અમદાવાદમાં અણઘડ આયોજનનો બીજો દાખલો, વાડજ બ્રિજના કારણે કટ બંધ થતાં ટ્રાફિક જામની સ્થિતિ, 48 કલાકમાં નવો કટ શોધ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad News: અમદાવાદના વાડજ જંક્શન પર ઓવરબ્રિજ શરૂ થયા બાદ નારણપુરા તરફ જવાનો જૂનો કટ બંધ કરી દેવાતા વાહનચાલકોને ઉસ્માનપુરા થઈને ફરવું પડતું હતું અને તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. બ્રિજ શરૂ થયાના માત્ર 48 કલાકમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે સંકલન કરીને એરોમા કોલેજ પાસે વૈકલ્પિક કટ ખોલી દીધો છે. આ નવા કટના કારણે હવે વાડજ તરફથી નારણપુરા જવા માટે વાહનચાલકોને લાંબો ફેરો નહીં કરવો પડે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ માર્ગ વધુ સરળ બનશે અને અંદાજે રોજ 10થી 12 હજાર વાહનચાલકોને તેનો લાભ મળશે.
મુખ્યમંત્રીના હસ્તે 24 સપ્ટેમ્બરના રોજ વાડજ ઓવરબ્રિજનું લોકાર્પણ કરીને તેને વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂક્યો હતો. બ્રિજ શરૂ થયા બાદ ટ્રાફિકની સલામતી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બ્રિજના છેડે આવેલો નારણપુરા તરફ જવાનો કટ બંધ કરવામાં આવ્યો હતો. જોકે, કટ બંધ થતાં નારણપુરા તરફ જતા વાહનચાલકોને ઉસ્માનપુરા સિગ્નલ સુધી જઈને યુ-ટર્ન અથવા ફેરો કરીને જવું પડતું હતું.
બે દિવસમાં ટ્રાફિકની સ્થિતિનો સર્વે કરાયો
કટ બંધ થયા બાદ વાડજ અને નારણપુરા તરફ જતા માર્ગ પર વાહનચાલકોની મુશ્કેલી અને ટ્રાફિકની સ્થિતિ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા સતત બે દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન જૂનો કટ બંધ થવાથી વાહનચાલકોને પડતી મુશ્કેલી તેમજ ઉસ્માનપુરા તરફ વધતા ટ્રાફિકને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ નારણપુરા તરફ જવા માટે વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
200 મીટર આગળ નવો કટ શોધાય
ટ્રાફિક પોલીસ અને AMCની ટીમે જૂના કટથી આશરે 200 મીટર આગળ એરોમા કોલેજ પાસે આવેલા રોડ પર નવો કટ ખોલવાનું નક્કી કર્યું હતું. આ સ્થળેથી નારણપુરા તરફ જતા વાહનચાલકોને સરળતાથી આગળ વધી શકાય તેમ હોવાથી તેને વૈકલ્પિક માર્ગ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
AMC-પોલીસની તાત્કાલિક બેઠક બાદ કામગીરી
નવો કટ ખોલવા માટે ટ્રાફિક પોલીસ અને AMCના અધિકારીઓ વચ્ચે તાત્કાલિક બેઠક યોજાઈ હતી. બેઠક બાદ બંને વિભાગના અધિકારીઓએ સંકલન કરીને કટ ખોલવાની કામગીરી હાથ ધરી હતી. રાતોરાત કટ ખોલવાની સાથે માર્ગ પર જરૂરી સાઇન બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. જેથી વાહનચાલકોને નવા માર્ગ અંગે જાણકારી મળી શકે.
રોજ 1.50 લાખથી વધુ વાહનો બ્રિજ પરથી પસાર થશે
વાડજ ઓવરબ્રિજ પરથી દરરોજ અંદાજે 1.50 લાખથી વધુ વાહનો પસાર થાય છે. આવી સ્થિતિમાં બ્રિજ શરૂ થયા બાદ આસપાસના માર્ગો પર ટ્રાફિકનું યોગ્ય સંચાલન રહે તે માટે વૈકલ્પિક કનેક્ટિવિટી મહત્વની બની છે. એરોમા કોલેજ પાસેનો નવો કટ શરૂ થતાં નારણપુરા તરફ જતા અંદાજે 10થી 12 હજાર વાહનચાલકોને દરરોજ સીધી રાહત મળવાની શક્યતા છે.
સ્થાનિકોની રજૂઆત બાદ પણ તંત્ર એક્શનમાં
જૂનો કટ બંધ થતાં સ્થાનિક રહેવાસીઓ અને નિયમિત વાહનચાલકોમાં પણ મુશ્કેલી અંગે નારાજગી હતી. વાહનચાલકોને લાંબો ફેરો કરવો પડતો હોવાથી ટ્રાફિક અને સમય બંનેનો પ્રશ્ન ઊભો થયો હતો. ટ્રાફિક પોલીસના સર્વે બાદ આ બાબતને ધ્યાનમાં રાખીને AMC સાથે સંકલન કરવામાં આવ્યું અને માત્ર બે દિવસમાં જ વૈકલ્પિક કટ શરૂ કરી દેવામાં આવ્યો.




