Devbhumi Dwarka

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીએ શ્રદ્ધાળુઓની કિંમતી ચીજવસ્તુઓ ચોરતી ગેંગના 15 સાગરીતો ઝડપાયા, 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી પર્વ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો લાભ ઉઠાવી ચોરી કરતી 2 ગેંગના 15 સાગરીતોને જિલ્લા SOG પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ₹71,310 રોકડા અને 14 મોબાઈલ ફોન મળી કુલ ₹1,86,810 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા આ શખસો અગાઉ પણ ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીએ શ્રદ્ધાળુઓની કિંમતી ચીજવસ્તુઓ ચોરતી ગેંગના 15 સાગરીતો ઝડપાયા, 1.87 લાખનો મુદ્દામાલ જપ્ત

Devbhumi Dwarka Crime News: દેવભૂમિ દ્વારકામાં તાજેતરમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન શ્રદ્ધાળુઓની ભીડનો લાભ ઉઠાવી ચોરી અને ચિલઝડપ કરતી બે અલગ-અલગ ગેંગના 15 સાગરીતોને જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડ્યા છે. પકડાયેલા સાગરીતો પાસેથી 71,310 રૂપિયાની રોકડ રકમ અને 1,15,500 રૂપિયાની કિંમતના 14 મોબાઈલ ફોન મળી કુલ 1,86,810 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સાગરીતો અગાઉ પણ ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યા

જન્માષ્ટમીના ભવ્ય ઉત્સવ પ્રસંગે દ્વારકાધીશ મંદિરે દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. આ દરમિયાન ભીડનો ગેરલાભ ઉઠાવી યાત્રિકોના ખિસ્સા કાપવા, ચેન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી કરતી ટોળકીઓ સક્રિય થઈ હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસે ચોરીના ગુનામાં સંકળાયેલા શંકાસ્પદ શખસોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી આવેલા આ શખસો અગાઉ પણ વિવિધ જિલ્લાઓમાં ચોરી, લૂંટ, પિકપોકેટિંગ અને ચિલઝડપ જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે.

ઝડપાયેલા આરોપીઓના નામ

ઝડપાયેલા આરોપીઓમાં પહેલી ટોળકીના નવ સભ્યો દીપક ઉર્ફે પંપો મનોજ દંતાણી, આશિષ મહેન્દ્ર દેશભ્રાતર, દીપક ગોપાલ દંતાણી, શનિ ઈશ્વર દંતાણી, રૂપેશ શંકર ઠાકોર, રાજેશ ગરીબદાસ દેવીપૂજક, રમણ વાડીલાલ દંતાણી, દીપક રાજુ કંકોડિયા અને રુદ્ર સુનિલ રાવલનો સમાવેશ થાય છે. જ્યારે બીજી ટોળકીના છ આરોપીઓ, અજય હસુ દંતાણી, હર્ષદ કાળુ મારુ, કરણ ગોપાલ દંતાણી, કરણ ગોવિંદ દેવીપૂજક, રવિ જગદીશભાઈ અને શનિ અશોક દંતાણીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસની સઘન પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ દ્વારકાધીશ મંદિર તથા આસપાસના ભીડભાડવાળા વિસ્તારોમાં યાત્રાળુઓની નજર ચૂકવીને ચોરી કરતા હતા. ઝડપાયેલા મોટાભાગના સાગરીતો ભૂતકાળમાં ઘરફોડ ચોરી, ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી, સોના-ચાંદીના દાગીનાની ચિલઝડપ, મારામારી તેમજ પ્રોહિબિશન સહિતના ગુનાઓમાં સંકળાયેલા રહ્યા છે. દ્વારકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.