અમદાવાદ: મતયાત્રામાં પરિવર્તિત રથયાત્રા પશ્ચિમમાં યોજવાનું સરકારને સૂઝતું નથી, ભાવિકોની લાગણી-માગણીનો અસ્વીકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Rath Yatra: અમદાવાદમાં ગુરૂવારે (16મી જુલાઈ) 149મી રથયાત્રા યોજાવાની છે અને અમદાવાદ પોલીસ, મહાનગરપાલિકા સહિતનું તંત્ર ઉપરાંત ગુજરાત સરકાર પણ દિવસોથી આ આયોજનમાં ગળાડૂબ છે. 16 કિલોમીટર રૂટ ઉપર નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા 146 વર્ષથી અમદાવાદની અભિન્ન ઓળખ છે તેના સ્વીકાર વચ્ચે એક મોટો વર્ગ હવે આયોજનથી સર્જાતી સામાન્ય જનજીવનમાં સમસ્યાઓ સાથે બદલાવની લાગણી વ્યક્ત કરતો થયો છે.
કોટ વિસ્તારમાંથી પશ્ચિમમાં રહેવા જઈ ચૂકેલા લાખો પરિવારોને દર્શનનો લ્હાવો લેવા પરેશાન
કોટ વિસ્તારના 16.2 કિલોમીટર રૂટ ઉપર નીકળનારી રથયાત્રાને 16 રેન્જ અને 1397 પોઈન્ટસમાં વિભાજીત કરી 30,000 પોલીસ ઉપરાંત આધુનિક પધ્ધતિથી બંદોબસ્ત ગોઠવાયો છે. પરંતુ 14 કલાકની રથયાત્રા માટે 15 દિવસથી 30,000 પોલીસ અને લાખો રહીશો પરેશાન થઈ રહ્યા છે. અમુક પ્રજાજનો તો એવો આક્રોશ પણ વ્યક્ત કરે છે કે, રથયાત્રાને મતયાત્રામાં પરિવર્તિત કરી દેવાઈ હોવાથી રથયાત્રા પશ્ચિમમાં જોવાનું સરકારને સૂઝતું નથી. કમનસીબી એ છે કે, પ્રજાજનોની આસ્થાના નામે નિશ્ચિત રૂટ ઉપરથી જ રથયાત્રા યોજવામાં આવતી હોવાથી કોટ વિસ્તાર છોડીને પશ્ચિમ અમદાવાદમાં રહેવા જઈ ચૂકેલા લાખો પરિવારોને ભીડભાડ વચ્ચે ભગવાનના દર્શનનો લ્હાવો લેવા દોડધામ કરવી પડે છે. તો પછી રથયાત્રાના પરંપરાગત રૂટમાં થોડો બદલાવ કરી એલિસબ્રિજ કે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોઈ મંદિર સુધી કેમ ન લઈ જવાય? આવો સવાલ વ્યાપક બની રહ્યો છે.
અમદાવાદમાં રથયાત્રાની પરંપરા 146 વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથજીની સ્વયંભૂ નગરયાત્રા અટકી નથી અને ભવિષ્યમાં અટકવાની પણ નથી. પરંતુ, સમય સાથે અમદાવાદ અને અમદાવાદીઓનો મિજાજ બદલાયો છે. એ સમય હતો કે જ્યારે અમદાવાદ નદીના અંદરના કોટ વિસ્તાર પૂરતું સીમીત હતું. વિતેલા 26 વર્ષમાં જ પશ્ચિમ અમદાવાદનો વણથંભ્યો વિકાસ થયો છે. કોટ વિસ્તારમાં રહેતા લાખો અમદાવાદીઓ હવે પશ્ચિમ અમદાવાદમાં રહેવા લાગ્યા છે. ભગવાન જગન્નાથજી સાથે અતૂટ નાતો ધરાવતા આવા લાખો અમદાવાદીઓ ઈચ્છી રહ્યા છે કે, ભગવાન તેમના આંગણે પણ આવે. પણ, લોકચર્ચા મુજબ રથયાત્રાને જાણે મતયાત્રામાં પરિવર્તિત કરી દેવાઈ હોય તેમ
150મી રથયાત્રાનો રૂટ બદલી કે વિસ્તારીને વધુમાં વધુ ભક્તજનો લાભ લઈ શકે તેવી સદ્બુદ્ધિ ભગવાન જગન્નાથજી આપે
પશ્ચિમ વિસ્તારમાં પણ રહેતાં ભક્તોના આંગણા સુધી ભગવાન આવે તે દિશામાં વિચાર કરવામાં આવતો નથી. લોકચર્ચા છે કે, રાજકીય સ્વાર્થ ખાતર રથયાત્રાના રૂટમાં બદલાવ અથવા તો વિસ્તારનો વિચાર સુધ્ધા કરવામાં આવતો નથી. આથી, હાલમાં તો અમદાવાદીઓ ગુરૂવારે યોજાનારી રથયાત્રામાં જોડાવા તૈયાર છે. પણ, આવતા વર્ષે વિક્રમરૂપ 150મી રથયાત્રાનો રૂટ બદલી કે વિસ્તારીને વધુમાં વધુ ભક્તજનો લાભ લઈ શકે તેવી સદ્બુદ્ધિ ભગવાન જગન્નાથજી આપે તેવું અનેક ભાવિકો ચર્ચી રહ્યા છે.









