Ahmedabad

VIDEO| "ફ્રીમાં રહો છો, જે મળે એ ખાઈ લો!": અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં જીવડાં, 10 માળની લિફ્ટ બંધ, છાત્રોનો હલ્લાબોલ!

By GS Team
28 Sep 20262 mins read
TukuTouch Logo
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓએ ખરાબ ભોજન અને પીવાના પાણીની સમસ્યાઓ સામે વિરોધ કર્યો. ભોજનમાં જીવડાં, કાનખજૂરો, અને પાણીમાં ગરોળી મળ્યાના આક્ષેપો છે. 10 માળની લિફ્ટ બંધ હોવાથી ભારે હાલાકી છે. 'શ્રીરામ જય રામ' ધૂન સાથે વિદ્યાર્થીનીઓએ રેક્ટર સામે ધરણા યોજ્યા. હોસ્ટેલ તંત્રના બેદરકાર વલણથી રોષ જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO| "ફ્રીમાં રહો છો, જે મળે એ ખાઈ લો!": અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં જીવડાં, 10 માળની લિફ્ટ બંધ, છાત્રોનો હલ્લાબોલ!

Ahmedabad Samras Girls Hostel Food Issue: અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ દ્વારા ગંદુ ભોજન અને પીવાના પાણીની સમસ્યાઓ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે, હોસ્ટેલના ભોજનમાં વારંવાર જીવાતો નીકળે છે. જેમાં મગમાં કાનખજૂરો, દાળમાં જીવડાં, કઢીમાં ઈયળો અને પીવાના પાણીમાં મરેલી ગરોળી મળી હોવાના બનાવો સામે આવ્યા છે. આમ, અયોગ્ય ભોજન, 10 માળની લિફ્ટ બંધ સહિતના પ્રશ્નોને લઈને વિદ્યાર્થીનીઓએ હલ્લાબોલ કર્યો છે.

અમદાવાદની સમરસ ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં જીવડાં

વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે, ભોજનમાંથી જીવાત નીકળવાની ફરિયાદ કરવામાં આવે છે ત્યારે હોસ્ટેલ સંચાલકો માત્ર તે થાળી બાજુ પર મૂકાવીને બીજી થાળી લેવાનું કહી દે છે. પરંતુ અન્ય વિદ્યાર્થીનીઓને ભોજન લેતા અટકાવતા નથી કે સ્વાસ્થ્યની જવાબદારી લેતા નથી. આ ઉપરાંત, હોસ્ટેલમાં 1000 જેટલી વિદ્યાર્થીનીઓ વચ્ચે પીવાના પાણી માટે માત્ર 2 નળ ચાલુ હોવાની સમસ્યા છે. સમગ્ર મામલે વિદ્યાર્થીનીઓએ 'શ્રીરામ જય રામ જય જય રામ' ધૂન ગાઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.

10 માળની લિફ્ટ બંધ

વિદ્યાર્થીનીઓના આક્ષેપ મુજબ, છેલ્લા 3 અઠવાડિયાથી ભોજનનું મેનુ બદલવાની માગ કરી છે, પરંતુ હોસ્ટેલ તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી. ભોજન સિવાય હોસ્ટેલમાં બીજી કેટલીક સુવિધાઓનો પણ મોટો અભાવ છે. જેમાં હોસ્ટેલમાં આવેલી 2 લિફ્ટમાંથી 1 લિફ્ટ ચોમાસામાં પાણી ભરાવાને કારણે બંધ થઈ ગઈ છે અને બીજી લિફ્ટ પણ અવારનવાર ખરાબ થઈ જાય છે. આ કારણે 10મા માળ પર રહેતી વિદ્યાર્થીનીઓને રોજબરોજ કૉલેજ જવા અને જમવા આવવા માટે 10 માળ ચડવા-ઉતરવા પડે છે.

'ફ્રીમાં રહો છો, જે મળે એ ખાઈ લો!'

આ મામલે રજૂઆત કરતાં હોસ્ટેલ તંત્ર સતત આશ્વાસન આપે છે કે કામ થઈ જશે, પરંતુ કોઈ કાયમી નિકાલ આવતો નથી. તેમજ વિદ્યાર્થીનીઓને એવું પણ સંભળાવવામાં આવે છે કે, 'સરકારી હોસ્ટેલમાં ફ્રીમાં રહો છો એટલે જે મળે તે ખાઈ લેવું જોઈએ.'

આવી ગંભીર બેદરકારી અને સુવિધાઓના અભાવને કારણે કંટાળીને વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના રેક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ધરણા યોજીને ઉગ્ર દેખાવો કર્યો છે. બીજી તરફ, હોસ્ટેલના અધિકારીએ ખુલાસો આપ્યો છે કે, જ્યારે વિદ્યાર્થીનીઓ તરફથી રજિસ્ટરમાં ફરિયાદો મળે છે ત્યારે તેઓ પોતે તપાસ કરે છે અને ભોજન પૂરું પાડતી ખાનગી એજન્સીને નોટિસ આપીને તાકીદ કરે છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે, એજન્સીને કડક સૂચના આપવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને. જો કે, વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી, જેના કારણે તેઓ પોતાના હક માટે વિરોધ ચાલુ રાખી રહી છે.