VIDEO: અમદાવાદમાં કિંજલ રબારીના અપહરણ કેસમાં નવો ટ્વિસ્ટ! પતિના આરોપો સામે સિંગરે વીડિયો જાહેર કરી સત્ય જણાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Singer Kinjal Rabari Abduction Case: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી (CBD) મોલ નજીક જાણીતી ગાયિકા કિંજલ રબારીનું કાળા રંગની કારમાં કથિત અપહરણ થયું હોવાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, સીસીટીવી (CCTV) ફૂટેજની પ્રાથમિક તપાસમાં કિંજલ કોઈપણ બળજબરી વિના સ્વેચ્છાએ કારમાં બેસતી દેખાતાં આ સમગ્ર ઘટના પૂર્વઆયોજિત હોવાની આશંકા ચાંદખેડા પોલીસે વ્યક્ત કરી છે. જોકે, આ અપહરણ થયું હોવાના દાવા અંગે કિંજલની પ્રતિક્રિયા સામે આવી છે.
કિંજલના સમય પહેલા પહેલા લગ્ન થયા હતા
મળતી માહિતી અનુસાર, કિંજલ રબારીએ થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે આંતરિક વિવાદ ચાલી રહ્યો હતો. કિંજલના પતિએ આક્ષેપ કર્યો છે કે કેટલાક શખસોએ તેને પાછળથી પકડી રાખીને કિંજલનું અપહરણ કર્યું હતું. જોકે, પોલીસ હાલ સીસીટીવી ફૂટેજના આધારે મહેસાણા તરફના શંકાસ્પદ શખસોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે.
માલધારી એકતા સમિતિના પ્રમુખે શું કહ્યું?
"સમગ્ર માલધારી સમાજને વિનંતી કે ગાયિકા કિંજલ રબારીની ઘટનાથી અળગા રહે. તાજેતરમાં બનેલી કિંજલ રબારીની ઘટનામાં નિર્દોષ અને ભોળા માલધારી સમાજે લાગણીમાં ના આવવા વિનંતી. જો કિંજલ રબારી જેના પેટમાં 9 મહિના રહી એની ના થાય. જે બાપે પેટે પાટા બાંધી, મજૂરી કામ કરીને 18 વર્ષની કરી એની ના થાય. માલધારી સમાજના દીકરા સાથે 7 ફેરા લગ્નના જેની સાથે લીધા એની ના થાય તો એ જેની સાથે ગઈ છે એની પણ ભવિષ્યમાં નહીં થાય. એટલે મારી વિનંતી છે કે માલધારી સમાજની લાગણીમાં આવીને કોઇ યુવાનો અથવા સામાજિક આગેવાનો આમાં જોતરાઈ નહીં. જે લોહીનું ના થાય એ કોઈનું ના થાય" - નાગજીભાઈ દેસાઈ, પ્રમુખ માલધારી એકતા સમિતિ

ACPએ શું કહ્યું?
આ અંગે ACPએ જણાવ્યું કે, આજે બપોરે અમારા ચાંદખેડા પોલીસ કંટ્રોલ રૂમને એક મેસેજ મળ્યો હતો. જેમાં નરસિંહભાઈ મુકેશ ઉર્ફે મુકેશભાઈ શંકરભાઈ રબારી નામના વ્યક્તિએ પોલીસને જણાવ્યું કે CBD મોલ ખાતેથી તેમની પત્ની કિંજલબહેન શંકરભાઈ રબારીનું એક કાળા કલરની કારમાં અપહરણ કરવામાં આવ્યું છે. આ મેસેજ મળતાની સાથે જ અમે તાત્કાલિક અમારી પીસીઆર વાનને મોકલી આપી હતી અને ઉચ્ચ અધિકારીઓને આ અંગેની જાણ કરી હતી. અમારા ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા અન્ય અધિકારીઓની ટીમ કોઈપણ વિલંબ વિના તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
શું હતી સમગ્ર ઘટના?
વધુમાં ACPએ જણાવ્યું કે, પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ફરિયાદ કરનાર મુકેશ શંકરભાઈ રબારીની પૂછપરછ શરૂ કરી હતી. તેમણે અમને જણાવ્યું કે તેઓ, તેમની પત્ની કિંજલબહેન, તેમની સાળી, ભાઈ અને બનેવી સાથે આજે CBD મોલ ખાતે મિર્ઝાપુર મૂવી જોવા માટે આવ્યા હતા. આ મૂવી ચાલતું હતું તે દરમિયાન ઇન્ટરવેલના સમયે કિંજલ તેમને કહ્યું કે તેની તબિયત સારી નથી અને તેમને ખૂબ મૂંઝવણ થઈ રહી છે. આથી, કિંજલના કહેવા મુજબ તેઓ થિયેટરમાંથી બહાર આવીને નીચેના ભાગે સીબીડી મોલની આગળ રોડ પાસે ઊભા હતા. આ જ સમયે કિંજલબેનની બહેન જાનકીબેનનો ફોન આવતા તેઓ તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા.
મુકેશે આગળ જણાવ્યું કે કિંજલે તેમને કહ્યું કે તબિયત સારી ન હોય આપણે ઘરે જવું છે, આથી તમે ગાડી બોલાવી લો. આ ગાડી બોલાવવા માટે મુકેશ પોતાનો મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢી રહ્યો હતો તેવામાં અચાનક પાછળથી આશરે 25થી 30 વર્ષનો અને સફેદ શર્ટ પહેરેલો એક અજાણ્યો વ્યક્તિ આવ્યો અને તેણે મુકેશને પાછળથી પકડી રાખ્યો. મુકેશે પાછળ ફરીને જોયું અને પછી કિંજલ તરફ જોયું તો કિંજલ એક કાળા રંગની ગાડીની પાછળની સીટમાં બેસતી દેખાઈ હતી. થોડી જ ક્ષણોમાં એ ગાડી ત્યાંથી રવાના થઈ ગઈ અને જ્યારે મુકેશ તેને પકડનાર વ્યક્તિ પાછળ દોડ્યો, ત્યારે પેલો અજાણ્યો વ્યક્તિ પણ એક અન્ય સફેદ રંગની ક્રેટા ગાડીમાં બેસીને ત્યાંથી ફરાર થઈ ગયો.
સમગ્ર મામલે પોલીસે મુકેશને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કર્યા બાદ ફરિયાદ નોંધી હતી. ફરિયાદના આધારે પોલીસે કલમ 173B અને 54 હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. મુકેશે પ્રાથમિક શંકાસ્પદ અપહરણકર્તા તરીકે અશોકભાઈ વાલાભાઈ ચૌધરીનું નામ આપ્યું છે, પરંતુ તે હજી આ બાબતે સંપૂર્ણપણે ખાતરીપૂર્વક કહી શકતો નથી. મુકેશે પોલીસને જણાવ્યું કે, તેણે ગાડીનો નંબર જોયો છે પણ તેમાં પાછળની સીરિઝ સિવાયના અંકો જ તે જોઈ શક્યા હતો. વધુમાં પ્રાથમિક માહિતી મુજબ અગાઉ કિંજલ તે વ્યક્તિ સાથે ગઈ હતી અને તેમની વચ્ચે હેબિયસ કોર્પસની અરજી ચાલતી હતી. તેમજ હાલમાં સિવિલ કોર્ટની અંદર તેમના છૂટાછેડાનો કેસ પણ ચાલી રહ્યો છે. જે વ્યક્તિએ મુકેશને પાછળથી પકડ્યો હતો તેને તે ઓળખતો નથી અને તે પગમાં ચપ્પલ પહેર્યા વગરનો આશરે 25 વર્ષનો સફેદ શર્ટવાળો અજાણ્યો પુરુષ હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલના તબક્કે પોલીસની ટીમો CBD મોલ અને તેની આસપાસના અન્ય સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે જેથી ગાડીની હિલચાલ જાણી શકાય. સમગ્ર મામલે પોલીસે સીસીટીવી, વાઈરલ વીડિયો અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે, 'મને કિંજલ રબારીના અપહરણ અંગેનો મેસેજ મળતાં જ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. દંપતી મૂળ રાધનપુર બાજુનું રહેવાસી છે અને સીબીડી મોલમાં ફિલ્મ જોવા આવ્યું હતું. મોલમાંથી નીચે ઉતર્યા ત્યારે એક કાળી કાર આવી હતી જેમાં કિંજલ જતી રહી હતી.'
પીઆઈએ વધુમાં ઉમેર્યું કે, 'પતિનો દાવો છે કે તેને પાછળથી પકડી રાખવામાં આવ્યો હતો અને કિંજલને લઈ ગયા હતા, પરંતુ સીસીટીવી ફૂટેજમાં કોઈ બળજબરી થતી હોય તેવું દેખાતું નથી. કિંજલ પોતાની મેળે જ ગાડીમાં બેસી જતી હોવાનું જણાય છે, જેથી આ સમગ્ર બાબત પૂર્વઆયોજિત હોવાની પૂરી શક્યતા છે. કાર લઈને આવેલા શખસો મૂળ મહેસાણા તરફના છે અને તેમની ઓળખ છતી કરવાની પ્રક્રિયા ચાલુ છે. સીસીટીવી તપાસ અને ફરિયાદ નોંધવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.'

કિંજલ રબારીની પ્રતિક્રિયા
અમદાવાદના ચાંદખેડા વિસ્તાર સ્થિત CBD મોલ પાસેથી લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાના દાવા અંગે કિંજલની પ્રતિક્રિયા સામે આવી છે. તેણે જણાવ્યું કે, 'હું કિંજલ દેસાઈ, અશોક ચૌધરીની પત્ની છું. મે અશોક ચૌધરી સાથે બીજી મે,2024ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મે મારા પરિવારને મનાવવાનો ખુબ પ્રયાસ કર્યો હતો, પરંતુ પરિવાર ન માનતા આખરે મે સ્વેચ્છાએ પતિ અશોકને ફોન કરીને બોલાવ્યો હતા અને 10મી માર્ચ, 2024ના રોજ અમે સાથે ગયા હતા. આ દરમિયાન મને પિયર પક્ષના લોકોએ મારા પતિ સાથે મારપીટ કરી હતી અને તેને બળજબરીથી પિયર લઈ ગયા હતા. પિયરમાં મને પરાણે રાખવામાં આવી હતી અને ત્યાં મારા જીવને જોખમ હતો. પિયરમાં જીવનું જોખમ જણાતાં મે ફરી મારા પતિનો સંપર્ક કર્યો હતો અને છઠ્ઠી સપ્ટેમ્બર, 2026ના રોજ તે પોતાની મરજીથી પતિ પાસે પરત આવી ગઈ છે. અહીંયા હું સેફ છું અને હું એમની સાથે જ છું. તો વિનંતી કરું છું કે કોઈએ ખોટો કેસ કે ફરિયાદ કરવી નહીં.'




