વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ, સરદારનગર અને એરપોર્ટ વિસ્તારમાં આશરે 1 ઈંચ વરસાદ પડ્યો છે. પશ્ચિમના સરખેજ, સેટેલાઇટ, બોડકદેવ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, સાબરમાતી અને ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં અડધો ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા
આજે સવારે 6થી 9 વાગ્યાના ત્રણ કલાકના સમયગાળામાં શહેરમાં સરેરાશ 0.41 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજના સવારના ગાળા દરમિયાન પૂર્વ અને ઉત્તર ઝોનના વિસ્તારોમાં સારો વરસાદ જોવા મળ્યો હતો, જ્યારે પશ્ચિમ અને અન્ય ઝોનમાં પ્રમાણમાં હળવો વરસાદ નોંધાયો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે વાસણા બેરેજના કુલ ત્રણ દરવાજા એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે.
આજે સવારે 6થી 9 વાગ્યા સુધી આ 10 વિસ્તારમાં સૌથી વધુ વરસાદ થયો
- કઠવાડા: 1.77 ઇંચ
- હંસપુરા: 1.00 ઇંચ
- ઓઢવ ડ્રેનેજ પમ્પિંગ: 0.94 ઇંચ
- નિકોલ: 0.85 ઇંચ
- વસ્ત્રાલ: 0.81 ઇંચ
- વિરાટનગર: 0.69
- ઓઢવ: 0.67 ઇંચ
- નરોડા: 0.67 ઇંચ
- સરદારનગર: 0.57 ઇંચ
- ચકુડિયા: 0.47 ઇંચ
સોમવારે છૂટાછવાયા ઝાપટાં પડ્યા : મહત્તમ તાપમાનમાં સામાન્યથી 2.3 ડિગ્રીનો ઘટાડો
અમદાવાદમાં 29.4 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2.3 ડિગ્રીનો ઘટાડો થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ 78 ટકા નોંધાયું હતું. ગઇકાલે જ્યાં ઝાપટાં પડ્યા તેમાં મુખ્યત્વે બોપલ, જોધપુર, બોડકદેવ, વિરાટનગર, કઠવાડા, અસારવા અને કાલુપુરનો સમાવેશ થાય છે.
પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે
અમદાવાદ શહેરમાં હજુ સુધી સીઝનનો સરેરાશ 23.82 ઈંચ સાથે 66.17 ટકા વરસાદ વરસ્યો છે. હવે આજે સવારથી બપોર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. બુધવારથી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે પણ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. સોમવારે ગુજરાતના 111 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના શહેરામાં સૌથી વધુ 1.10 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ ત્રણ દિવસ વરસાદી માહોલ રહેશે. પરંતુ ભારે વરસાદ પડે તેની સંભાવના ખૂબ ઓછી છે. ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 70 ટકા વરસાદ વરસ્યો છે.
આજે ક્યાં ક્યાં યલો ઍલર્ટ?
હવામાન વિભાગ દ્વારા આજે, 11 ઓગસ્ટના રોજ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આજે દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં વીજળીના ચમકારો, કલાકના 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવનો અને હળવાથી મધ્યમ વરસાદી વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે.









