દાસીનો દાવો અને રાજાની મરજી! રોડ કમિટીએ 7 કરોડની બચતની સૂચના આપી, છતાં સ્ટેન્ડિંગ કમિટીએ સુભાષબ્રિજના રૂ. 241 કરોડ મંજૂર કર્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ahmedabad Subhash Bridge Construction Cost: અમદાવાદમાં સુભાષ બ્રિજના બાંધકામ ખર્ચમાં રૂ. 7 થી 7.5 કરોડ સુધીનો ઘટાડો કરવા રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને સૂચના આપી હતી. આમ છતાં અધિકારીઓએ આ સૂચનાનો અમલ ન કર્યો હોવાના સવાલો ઊભા થયા છે. ગઈ 3 ઓગસ્ટે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં કન્સલ્ટન્સી ફી અને PMC ફીમાં ઘટાડો કરવા જણાવવામાં આવ્યું હતું, જેનાથી બ્રિજના કુલ ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થઈ શકે તેમ હતી. આમ છતાં, ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોઈ પણ ઘટાડા વગર રૂ. 241 કરોડની દરખાસ્ત રજૂ કરીને તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
સમિતિની સૂચના છતાં સ્ટેન્ડિંગ કમિટીમાં જૂની રકમ જ મંજૂર
રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેને 3 ઓગસ્ટની બેઠકમાં બ્રિજ વિભાગને કન્સલ્ટન્સી અને PMC ફીમાં ઘટાડો કરવા જણાવ્યું હતું. આ બંને ખર્ચ ઘટે તો સુભાષબ્રિજના કુલ ખર્ચમાં અંદાજે રૂ. 7 થી 7.5 કરોડની બચત થઈ શકે તેમ હતી. આમ છતાં, સ્ટેન્ડિંગ કમિટી માટે તૈયાર કરાયેલી દરખાસ્તમાં રૂ. 241 કરોડની રકમમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો ન હતો. એટલે કે જે ખર્ચ ઘટાડીને દરખાસ્ત રજૂ કરવાની હતી, તે જ રકમની દરખાસ્ત મંજૂર કરી દેવાઈ. આથી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની સૂચના અને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થયેલી દરખાસ્ત વચ્ચેનો તફાવત હવે ચર્ચાનો વિષય બન્યો છે.
જૂના સ્પાન બદલવાને બદલે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, અગાઉ સુભાષબ્રિજના જોખમી સ્પાન દૂર કરીને તેમની જગ્યાએ નવા સ્પાન મૂકવાની યોજના હતી. જોકે, વિવિધ એજન્સીઓના રિપોર્ટ બાદ સમગ્ર બ્રિજ નવેસરથી બનાવવો વધુ હિતાવહ હોવાનું સામે આવ્યું હતું. આથી હવે જૂના બ્રિજના સ્પાન બદલવાને બદલે સંપૂર્ણ નવો જ બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભાવવધારાની જોગવાઈથી સુભાષબ્રિજનો ખર્ચ રૂ. 250 કરોડને વટાવી શકે
રૂ. 241 કરોડની દરખાસ્ત મંજૂર થઈ હોવા છતાં આ રકમ અંતિમ ખર્ચ રહેશે તેમ માની શકાય નહીં. બાંધકામ દરમિયાન સિમેન્ટ, કપચી કે સળિયાના ભાવ વધે તો નિયમ મુજબ કોન્ટ્રાક્ટરને ભાવવધારો ચૂકવવામાં આવશે. જો આ સામગ્રીના ભાવ ઘટે, તો જ કોન્ટ્રાક્ટરની ચૂકવણીમાં ઘટાડો થશે. આ જોગવાઈને કારણે મટીરિયલના ભાવ વધશે તો બ્રિજનો ખર્ચ રૂ. 250 કરોડને પણ વટાવી શકે છે. આમ, એક તરફ કમિટીએ રૂ. 7 થી 7.5 કરોડની બચત કરવાની સૂચના આપી હતી, તો બીજી તરફ ઘટાડા વગર દરખાસ્ત મંજૂર થઈ છે અને ભાવવધારાના કારણે ખર્ચ હજુ વધવાની શક્યતા છે.









