Ahmedabad

અમદાવાદ: રથયાત્રામાં બહારથી આવતા હજારો પોલીસકર્મીઓના ડ્યુટી-રહેવાના પ્રશ્નોના જવાબ આપશે AI, જાણો કેવી રીતે

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
આગામી 16મી જુલાઈએ અમદાવાદમાં યોજાનારી જગન્નાથ રથયાત્રામાં સુરક્ષા માટે તૈનાત હજારો પોલીસકર્મીઓ માટે ક્રાઇમ બ્રાન્ચે ખાસ વોઇસ AI સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ દ્વારા પોલીસકર્મીઓને તેમની ફરજ, રહેવા-જમવાની વ્યવસ્થા અને ઇન્ચાર્જ જેવી તમામ માહિતી ફોન કોલ દ્વારા સચોટ રીતે મળશે, જેથી વ્યવસ્થાપન સરળ બનશે. 4500થી વધુ પોલીસકર્મીઓનો ડેટા માત્ર દોઢ કલાકમાં તૈયાર થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: રથયાત્રામાં બહારથી આવતા હજારો પોલીસકર્મીઓના ડ્યુટી-રહેવાના પ્રશ્નોના જવાબ આપશે AI, જાણો કેવી રીતે

Ahmedabad Jagannath Rath Yatra: અમદાવાદમાં આગામી અષાઢી બીજ (16મી જુલાઈ)ના દિવસે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશે. આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોવાથી તંત્ર દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે, આ માટે અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાંથી અધિકારી અને પોલીસ જવાનને તહેનાત કરાશે. જોકે બહારના જિલ્લામાંથી હજારોની સંખ્યામાં આવતા પોલીસ જવાનોને કામગીરીની વહેચણી, જવાબદારી, રહેવા જમવાની સગવડ સહિતની વિગત રૂબરૂ કહેવી ક્રાઈમ બ્રાન્ચ માટે મોટું હેડેક બની જાય છે. જોકે, તેનું સોલ્યુશન હવે ખુદ ક્રાઈમ બ્રાન્ચે શોધ્યું છે. નવી વિકસાવેલી વોઈસ AI સિસ્ટમમાં જાહેર કરાયેલા નંબરમાં દરેક પોલીસકર્મીને તેની ખુદની સચોટ માહિતી આપે છે.

બહારના જિલ્લામાંથી આવેલા હજારો પોલીસના બંદોબસ્ત માટે વોઈસ AI સિસ્ટમ

વોઈસ AI સિસ્ટમ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PSI દીલીપ ઠાકોરે જણાવ્યું કે, 'રથયાત્રાના બંદોબસ્તમાં બહારના જિલ્લામાંથી આવતા પોલીસ અધિકારીઓની નોકરી વહેંચણી કરવી એ અમારા માટે બહુ મોટો અને મુશ્કેલ ટાસ્ક હોય છે. કોની નોકરી ક્યાં છે, રહેવા-જમવાની વ્યવસ્થા ક્યાં છે, અને અન્ય જરૂરી વસ્તુઓ ક્યાંથી લેવાની છે, તે દરેકને વ્યક્તિગત રીતે જણાવવું પડે છે જે બહુ મોટું હેડેક છે. અમારા ક્રાઈમ બ્રાન્ચનું મુખ્ય કામ તો આરોપીઓ પકડવાનું હોય છે, પણ જ્યારે આ વ્યવસ્થાની જવાબદારી અમારા માથે આવે છે, ત્યારે સતત આવતા ફોન કોલ્સને કારણે અમારું ટેન્શન વધી જાય છે. આ જ સૌથી મોટો પ્રોબ્લેમ હતો કે આટલા બધાં લોકોને જવાબો કેવી રીતે આપવા, તેથી અમે આ બધી જવાબદારી AIને સોંપવાનું નક્કી કર્યું. અને અમે વોઈસ AI સિસ્ટમ બનાવી છે.'

કેવી રીતે કામ કરશે ક્રાઇમ બ્રાન્ચની નવી વોઈસ AI સિસ્ટમ?

આ AIનો કોન્સેપ્ટ અને ડિઝાઇન તૈયાર કરી અને રથયાત્રામાં જ તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. આ સિસ્ટમમાં રથયાત્રામાં ફરજ બજાવતા દરેક પોલીસકર્મીની વિગતો, તેમનો મોબાઈલ નંબર, નામ, રહેવા-જમવાની અને તેમની ફરજની તથા તેમના ઇન્ચાર્જ સહિતની તમામ માહિતી અપલોડ કરવામાં આવી છે, જે AI પોતાની મેમરીમાં સ્ટોર કરી છે. જ્યારે કોઈ અધિકારી અમારા જાહેર કરેલા નંબર પર ફોન કરે, ત્યારે રજિસ્ટર્ડ નંબર પરથી AI તેને તરત જ તેના નામથી વેલકમ કરે છે. ત્યારબાદ તેઓ પૂછે કે મારે ક્યાં રહેવાનું છે?, જમવાનું ક્યાં છે? અથવા મારા ઇન્ચાર્જ કોણ છે?, ત્યારે AI તેની પાસે રહેલી માહિતીમાંથી તેમને સચોટ જવાબ આપે છે.

માત્ર દોઢ કલાકમાં 4500 પોલીસના તમામ ડેટા સાથે AI સિસ્ટમ થઈ તૈયાર

રથયાત્રામાં અંદાજે બહારના જિલ્લામાંથી આવેલા 4500થી વધુ પોલીસ હોય છે. એકવાર ફોર્મેટમાં બધો ડેટા અપલોડ કરતા અડધો કલાક લાગે છે અને AIને ટ્રેઈન થતા કલાકથી દોઢ કલાકનો સમય લાગે છે. આ સિસ્ટમ ચેટજીપીટી જેવા જ એક કસ્ટમાઇઝ્ડ અલ્ગોરિધમ મોડલ પર બનાવી છે અને તેને પોલીસની જરૂરિયાત મુજબ ટ્રેઈન કરાઈ છે.

'જય જગન્નાથ'થી કોલની શરૂઆત, સચોટ અને સ્માર્ટ માહિતીથી સમાધાન!

સામાન્ય રીતે ચેટબોટ દુનિયામાં બહુ સફળ નથી થયા કારણ કે તે આપણા મગજ પ્રમાણે કામ નથી કરતા અને લોકો તેનાથી ફેમિલિયર નથી, પરંતુ આ વોઈસ AI સિસ્ટમ સફળ છે કારણ કે તે માણસની જેમ જ નોર્મલ રીતે પૂછાયેલા સવાલોના સામેથી જવાબ આપે છે. સામાન્ય લોકોને સમજવામાં સરળતા રહે તે માટે આનું નામ રથયાત્રા વોઈસ એઆઈ આપ્યું છે.

વોઈસ AI સિસ્ટમ ટ્રાયલ પણ લીધા છે અને ડેમો પણ તૈયાર છે, જેમાં તે સામેથી શરૂઆતમાં જ જય જગન્નાથ કહીને અધિકારીનું નામ, તેની નોકરી ક્યાં છે અને તેમના રિપોર્ટિંગ અધિકારી કોણ છે, તેનો સંપર્ક નંબર વગેરે જેવી બધી જ માહિતી વોઈસ દ્વારા એકદમ સચોટ રીતે આપે છે. આનાથી મેનેજમેન્ટનો સૌથી મોટો ટાસ્ક સાવ સરળ થઈ જશે.